ગોસ્વામી, અશોકપુરી

February, 2024

ગોસ્વામી, અશોકપુરી (જ. 17 ઑગસ્ટ 1947, આશી, જિ. આણંદ, ગુજરાત) : ગુજરાતના જાણીતા લેખક, ખેડૂત અને સામાજિક કાર્યકર. ક્રેસ્ટ એસોસિએટ, વલ્લભવિદ્યાનગરના સહમંત્રી, અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, વલ્લભવિદ્યાનગર યુનિટના કાર્યવાહક સમિતિ સદસ્ય, જાણીતા સામયિક ‘વિચારવલોણું’ના સહતંત્રી તરીકે 2017થી કાર્યરત, ભારત અને અમેરિકાના લોકોને જોડતા ‘સેતુ’ સામયિકના પણ તંત્રી છે.

અશોકપુરી ગોસ્વામી

અશોકપુરી ગોસ્વામી પાસેથી ગઝલસંગ્રહ ‘અર્થાત્’ (1990), નવલકથા ‘મૂળ’ (1990), વાર્તાસંગ્રહ ‘વીણેલા મોતી’ (1991), નવલકથા ‘કૂવો’ (1994) આત્મકથાનાત્મક વાર્તા ‘રવરવાટ’ (1994), નવલકથા ‘નીંભાડો’ (1995), નવલકથા ‘વેધ’ (1999), ગઝલસંગ્રહ ‘કલિંગ’ (2006), સ્મૃતિકથા સંગ્રહ ‘જીવતી જણસ’ (2008), રૂપાંતરિત પદ્યનાટક ‘અગ્નિ સર્વત્ર અગ્નિ’ (2009), નવલકથા ‘અમે’ (2015), ગઝલસંગ્રહ ‘તસલ્લી’ (2018), વાર્તાસંગ્રહ ‘વાત આમ છે’ (2021), નવલકથા ‘સાધો’ (2021) અને નવલકથા ‘જૂઠી’ જેવાં પુસ્તકો પ્રાપ્ત થયા છે. તેમની સંખ્યાબંધ ગઝલો અને વાર્તાઓ  અંગ્રેજી અને હિંદીમાં અનૂદિત થઈને ભારતભરના જાણીતા સામયિકોમાં પ્રસિદ્ધ થયેલી છે. હિંદુસ્તાની ગઝલોનો સંગ્રહ ‘વજહ’ 2024માં પ્રકાશિત થયો છે.

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા 1994ની દ્વિતીય શ્રેષ્ઠ નવલકથા તરીકે પુરસ્કૃત થયેલ ‘કૂવો’ કેટલીક યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં સ્થાન પામી છે. આ નવલકથા હિંદી, મરાઠી, કન્નડ, ઉર્દૂ, મૈથિલી અને અંગ્રેજી ભાષામાં અનૂદિત થઈ છે. તેમની ‘કૂવો’ નવલકથાને ભારતીય સાહિત્ય અકાદમીનું પાંચ વર્ષનું ઉત્તમ ગુજરાતી સાહિત્યનું પારિતોષિક 1997માં તથા મુંબઈનું ‘ઘનશ્યામદાસ શર્રાફ’ નામનું બે વર્ષના ઉત્તમ ગુજરાતી સાહિત્યનું પારિતોષિક 1995માં મહારાષ્ટ્રના શિક્ષણમંત્રીના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યું છે. ‘કૂવો’ નવલકથામાં પ્રાદેશિક સુવાસથી સમૃદ્ધ પરિવેશનું સરસ આલેખન છે. તેમાં તેમનો અસ્તિત્વવાદી સૌંદર્યબોધ અને બોલચાલની ભાષાની વિવિધ ભાવછટાઓનો સહજ અને વેધક વિનિયોગ ધ્યાન ખેંચે તેવો છે. તેમને સંસ્કાર ભારતી – ગુજરાત પ્રાંત દ્વારા ‘સંસ્કાર સન્માન – 2024’ અને ‘સંસ્કાર વિભૂષણ’ માનપત્ર અર્પણ કરવામાં આવેલ છે. તેમની ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત ‘નીંભાડો’નો પંડિત યોગેન્દ્ર મિશ્રાએ હિંદીમાં અનુવાદ કર્યો છે. ડાહીલક્ષ્મી લાઇબ્રેરી, નડિયાદ દ્વારા 1996માં તેમની ‘નીંભાડો’ નવલકથાને ગોવર્ધનરામ ત્રિપાઠી ઍવૉર્ડથી સ્વામી શ્રી સચ્ચિદાનંદજીના વરદ હસ્તે નવાજવામાં આવી છે. 2006માં તેમના  ગઝલસંગ્રહ ‘કલિંગ’ને જયંત પાઠક ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તો અન્ય ગઝલસંગ્રહ ‘તસલ્લી’ને પણ ગુજરાત  સાહિત્ય અકાદમીનું 2018નું દ્વિતીય શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ તરીકેનું પારિતોષિક પ્રાપ્ત થયું છે. પૂજ્ય શ્રી મોરારિબાપુ દ્વારા 2015માં મેઘાણી સાહિત્ય ઍવૉર્ડથી સન્માનિત થવાનું સદભાગ્ય પણ અશોકપુરી ગોસ્વામીને પ્રાપ્ત થયું છે. આકાશવાણી અને પ્રસારભારતી, દિલ્હી દ્વારા 26 જાન્યુઆરી, 2018ના રોજ ઇન્દોર મુકામે યોજાયેલ સર્વભાષા કવિ સંમેલનમાં તેમણે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જ્યાં એક જ દિવસે અને એક જ સમયે એક મંચ પરથી 42 કવિઓએ કાવ્યપાઠ કરેલો. જેની વર્લ્ડ બુક રેકૉર્ડ ઑફ લંડન દ્વારા ખાસ નોંધ લેવામાં આવેલી.

તેમને સંસ્કાર ભારતી – ગુજરાત પ્રાંત દ્વારા ‘સંસ્કાર સન્માન – 2024’ અને ‘સંસ્કાર વિભૂષણ’ માનપત્ર અર્પણ કરવામાં આવેલ છે.

અશ્વિન આણદાણી