ગોસ્વામી, મામોની રાયસમ

February, 2011

ગોસ્વામી, મામોની રાયસમ (જ. 1942, ગૌહત્તી, જિ. કામરૂપ, આસામ) : જાણીતાં આસામી નવલકથાકાર, વાર્તાકાર અને ચરિત્રલેખિકા. તેમનું મૂળ નામ ઇન્દિરા ગોસ્વામી છે. તેમને તેમની નવલકથા ‘મામરે ધારા તરોવાલ’ માટે 1982ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

1964માં તેમણે ગૌહત્તી યુનિવર્સિટીમાંથી અસમિયામાં એમ. એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. પછી 1973માં ‘અ કૉમ્પ્રિહેન્સિવ સ્ટડી ઑવ્ ધ રામાયણસ ઑવ્ માધવ કન્ડલી ઍન્ડ ગોસ્વામી તુલસીદાસ’ પર શોધ-નિબંધ લખીને પીએચ. ડી.ની ડિગ્રી મેળવી. 1970થી તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં અદ્યતન ભારતીય ભાષાઓના વિભાગમાં અસમિયા સાહિત્યનું અધ્યાપન કાર્ય કરે છે.

તેઓ સભ્ય તરીકે નૅશનલ બુક ટ્રસ્ટની અસમિયા સલાહકાર સમિતિ સાથે, કેન્દ્રીય સાહિત્ય અકાદમી સાથે (1983 –87); દિલ્હીના કે. કે. બિરલા ફાઉન્ડેશનની ભાષા સમિતિ સાથે (1990–91) સંલગ્ન રહેલાં.

તેમની પ્રગટ થયેલી કુલ 27 કૃતિઓમાં 10 નવલકથાઓ, 2થી વધુ વાર્તાસંગ્રહો, ચરિત્ર તથા આત્મકથાનો સમાવેશ થાય છે. તેમની નવલકથાઓમાં ‘નીલ કંઠી બ્રાજા’ (1972); ‘અહિરોન’ (1990); ‘ચિનાબ સ્રોત’; ‘ઉને ખોવા હાવડા’ (1988); ‘સંસ્કાર’, ‘ઉદયભાનૂર ચરિત્ર’ (1989) ઇત્યાદિ ઉલ્લેખનીય છે. આ ઉપરાંત ‘આધા લિખા દસ્તાવેજ’ (આત્મકથા); ‘હૃદય એક નાદિર નામ’; ‘ઈશ્વરી જખ્મી યાત્રી ઇત્યાદિ’ (1990); ‘તેજ ઔર ધૂલિર ધૂસારિતા’ (ચરિત્ર) નોંધપાત્ર છે.

તેમની અનેક ટૂંકી વાર્તાઓ અંગ્રેજી સહિત વિવિધ ભારતીય ભાષાઓમાં અનુવાદ પામી છે. તેમણે પ્રેમચંદની ટૂંકી વાર્તાઓનું આસામીમાં ભાષાંતર કર્યું છે. વળી તેમણે ભારતનાં જાણીતાં સંખ્યાબંધ સામયિકોમાં સંશોધન-લેખો પ્રગટ કર્યા છે. તેમની સાહિત્યિક સેવાઓ બદલ તેમને આસામ સાહિત્ય સભા ઍવૉર્ડ (1988); ઉત્તરપ્રદેશ હિંદી સંસ્થાનનું સૌહાર્દ સન્માન (1992); કથા ઍવૉર્ડ (1993) અને એ કમલકુમારી ફાઉન્ડેશન ઍવૉર્ડ (1995) પ્રાપ્ત થયાં છે. વળી તેમને ‘સ્ત્રી-સશક્તીકરણ’ના આ વર્ષ(2001)માં જ્ઞાનપીઠ પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘મામરે ધારા તરોવાલ’ (1980) તેની સામાજિક તણાવો વિશેની ઊંડી સમજ, માણસના માણસ દ્વારા થતા શોષણ પ્રત્યેની નફરત, મહેનતકશ સમુદાય પ્રત્યે સહાનુભૂતિ અને જકડી રાખતી શૈલીને કારણે અસમિયા સાહિત્યમાં શ્રેષ્ઠ કોટીનાં ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા