ગોવિંદરાજ પ્રભૂતવર્ષ (નવમી સદી) : લાટમંડલની રાષ્ટ્રકૂટ શાખાનો શાસક. લાટેશ્વર ઇન્દ્રરાજ અને એના પુત્ર કર્કરાજ સુવર્ણવર્ષ ઈ. સ. 800થી 830ના અરસામાં તળ-ગુજરાત પર રાજ્ય કરતા હતા. કર્કરાજનાં દાનપત્ર શક વર્ષ 734થી 746નાં મળ્યાં છે ને એના નાના ભાઈ ગોવિંદરાજ પ્રભૂતવર્ષનાં દાનપત્ર શક વર્ષ 732, 735 (740) અને 749નાં પ્રાપ્ત થયાં છે. આ બે ભાઈઓના શાસનના પ્રદેશ તથા સમય વચ્ચે ભેદ રહેલો ન હોઈ કર્કરાજની ગેરહાજરીમાં ગોવિંદરાજ રાજબિરુદ ધારણ કરવાનો તથા દાનશાસન ફરમાવવાનો અધિકાર ધરાવતો હોય તેવું લાગે છે. ગોવિંદરાજનાં દાનશાસનોમાં જણાવેલી દેવભૂમિ દક્ષિણ ગુજરાત ઉપરાંત પૂર્વ સૌરાષ્ટ્રમાં પણ આવેલી હતી. એ પોતાના અગ્રજ કર્કરાજ પ્રત્યે આદર ધરાવતો હતો. એણે ઈ. સ. 810થી 827 દરમિયાન ભૂમિદાન દીધાં હતાં.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી