ગોવિંદન્ નાયર, એમ. એન. (જ. 10 ડિસેમ્બર 1910, પંડાલમ્, કેરળ; અ. 27 નવેમ્બર 1984, મુલમપુઝા, કેરળ) : ભારતીય સામ્યવાદી પક્ષના અગ્રણી અને કેરળના રાજદ્વારી નેતા. મધ્યમવર્ગના કુટુંબમાં જન્મ. પિતા ત્રાવણકોર દેશી રિયાસતમાં ન્યાયતંત્રની વહીવટી પાંખમાં નોકરી કરતા હતા. મૅટ્રિકની પરીક્ષા 1926માં તથા બી.એ.ની પરીક્ષા 1934માં પસાર કરી. 1929–32 દરમિયાન શિક્ષકની નોકરી કરી.

એમ. એન. ગોવિંદન્ નાયર
સમાજકલ્યાણની પ્રવૃત્તિઓમાં રસ હોવાથી હરિજન-ઉદ્ધાર, અસ્પૃશ્યતાનિવારણ તથા જ્ઞાતિપ્રથાવિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા. પ્રારંભમાં ગાંધીજીની વિચારસરણીથી પ્રભાવિત થયા હતા. પોતાના વતનમાં હરિજનો માટે શાળા શરૂ કરી, વર્ધા ખાતેના ગાંધી આશ્રમમાં સમાજકાર્ય અને રાષ્ટ્રસેવાની તાલીમ લીધી. 1933–36 દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ તથા હરિજનસેવક સંઘના સક્રિય કાર્યકર રહ્યા. 1938માં ત્રાવણકોર રાજ્ય કૉંગ્રેસમાં જોડાયા; પરંતુ 1940માં સામ્યવાદી પક્ષની મજૂર ચળવળમાં સક્રિય બન્યા અને કારાવાસ ભોગવ્યો. બીમાર પડતાં નાગરકોઇલની ક્ષયરોગ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યાંથી તે નાસી છૂટ્યા. 1952માં ત્રાવણકોર-કોચીન વિધાનસભામાં ચૂંટાયા. 1956માં રાજ્યસભાના સભ્ય બન્યા. 1967ની કેરળ વિધાનસભાની ચૂંટણીમાં વિજયી બન્યા. કેરળ સરકારમાં ખેતીવાડી અને ઊર્જા ખાતાના મંત્રી નિમાયા (1967–69). 1970માં ફરી વિધાનસભામાં ચૂંટાયા.
1937–38 દરમિયાન મલયાળમ સાપ્તાહિક ‘રાજ્યાભિમાની’ના તંત્રી રહ્યા. ઉપરાંત સામયિક ‘યુવાકેરળમ્’ના પ્રબંધક, ‘જનયુગમ્’ સાપ્તાહિક અને દૈનિક પત્રના સંસ્થાપકોમાંના એક તથા ‘જનયુગમ્’ પ્રકાશન સંસ્થાના મૅનેજિંગ ડિરેક્ટર બન્યા.
મજૂરોને લગતા વિવાદોમાં તેમણે હંમેશાં પરસ્પર વાટાઘાટો તથા સમાધાનની તરફેણ કરી હતી.
જાણીતા રાજદ્વારી સરદાર કે. એમ. પણિક્કરની પુત્રી દેવકી સાથે 1952માં તેમનાં લગ્ન થયાં હતાં.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે