ગોવિંદ ભટ્ટ (ઈ. સ.ની ચૌદમી સદી) : વેદભાષ્યકાર. ગોવિંદ ભટ્ટે ઋગ્વેદના આઠમા અષ્ટક પર ‘શ્રુતિવિકાસ’ નામના ભાષ્યની રચના કરી છે. હજુ સુધી આ ભાષ્ય અમુદ્રિત છે એની નોંધ ‘વૈદિક વાઙમય કા ઇતિહાસ’માં પંડિત ભગવદદત્તે આપી છે. આની હસ્તપ્રત વારાણસીના સરસ્વતીભવનમાં છે. તેની પુષ્પિકા પરથી સ્પષ્ટ થાય છે કે આ ભાષ્યની રચના વિ. સં. 1367માં માર્ગશીર્ષ માસમાં શુક્લપક્ષની એકાદશી ને ગુરુવારે પૂર્ણ કરવામાં આવી હતી. વેદના એક અન્ય ભાષ્યકાર વેંકટમાધવની અને ગોવિંદ ભટ્ટની શૈલી એકસરખી છે અને વેંકટમાધવે પોતાના ભાષ્યમાં પોતાના એક પુત્રનું નામ ગોવિંદ બતાવ્યું છે. આથી તે ગોવિંદ અને આ ગોવિંદ ભટ્ટ એક હશે કે કેમ એવો પ્રશ્ન ઉદભવે છે. એક અનુમાન એવું પણ થયું છે કે આ ભટ્ટ ગોવિંદે સમગ્ર ઋગ્વેદ પર ભાષ્ય લખ્યું હોવું જોઈએ. અત્યારે આ બધી મૂલ્યવાન સામગ્રી અપ્રાપ્ય છે.

ગૌતમ પટેલ