ગોહિલો : રજપૂતોમાં સૌથી વધુ કુળવાન તથા શૌર્ય અને ટેક માટે સુપ્રસિદ્ધ રાજવંશ. ગુહિલ ઉપરથી ગુહિલપુત્ર, ગુહિલુત્ત અને ગુહિલોત વંશવાચક શબ્દો બન્યા. ગેહિલોત અને ગૈહલોત શબ્દો પણ પ્રચલિત છે. ગોભિલ, ગૌહિલ્ય અને ગોહિલ જેવી વંશવાચક અટક પણ શિલાલેખોમાં જોવા મળે છે.
આ વંશનો સ્થાપક ગુહદત્ત ઈ. સ. 566માં થઈ ગયો અને તેના વંશજો મેવાડના રાજકર્તા હતા. ભાવનગર વગેરેના ગોહિલો પોતાની જાતને શાલિવાહનના વંશજ તરીકે ઓળખાવે છે. તે મેવાડના શાલિવાહન વંશમાંથી ઊતરી આવ્યા છે.
મેવાડના ગોહિલો તેમને અયોધ્યાના સૂર્યવંશી રાજા રામના ઉત્તરાધિકારી માને છે. મેવાડના ગોહિલોનો મૂળ સ્થાપક ગુહદત્ત કે ગુહા બ્રાહ્મણ હતો. ઈ. સ. 977, ઈ. સ. 1270 અને ઈ. સ. 1285ના શિલાલેખો પ્રમાણે ગુહિલ કે ગુહદત્તે બ્રહ્મકર્મને બદલે ક્ષાત્રકર્મ સ્વીકાર્યું હતું. મેવાડના ગોહિલોનું વૈજપાયન ગોત્ર હતું. અન્ય ગોહિલોનાં ગૌતમ અને વિશ્વામિત્ર ગોત્ર હતાં. સામાન્ય રીતે પુરોહિતના ગોત્ર પ્રમાણે રાજાઓનું ગોત્ર ગણાય છે. ગોહિલોનાં 24 કુળો હોવાનું જણાયું છે.
ગોહિલ રાજ્યો : ગોહિલોનું મૂળ રાજ્ય મેવાડનું હતું તેમાંથી ડુંગરપુર, વાંસવાડા તથા પ્રતાપગઢનાં રાજ્યો છૂટાં પડ્યાં, જ્યારે રાવળ અમરસિંહના નાના ભાઈ કુંભકર્ણે નેપાળમાં રાજ્ય સ્થાપ્યું હતું.
દક્ષિણ ગુજરાતના ધરમપુરના રાજા અને મધ્યપ્રદેશના બડવાણીના રાજા ગોહિલોની સિસોદિયા શાખાના છે. શિવાજી અને એના વંશજો (કોલ્હાપુર, સાતારા), નાગપુરના ભોંસલે, મુઘોળ અને સાવંતવાડીના શાસકો પણ મેવાડના ગોહિલ વંશમાંથી ઊતરી આવ્યાનું કહેવાય છે. વિજયનગરનું રાજ્ય પણ ગોહિલવંશી હોવાનું જણાવાયું છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, પાલિતાણા, લાઠી અને વળાનાં રાજ્યો પણ ગોહિલવંશી હતાં. માંગરોળની સોઢળી વાવમાંના શિલાલેખમાં ઉલ્લેખાયેલો રાજવંશ ગોહિલ છે. રાજપીપળાના ગોહિલ ભાવનગરના ગોહિલોના મૂળ પુરુષ મોખડાજી ગોહિલમાંથી ઊતરી આવ્યા છે.
ગોહિલો – ગોહિલવાડના : સૌરાષ્ટ્રના દક્ષિણ-પૂર્વ વિશાળ ભૂ-ભાગને ‘ગોહિલવાડ’ એવું નામ આપનાર ગોહિલવાડના ગોહિલોના આદ્યપુરુષ સેજકજી હતા. ખેરગઢ ઉપર રાઠોડોએ કરેલાં આક્રમણથી ગોહિલોમાંથી કુંવર સેજકજી અને તેનું કુટુંબ તથા જે કોઈ બચ્યા તેમણે લૂણી નદીના કિનારાનો એ પ્રદેશ છોડી દઈને આજીવિકા માટે સ્થળાંતર કરી પુરુષાર્થ કરવાનું નક્કી કર્યું. મોહોદાસના અવસાન પછી તેના પૌત્ર સેજકજીની સરદારી નીચે ઈ. સ. 1250માં ગોહિલોએ સૌપ્રથમ કાઠિયાવાડમાં પ્રવેશ કર્યો.
આ સમયે જૂનાગઢની ગાદીએ રાહ મોહોદાસ ઉર્ફે મહીપાલ – 3જો રાજ્ય કરતો હતો. ગોહિલોને એનું સંરક્ષણ મળ્યું. જૂનાગઢના રાજવીએ આ ગોહિલ સરદાર સેજકજીની પોતાના રાજ્યમાં મહત્વના હોદ્દા પર નિયુક્તિ કરી; એટલું જ નહિ, પરંતુ પાંચાળ, શાહપુર અને બીજાં બાર ગામો બક્ષિસ તરીકે જાગીરમાં આપ્યાં. સેજકજીએ પોતાનું સ્થાન અને સ્થિતિ મજબૂત કરવા માટે પોતાની દીકરી વાલમકુંવરબાને જૂનાગઢના રા’ના કુંવર ખેંગાર સાથે પરણાવી. આ લગ્નસંબંધ પછી સેજકજીએ શાહપુર નજીક જ એક નવું ગામ વસાવી, તેનું નામ ‘સેજકપુર’ (સુદામડા નજીક, તા. સાયલા, જિ. સુરેન્દ્રનગર) રાખી ત્યાં ગોહિલ વંશની ગાદી સ્થાપી.
સેજકજીને રાણોજી, શાહજી અને સારંગજી – એ ત્રણ દીકરા હતા, જેમાં પાટવી કુંવર રાણોજી ઈ. સ. 1290માં સેજકજીનું અવસાન થતાં ગાદીએ બેઠો. આ રાણોજી શૂરવીર હતો અને તેણે રાણપુર સહિત આજુબાજુના પ્રદેશો જીતી લઈને ગોહિલવંશની સત્તા વધારી તેમજ રાણપુરને પોતાની રાજધાની બનાવી.
સેજકજીના અન્ય બે પુત્રો શાહજી અને સારંગજીને રાજની સેવાના ફળસ્વરૂપે માંડવીની ચોર્યાસી (તાલુકો ગારિયાધાર, જિ. ભાવનગર) અને અર્થીલાની ચોવીસી જાગીરમાં મળી હતી. માંડવી શેત્રુંજા પર્વત નજીક આવેલું છે, જ્યારે અર્થીલા હાલનું લાઠી જણાય છે.
આમ સેજકજીના ત્રણ પુત્રો પૈકી રાણોજીના વંશનાએ ભાવનગરમાં, શાહજીના વંશનાએ પાલિતાણામાં અને સારંગજીના વંશનાએ લાઠીમાં પોતપોતાનાં અલગ રાજ્યો સ્થાપ્યાં હતાં. સેજકજીના વંશજોમાં વિશેષ ભાગ્યશાળી સૌથી મોટા દીકરા રાણોજીના વંશના છે, જેમાંથી ઇતિહાસપ્રસિદ્ધ ભાવનગર રાજ્યનું ગોહિલ રાજકુળ ઊતરી આવ્યું છે.
ગોહિલ વંશના પ્રતાપી રાજવી ભાવસિંહજી 1લા(ઈ. સ. 1703–1764)એ ઈ. સ. 1723માં પોતાની રાજધાની સિહોરથી ભાવનગર ખાતે ફેરવી એ પૂર્વે ગોહિલ વંશના જુદા જુદા શાસકોએ ઈ. સ. 1250થી 1723 એટલે કે લગભગ 475 વર્ષના ગાળા દરમિયાન અનુક્રમે સેજકજીએ સેજકપુર, રાણોજીએ રાણપુર, ઓખડાજીએ ઘોઘા અને પીરમબેટ, સારંગજીએ ઉમરાળા અને વિસોજીએ સિહોર ખાતે ગોહિલવંશની રાજધાનીઓ સ્થાપી હતી.
ગોહિલો – માંગરોળના : માંગરોળ અને ભાવનગરના ગોહિલ વંશોને અલગ ગણવામાં આવ્યા છે. સેજકજી ગોહિલ મારવાડમાંથી સૌરાષ્ટ્રમાં આવ્યા એ પહેલાં માંગરોળમાં ગોહિલો હતા; પરંતુ તેઓ આ ગોહિલકુળના ન હતા. માંગરોળના ગોહિલો સૂર્યવંશી ગુહાના વંશજ હતા અને સંભવત: વલભીકુળમાંથી ઊતરી આવેલા. આ ગોહિલો રાજસ્થાનમાંથી અણહિલપુર પાટણ આવ્યા અને ત્યાંથી સૌરાષ્ટ્રમાં આવ્યા અને ઈ. સ. 1230 સુધી સૌરાષ્ટ્રમાં રહ્યા.
સોરઠ, હાલના જૂનાગઢ જિલ્લામાં આવેલ માંગરોળની સોઢળી વાવની દીવાલમાં ચોડેલા સોલંકી રાજા કુમારપાળના શાસનકાળમાં સંવત 1202 એટલે કે ઈ. સ. 1146ના શિલાલેખમાં સોલંકીઓના સામંત અને ‘સુરાષ્ટ્રનાયક’ તરીકે ગોહિલવંશના મૂલુકનો ઉલ્લેખ છે. આ ગોહિલો સૌરાષ્ટ્રના ‘રક્ષાક્ષમ’ કહેવાયા છે. એટલે કે, સમગ્ર સૌરાષ્ટ્રના તેઓ સોલંકી વંશના પ્રતિનિધિ હશે.
સોઢળી વાવના આ શિલાલેખમાં મૂલુકના દાદાનું નામ ‘સાહાર’, પિતાનું નામ ‘સહજિગ’ અને ભાઈનું નામ ‘સોમરાજ’ જોવા મળે છે. આ સોમરાજે પિતાના નામે ‘શ્રી સહજિગેશ્વર મહાદેવ’નું મંદિર બંધાવ્યું હતું.
સોલંકી વંશના અંગરક્ષક એવા સહજિગના પુત્રો સૌરાષ્ટ્રભૂમિનું રક્ષણ કરવાની શક્તિ ધરાવતા હતા. સુરાષ્ટ્ર નાયક મૂલુક માંગરોળમાં થાણું નાખી સૌરાષ્ટ્ર પ્રદેશ ઉપર સોલંકીઓ વતી દેખરેખ રાખતો હતો. મૂલુકના પુત્ર ‘રાણક’ના રાજ્યકાલ અંગે કોઈ વિગતો મળતી નથી.
પોપટભાઈ ગો. કોરાટ
શિવપ્રસાદ રાજગોર