ગોવિંદન્ (જ. 1919, ગંતુર, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેમણે ગંતુર નગરમાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચશિક્ષણ લીધેલું. બી.એ.ની પરીક્ષામાં પાસ થતાં જ તેમણે સરકારના શિક્ષણ ખાતામાં નોકરી લીધેલી અને એમાં આગળ વધતાં ઊંચી પાયરીએ પહોંચેલા. પણ નોકરી એમના સાહિત્યિક સર્જનમાં બાધારૂપ લાગતાં એમણે તે છોડીને પોતાનો બધો સમય લેખનપ્રવૃત્તિ માટે ફાળવ્યો. એમણે ‘સમીક્ષા’ નામનું એક માસિક ચલાવ્યું, જેમાં એ નિયમિત રીતે અનેક વિષયો વિશે લખતા.

એમણે વાર્તાઓ, નાટક, કાવ્ય, સાહિત્યવિવેચન, ઇત્યાદિ અનેક સાહિત્યપ્રકારોમાં સર્જન કર્યું છે. એ તેલુગુ નવવાર્તાના સર્જક મનાય છે. એમના વાર્તાસંગ્રહ ‘રાણિયુટે પટ્ટી’માં મોટા ભાગે મનોવૈજ્ઞાનિક વાર્તાઓ છે. એમાં એમણે લોકબોલીનો પણ સારો પ્રયોગ કર્યો છે. એમનું નાટક ‘કોલ્લરતુ’ એમની રંગમંચ વિશેની ઊંડી સમજનો ખ્યાલ આપે છે. એમનો કાવ્યસંગ્રહ ‘મેનકા’ પણ કાવ્યવિષય તથા નિરૂપણની એમની પ્રયોગશીલતાનો પરિચય કરાવે છે.

પાંડુરંગ રાવ