ગોસ્વામી, અશોકપુરી

February, 2011

ગોસ્વામી, અશોકપુરી (જ. 17 ઑગસ્ટ 1947, આશી, જિ. આણંદ, ગુજરાત) : ગુજરાતના જાણીતા લેખક, ખેડૂત અને સામાજિક કાર્યકર્તા. તેમને તેમની નવલકથા ‘કૂવો’ માટે 1997ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

તેમની 6 કૃતિઓ પ્રગટ થઈ છે. તેમાં ગઝલસંગ્રહ ‘અર્થાત્’ અને ‘મૂળ’ તેમજ ‘નીંભાડો’ જેવી નવલકથાઓનો સમાવેશ થાય છે.

અશોકપુરી ગોસ્વામી

તેમને ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમની કૃતિઓના હિંદી અને મરાઠીમાં અનુવાદ થયા છે.

તેમની પુરસ્કૃત નવલકથા ‘કૂવો’ને ઘનશ્યામદાસ શરાફ ઇનામ અને ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ મળ્યાં છે. તેમાં પ્રાદેશિક સુવાસથી સમૃદ્ધ પરિવેશનું સુંદર ચિત્રાંકન છે. તેમાં તેમનો અસ્તિત્વવાદી સૌંદર્યબોધ અને બોલચાલની ભાષાની ભાવછટાઓનો સહજ અને વેધક વિનિયોગ ધ્યાનાર્હ છે.

બળદેવભાઈ કનીજિયા