ગોવિંદ 2જો (લગભગ ઈ. સ. 773–780) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો રાજા, કૃષ્ણ 1લાનો જ્યેષ્ઠ પુત્ર અને ઉત્તરાધિકારી. એ ‘પ્રભૂતવર્ષ’ અને ‘વિક્રમાવલોક’ એવાં અપર-નામ ધરાવતો. એ યુવરાજ હતો ત્યારે એણે વેંગીના રાજા વિષ્ણુવર્ધન ચોથાને હરાવી પરાક્રમ દર્શાવેલું. એ કુશળ અશ્વારોહ હતો. રાજા થયા પછી એણે ગોવર્ધન(જિ. નાસિક)માં વિજય કરેલો; પરંતુ પછી એ ભોગવિલાસમાં મગ્ન રહ્યો. રાજવહીવટ પોતાના નાના ભાઈ ધ્રુવને સોંપી દેવાયો. ધ્રુવે આ તકનો લાભ લઈ સત્તા હસ્તગત કરવા માંડી; ગોવિંદે એની સત્તા પડાવી લીધી. સામંતોએ બળવો કર્યો ને રાજ્યની સલામતીના બહાને ધ્રુવે ગોવિંદ સામે યુદ્ધ કરી એને પરાજિત કર્યો ને કાંચી, વેંગી વગેરેના રાજાઓ એની મદદે આવે એ પહેલાં પોતે રાજગાદી હસ્તગત કરી.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી