ગોવિંદ ગુપ્ત (પાંચમી સદી) : ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનો ધ્રુવસ્વામિનીદેવીથી ઉત્પન્ન થયેલો પુત્ર. એ ગુપ્ત સમ્રાટ હોવાનું મનાય છે. પિતાના સમયમાં એ યુવરાજપદે હતો અને ત્યારબાદ ઈ. સ. 412થી 415 દરમિયાન એનું અલ્પકાલીન શાસન પણ પ્રવર્ત્યું હતું. ‘વસુબંધુચરિત’માં એનો ‘કુમાર બાલાદિત્ય’ તરીકે નિર્દેશ થયો છે. એમાં નોંધાયા પ્રમાણે આ સમ્રાટે વસુબંધુને અયોધ્યા બોલાવી એમનું વિશિષ્ટ સમ્માન કર્યું હતું. એના નાના ભાઈ કુમારગુપ્ત મહેન્દ્રાદિત્યે એને સત્તા પરથી પદભ્રષ્ટ કરી એનો ઘાત કરીને ઈ. સ. 415ના અરસામાં રાજસત્તા હાંસલ કરી હોવાનું મનાય છે.

પ્રવીણચંદ્ર પરીખ