ગૌરીશંકર પેન્ડમ (જ. 1936, હૈદરાબાદ) : ચિત્રકાર અને ગ્રાફિક આર્ટિસ્ટ તરીકે હૈદરાબાદના આગળ પડતા કલાકાર. તેમણે મુંબઈ તથા હૈદરાબાદના ફાઇન આર્ટના ડિપ્લોમા મેળવેલા છે. વ્યાખ્યાતા તરીકે કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સ ઍન્ડ આર્કિટેક્ચર, હૈદરાબાદમાં સેવા આપી. મ. સ. યુનિવર્સિટીમાંથી ગ્રાફિકમાં નિપુણતા મેળવી. 1978 સુધીમાં તેમનાં છ એકલ પ્રદર્શનો હૈદરાબાદમાં અને બે પ્રદર્શનો બૅંગાલુરુમાં યોજાઈ ચૂક્યાં છે. ઉપરાંત રાષ્ટ્રીય કલાપ્રદર્શનોમાં ભાગ લીધેલો છે. તેમનાં ચિત્રો બીજા બ્રિટિશ આંતરરાષ્ટ્રીય દ્વિવાર્ષિક પ્રદર્શનમાં તથા ઇન્ડોપોલિશ ગ્રાફિક તથા ભારતના ગિનાલે-2 નામના પ્રદર્શનમાં પ્રદર્શિત થઈ ચૂક્યાં છે. તેમને હૈદરાબાદ આર્ટ સોસાયટીનાં છ પારિતોષિકો અને દિલ્હીના ગ્રાફિક (અ. ભા.) પ્રદર્શનોમાં ઇનામો પ્રાપ્ત થયેલાં છે. તેમની કલામાં અમૂર્ત તત્વ વધુ છે, છતાં તે હેતુલક્ષી કલ્પના પર આધારિત છે. તેમનાં ચિત્રો હૈદરાબાદ, ચંડીગઢ તથા ચેન્નાઈ સંગ્રહાલયોમાં પ્રદર્શિત થયેલાં છે. હૈદરાબાદની કલાસંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે.

કનુ નાયક