ગૌણી ભક્તિ : દેવાર્ચન, ભજન-સેવાની પ્રવૃત્તિ. એને સાધન-ભક્તિ પણ કહે છે. પરાભક્તિની ભૂમિકામાં પ્રવેશ માટેનું આ પહેલું પગથિયું છે. એનાથી પરાભક્તિની સાધનામાં આવતી અનેક બાધાઓ દૂર થાય છે. નારદભક્તિસૂત્રમાં ગુણભેદ અનુસાર એના ત્રણ પ્રકારો બતાવ્યા છે : (1) સાત્વિકી – જેમાં કેવળ ભક્તિ માટે જ ભક્તિ કરવામાં આવે છે. (2) રાજસી – વિષય, યશ અને  ઐશ્વર્યની કામનાથી પ્રેરિત થઈને કરવામાં આવતી પૂજા અને (3) તામસી – હિંસા, દંભ, અભિમાનપૂર્વક કરવામાં આવતી પૂજા. આર્તભેદથી પણ ગૌણી ભક્તિના ત્રણ પ્રકારો વર્ણવાયા છે : (1) અર્થાર્થી એટલે સંસારી પદાર્થો ધન, પુત્ર,  પત્ની વગેરેને માટે કરવામાં આવતી પૂજા. (2) આર્ત એટલે દુઃખકે સંકટ-નિવારણાર્થે કરવામાં આવતી પૂજા અને (3) જિજ્ઞાસુ – ભગવાનને જાણવાની ઇચ્છાથી કરવામાં આવતી પૂજા. ગૌણી ભક્તિમાં તમોભક્તિની અપેક્ષાએ રાજસી ભક્તિ અને રજોગુણી (રાજસી) ભક્તિની અપેક્ષાએ સાત્વિકી ભક્તિ શ્રેષ્ઠ છે. એવી જ રીતે અર્થાર્થી અને આર્તભક્તિની અપેક્ષાએ જિજ્ઞાસુભક્તિ શ્રેષ્ઠ છે. ભગવદગીતામાં ભક્તોના અર્થાર્થી, આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાની – આ ચાર પ્રકારો બતાવ્યા છે અને એમાં જ્ઞાનીને સર્વશ્રેષ્ઠ કહ્યા છે.

પ્રવીણચંદ્ર પરીખ