ગોવિંદ દેવનું મંદિર : સોળમી સદી દરમિયાન વૃંદાવનમાં બંધાયેલું મંદિર. તેમાં ભારતીય મંદિરોના શાસ્ત્રીય બાંધકામની કળા કરતાં એક જુદી જ શૈલીનો ઉપયોગ થયેલો જણાય છે. ખાસ કરીને મુઘલ શાસન દરમિયાન વિકસેલ મુઘલ સ્થાપત્ય પ્રત્યેનો ઉત્સાહ અને ભારતીય રૂઢિગત કળા પ્રત્યે ઉત્તર ભારતમાં ખાસ કરીને રાજપૂત રાજવીઓએ થોડી શિથિલતા દર્શાવેલી તેનું કારણ તેમનો અકબર પ્રત્યેનો આદર કારણભૂત હોવાનો સંભવ છે. ગોવિંદ દેવનું મંદિર 1590માં રાજા માનસિંહે બંધાવ્યું – કદાચ અપૂર્ણ રહ્યું હોય – પણ ઐતિહાસિક

ગોવિંદ દેવનું મંદિર
પુરાવા પ્રમાણે ઔરંગઝેબ દ્વારા તેનું શિખર નષ્ટ કરાયેલ. આનું સ્થાપત્ય પ્રણાલીગત મંદિરોના સ્થાપત્યથી ઘણું જ અલગ છે. લગભગ 105 ફૂટ પહોળું અને 175 (આશરે) ફૂટ (હયાત 117 ફૂટ) લાંબું આ મંદિર ભવ્ય જરૂર છે અને તેની રચનામાં ઘૂમટની જગ્યાએ ઘૂમટાકાર-(cross vaults)નો ઉપયોગ થયો છે. ઉપરાંત કમાન, ઝરૂખા અને સ્વસ્તિકાકાર આલેખન (cruci form plan) અત્યંત ઉલ્લેખનીય છે. આને લીધે તેનું સમગ્ર બાહ્ય દર્શન પણ રૂઢિગત મંદિરોથી તદ્દન અલગ છે.
રવીન્દ્ર વસાવડા