ગોવિંદસિંઘ, ગુરુ (જ. 22 ડિસેમ્બર 1666, પટના, બિહાર; અ. 7 ઑક્ટોબર 1708, નાંદેડ, મહારાષ્ટ્ર) : શીખોના દસમા ગુરુ. તેમનું બચપણનું નામ ગોવિંદરાય હતું. તેમના પિતા તેગબહાદુર શીખોના નવમા ગુરુ હતા. તેમનાં માતાનું નામ ગુજરીજી હતું. 1675માં તેઓ આનંદપુર, જિ. હોશિયારપુર, પંજાબ મુકામે ગુરુ નાનકના સિંહાસન પર દસમા ગુરુ તરીકે બિરાજમાન થયા. નાનપણથી જ તેઓ શસ્ત્ર અને શાસ્ત્ર એ બંને વિદ્યાઓના પ્રેમી હતા. નાની વયે જ તેમણે સંસ્કૃત, ફારસી અને વ્રજ ભાષાઓમાં પારંગતતા મેળવી હતી. તેથી તેઓ સાહિત્યસમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા.
તેમની રચનાઓમાં ‘વિચિત્ર નાટક’, ‘શ્રી શસ્ત્ર નામમાળા’, ‘જ્ઞાનપ્રબોધ’ તથા ફારસી ભાષામાં ઔરંગઝેબ પર નિર્ભયતાપૂર્વક લખેલા વિજયપત્રો ‘ફતહિનામા’ અને ‘ઝફરનામા’ મુખ્ય છે. તેમના સમયમાં મુઘલો હિંદુ પ્રજા પર જુલમ ગુજારતા હતા અને ધર્મપરિવર્તન માટે ફરજ પાડતા હતા. આથી દેશનાં ધર્મ, ગૌરવ અને સંસ્કૃતિને બચાવવા માટે ગુરુજીએ મુઘલ સત્તાને તોડવાનો સંકલ્પ કર્યો. 30મી માર્ચ, 1699ના રોજ કેશગઢ (આનંદપુર) મુકામે સંત તથા સિપાહી જેવા સાધારણ લોકોનો સમાજ રચી તેને તેમણે ‘ખાલસા’ નામ આપ્યું. આ ‘ખાલસા’ના પુરુષો ‘સિંઘ’ કહેવાયા અને સ્ત્રીઓ ‘કૌર’ તરીકે ઓળખાવા લાગી. આ પ્રસંગે જે પાંચ ભાઈઓને અમૃતદાન આપવામાં આવ્યું તે ‘પાંચ પ્યારા’ કહેવાયા અને તેમની પાસેથી પોતે અમૃત લઈ ગોવિંદરાયમાંથી ગોવિંદસિંઘ બન્યા. ખાલસાના સભ્યોને કેશ, કંઘા (કાંસકો), કડા, કચ્છ અને કિરપાણ – એમ પાંચ ‘ક’કાર ધારણ કરવા જણાવ્યું. શસ્ત્રવિદ્યા લોકપ્રિય બનાવવા તેમણે હોલીના તહેવારની જગ્યાએ તેમણે ‘હોલા’ મનાવવાનો પ્રારંભ કર્યો.
મુઘલ બાદશાહ અને તેમના મળતિયા પહાડી રાજાઓ સામે તેમને દશ ધર્મયુદ્ધ લડવાં પડ્યાં, તેમાં ગુરુજીના ચારમાંથી બે મોટા પુત્રો શહીદ થયા, જ્યારે બીજા બે નાના પુત્રોને સરકંદ જિ. પતિયાળાના નવાબે જીવતા દીવાલમાં ચણી લીધા. તેમણે કેટલાક કિલ્લા કાયમ કરવા ઊપરતિ ગુરુ કા લાહૌર, પાઉંટા સાહિબ, રણજિત નગારા જેવાં કેટલાંક સ્મારકરૂપ સ્થળો પણ વસાવ્યાં. કારતક સુદ 5 ને સંવત 1765ના રોજ ગુરુ ગ્રંથસાહિબને ગુરુપદે સ્થાપીને ગોદાવરી નદીને કાંઠે તેઓ કાળધર્મ પામ્યા.
દર્શનસિંઘ બસન