ગોહિલ, ભાવસિંહજી (શાસનકાળ : 1703; 1764) : ભાવનગર શહેરના સ્થાપક અને ભાવનગર રાજ્યની આબાદીના સર્જક રાજવી. ગોહિલ રાજવી રતનજીના ઈ. સ. 1703માં મૃત્યુ બાદ ભાવસિંહજી શિહોરની ગાદીએ આવ્યા. 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થતાં મુઘલ સત્તા નબળી પડી તેનો લાભ લઈને ઈ. સ. 1722–23માં મરાઠા સરદારો પિલાજી ગાયકવાડ અને કંથાજી કદમબાંડે સૌરાષ્ટ્રમાં ચોથ ઉઘરાવવા આવ્યા. બીજા રાજાઓની ભંભેરણીથી મરાઠા સરદારોએ ભાવસિંહજી પાસે વધારે ખંડણીની માગણી કરી. ભાવસિંહજીએ તે નકારી. શિહોરના કિલ્લાના દરવાજા બંધ કરી સામનો કર્યો અને મરાઠા સરદારોને ખંડણી લીધા વિના પાછા ફરવું પડ્યું.
મરાઠા હુમલા દરમિયાન ભાવસિંહજીને તેમની અસલામત સ્થિતિનો ખ્યાલ આવ્યો. તેથી તેમણે વડવા નજીક કાળુભારની ખાડી નજીકનું સ્થળ પસંદ કર્યું અને સંવત 1779ના (ઈ. સ. 1723) વૈશાખ સુદ ત્રીજના દિવસે ભાવનગરની સ્થાપના કરી. વેપાર વિકસાવવાના હેતુથી સૂરતના સૂબેદાર સોરાબખાન અને મુઘલ કાફલાના નૌકાધિપતિ સીદી સાથે કરાર કરી ભાવનગરની બંદરી જકાતમાંથી સવા ટકો આવક આપવા તથા સૂરતના વેપારીઓની આયાત ઉપરની જકાત માફ કરવા કબૂલ્યું. બદલામાં સૂરતના સીદીએ ભાવનગરના માલ ઉપર જકાત ન લેવા કબૂલ્યું. આ સિવાય ચાંચિયાઓ સામે સંયુક્ત રીતે પગલાં ભરવાનું નક્કી થયું. આ કરારથી ખંભાતના મોમિનખાન અને ઘોઘાના શેરખાન બાબીના ભયથી ભાવનગર મુક્ત થયું. સોરાબખાનના મૃત્યુ બાદ ઘોઘા શેરખાન બાબીને હસ્તક આવ્યું. તેનો ભય દૂર કરવા સૂરતના કિલ્લેદાર સીદી નૌકાધિપતિ સાથેનો કરાર તાજો કર્યો.
1758માં મુઘલ સૂબા પાસેથી અમદાવાદ જીતી લેવાયું અને 1759માં સૂરત ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વર્ચસ નીચે આવ્યું. પરિણામે સૂરતનો જકાતની આવકનો હક ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મળ્યો અને ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે ચાંચિયાગીરી દાબી દેવા ભાવસિંહજીએ સહકાર સાધ્યો. પરિણામે ભાવનગરનો વેપાર વધ્યો અને ચાંચિયાગીરીના ભયથી ભાવનગર મુક્ત થયું.
ભાવસિંહજીએ ત્યારબાદ લોલિયાણાના થાણદારના સહકારથી શિહોર અને ઉમરાળા આસપાસનાં મુઘલ થાણાં કબજે કર્યાં તથા પાલિતાણાના ભાયાતનું ત્રાપજ ગામ અને તળાજાના કોળીઓનું સરતાનપર ગામ જીતી લીધાં. સરતાનપર જીતતાં કોળી ચાંચિયાઓ દબાઈ ગયા.
આમ, ભાવસિંહજીની કુનેહથી ભાવનગર મુઘલ, મરાઠા અને ચાંચિયાઓના ભયથી મુક્ત થયું અને વેપાર વધતાં તેની આબાદીમાં વધારો થયો.
શિવપ્રસાદ રાજગોર