ગોવા : ભારતના પશ્ચિમ કિનારે અરબી સમુદ્ર ઉપર આવેલ સહેલાણીઓના સ્વર્ગરૂપ ટાપુ અને રાજ્ય. તે 14° 53´ અને 15° 48´ ઉ. અ. તથા 73° 45´ અને 74° 24´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 105 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 60 કિમી. છે. તે મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યોની સરહદો પર આવેલું છે. તેનું ક્ષેત્રફળ 3,702 ચોકિમી. છે. તેના ઉત્તર અને દક્ષિણ એવા બે જિલ્લા છે.

આ પ્રદેશમાં ગોધનની વિપુલતા હોવાથી તે ગોવા કહેવાયું હશે. બીજા મંતવ્ય પ્રમાણે પરશુરામે સમુદ્રમાં બાણ મારતાં જે જમીન (ગો) બહાર આવી તે પ્રદેશ ગોમાન્તક કહેવાયો. મહાભારતના ભીષ્મપર્વના નવમા અધ્યાયમાં તેના ‘ગોપપત્તન’ કે ‘ગોપકપત્તનં’ તરીકે, સૂતસંહિતામાં ‘ગોવાપુરી’, ટૉલેમીની ભૂગોળમાં ‘ગૌબા’ તરીકે તથા કદંબ વંશના શિલાલેખોમાં ‘ગોવાપુરં’ અને ‘ગોપકપટ્ટણ’ કે ‘ગોપકપુરી’ તરીકે ઉલ્લેખો મળે છે.

ગોવાની ઉત્તરે તેરખોલ નદી છે. તે મહારાષ્ટ્રને ગોવાથી જુદું પાડે છે. તેની દક્ષિણે અને અગ્નિખૂણે કર્ણાટક રાજ્યનો ઉત્તર કન્નડ જિલ્લો, પૂર્વ તરફ સહ્યાદ્રિ અને પશ્ચિમે અરબી સમુદ્ર છે.

કિનારાનું મેદાન અને પૂર્વનો પહાડી પ્રદેશ એવા તેના બે કુદરતી પ્રદેશો છે. સમુદ્રકિનારા નજીકની 4,000 હેક્ટર જમીન કળણવાળી છે. સહ્યાદ્રિનાં સોંસોગડ, ક્ષત્રિયની માઉલી, વાઘેરી અને મોરલેગડ શિખરો અનુક્રમે 1166, 1126, 1055 અને 1054 મી. ઊંચાં છે.

સહ્યાદ્રિમાંથી નીકળીને અરબી સમુદ્રને મળતી ઘણી નાની નદીઓ છે. તેમનાં વહેણ ઝડપી છે. આ નદીઓ પૈકી તેરખોલ, ચાપોરા, બાગ, માંડોવી, જુવારી, સાળ, તળપણ વગેરે મુખ્ય છે. માંડોવી તથા ઝુઆરીની લંબાઈ 62 કિમી. છે. આ નદીઓ વહાણવટા માટે ઉપયોગી છે. નદીઓના જળમાર્ગોની કુલ લંબાઈ 253 કિમી. છે.

ગોવાની આબોહવા ગરમ અને ભેજવાળી છે. સમુદ્ર નજીક હોવાથી તેનું તાપમાન 22° સે.થી 29°સે. રહે છે. પશ્ચિમ ભાગના 100 મી.થી વધારે ઊંચાઈ ધરાવતા પ્રદેશમાં 280થી 360 સેમી. અને પૂર્વના ડુંગરાળ પ્રદેશમાં 500–750 સેમી. વરસાદ પડે છે. નૈર્ઋત્યના મોસમી પવનોથી જૂનથી સપ્ટેમ્બર સુધી વરસાદ થાય છે.

ગોવા

પર્વતીય પ્રદેશમાં સદા લીલાં જંગલો છે. મુખ્યત્વે ચંદન, દેવદાર, ખેર, સાગ, સીસમ, વાંસ વગેરે વૃક્ષો જોવા મળે છે. કિનારાના પ્રદેશોમાં નારિયેળી, સોપારી, આંબા, ફણસ, પપનસ, અનનાસ, કાજુ, કોકમ વગેરેનાં વૃક્ષો જોવા મળે છે. 1,256 ચોકિમી.માં અને કુલ વિસ્તારના 29% જેટલા પ્રમાણમાં જંગલો છે.

જંગલોમાં વાઘ, દીપડો, જંગલી ડુક્કર, શિયાળ, હરણ, ચીતળ, વાંદરાં, સસલાં, નોળિયો, સાપ વગેરે હોય છે. અહીં ઘણાં રંગબેરંગી પક્ષીઓ છે.

ગોવામાં લોખંડની કાચી ધાતુની સમૃદ્ધ ખાણો છે. તેની મુખ્યત્વે જાપાનમાં 125 લાખ ટન જેટલી નિકાસ થાય છે. આ સિવાય મૅંગેનીઝ, બૉક્સાઇટ, ચૂનાના પથ્થરો, સિલિકા રેતી વગેરે ખનિજો નીકળે છે. ફૅરો-મૅંગેનીઝ મિશ્ર ધાતુની નિકાસ થાય છે. ખાણ-ઉદ્યોગ ઘણા લોકોને રોજી આપે છે. નદીના જલમાર્ગે લોખંડ માર્માગોવા લઈ જવાય છે.

લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. અનાજ , રાગી , કઠોળ  અને શેરડી વવાય છે. શેરડીનું 8,000 ટન ઉત્પાદન છે. ડાંગરની ખેતી વર્ષમાં બે વાર લેવાય છે. જ્યારે નારિયેળની ખેતી બારે માસ થાય છે. ગોવાના દરિયાકિનારે વિવિધ પ્રકારની માછલી પકડવામાં આવે છે.

તિલારી, સેલાવલી અને અંજુને સિંચાઈ યોજના દ્વારા 29,584 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. બધાં ગામોને વીજળીનો લાભ મળ્યો છે. પશ્ચિમઘાટની નદીઓ જળવિદ્યુત માટે ઉપયોગી છે.

ગોવા રાજ્યમાં મોટાં, મધ્યમ કક્ષાનાં અને લઘુઉદ્યોગોનાં કારખાનાં છે. ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગ માટે સ્વતંત્ર વસાહત છે. આ કારખાનામાં ફૅરો-મૅંગેનીઝ, લાદી, સાબુ, ટાઇપરાઇટરની રિબન, કાર્બન-પેપર, મોટરની બૅટરીઓ, ચશ્માંની ફ્રેમ, રસાયણો, સ્ટેનલેસ સ્ટીલનાં વાસણો, ચામડાંનાં પગરખાં, પૉલિથીન કોથળીઓ, ફર્નિચર વગેરે બને છે. ભારત સરકારના જહાજવાડામાં જહાજો બંધાય છે, જ્યારે મચ્છીમારી માટેની હોડીઓ ખાનગી ક્ષેત્રે બંધાય છે.

રાજ્યમાં 224 કિમી.ના રાષ્ટ્રીય ધોરી માર્ગ, 232 કિમી. લાંબા રાજ્ય ધોરી માર્ગ અને 815 કિમી. અન્ય જિલ્લા માર્ગો છે. પુણે – બૅંગાલુરુ બ્રોડ ગૅજ રેલવે દ્વારા ગોવા ભારતના અન્ય પ્રદેશો સાથે જોડાયું છે. મુંબઈથી મૅંગલોર સુધીની કોંકણ રેલવે દ્વારા પણ તે અન્ય પ્રદેશો સાથે જોડાયેલું છે. માર્માગોવા અને પણજી અનુક્રમે મોટું અને મધ્યમ કક્ષાનું બંદર છે. ફૅરો-મૅંગેનીઝ, લોખંડની કાચી ધાતુ, કાજુ, મચ્છી વગેરેની નિકાસ થાય છે; જ્યારે અનાજ, ખાતર, પેટ્રોલિયમ પેદાશો આયાત થાય છે. દાબોલીમ્ હવાઈ મથક દ્વારા તે મુંબઈ, હૈદરાબાદ, બૅંગાલુરુ વગેરે સાથે જોડાયું છે.

ગોવાની કુલ વસ્તી 2022 મુજબ આશરે 15,21,992 છે. દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 960 છે. 82.01% લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે. પુરુષો અને સ્ત્રીઓમાં તેનું પ્રમાણ અનુક્રમે 88.42% અને 75.37% છે.  કુલ વસ્તીના 66 % હિંદુઓ, 29.2% ખ્રિસ્તીઓ અને 4.5% મુસ્લિમો છે. અનુસૂચિત જાતિનું પ્રમાણ 1.8% છે. 65% લોકો કોંકણી અને 19.7% મરાઠી ભાષા બોલે છે. ગોવાના મુખ્ય શહેરોમાં વાસ્કો, બિચોવીમ, ચીમ્બેલ, માર્ગો, પણજી વગેરે છે. જ્યારે મુખ્ય બંદરો માર્મગોવા, દોનાપાવલા, પમજી વગેરે છે. દાબોલીમ્ અહીંનું આંતરરાષ્ટ્રીય હવાઈમથક છે.

શ્રી મંગેશ મંદિર, ગોવા

ગોવાના દરિયાકિનારે કોલ્વા, કલનગુટ, વાગાતો, હરવળે, અંજુને અને મીરામાર જેવાં સહેલાણીઓ માટેનાં પ્રવાસધામો આવેલાં છે. ગોવાને દરિયાકિનારે દશથી બાર નાના મોટા રેતપટ (beach) આવેલા છે. પણજીથી 18 કિમી. અંતરે આવેલો અંજુને રેતપટ મૂનલાઇટ પાર્ટી તેમજ ત્યાં દર બુધવારે ભરાતા બજાર માટે જાણીતો છે. પણજીથી 7 કિમી. અંતરે, માંડોવી અને ઝુઆરી નદીઓના સંગમસ્થાને આવેલો ડોના પાઉલા રેતપટ સૂર્યસ્નાન, માછીમારી અને દરિયાઈ રમતો માટે જાણીતો છે; અહીંથી માર્માગોવા બંદરનું સુંદર ર્દશ્ય માણી શકાય છે. સોનેરી રેત, તાડ અને નાળિયેરીનાં ઊંચાં વૃક્ષો તેમજ ધીરગંભીર સમુદ્રજળના આકર્ષણવાળો, કાલાંગુટ રેતપટ ભવ્યાતિભવ્ય હોઈ તેને ‘રેતપટની રાણી’(Queen of the beaches)નું ઉપનામ મળેલું છે. બેનોલીમ, કોલ્વા અને બોગ્મોલો રેતપટો તેના સમુદ્રસ્નાન માટે સલામત ગણાય છે. જળક્રીડાની સુવિધા ધરાવતો કોન્ડોલીમ રેતપટ સંધ્યાસમયના સૂર્યાસ્ત દર્શન માટે તથા કેવલોસીમ રેતપટ સુંદર, સ્વચ્છ અને શાંત સમુદ્રતટ માટે જાણીતા બનેલા છે. પણજીથી માત્ર 3 કિમી. અંતરે આવેલો મીરામાર રેતપટ તેની નયનરમ્ય વનરાજી અને સોનેરી રેત માટે જાણીતો છે. નાળિયેરીનાં અસંખ્ય વૃક્ષો ધરાવતો અર્ધચંદ્રાકારવાળો પોલોલમ રેતપટ પ્રવાસીઓને ખૂબ જ પ્રિય છે. ગોવાના સમુદ્રકાંઠે આવેલા આ રેતપટોના સૌંદર્યને કારણે ગોવાને ‘લૅન્ડ ઑવ્ બીચીઝ’, ‘ટુરિસ્ટ પૅરેડાઇઝ’ અને ‘પર્લ ઑવ્ ધ ઓરિયેન્ટ’ જેવાં નામોથી નવાજેલું છે. ગોવાને તેનાં ભવ્ય શિલ્પસ્થાપત્યોને કારણે વર્લ્ડ હેરિટેજ આર્કિટેક્ચરની યાદીમાં સ્થાન મળ્યું છે.

ગોવામાં સુંદર સાગરકિનારા ઉપરાંત વન્યસૃષ્ટિનું વૈવિધ્ય પણ જાણવા-માણવા જેવું છે. અહીં બોન્ડલા, કોટીગાંવ, ચોરાવ, માડી, નેત્રાવલી અને ભગવાન મહાવીર (માલેમ) જેવાં છ અભયારણ્યો છે. પ્રત્યેક વર્ષે ફેબ્રુઆરીમાં ‘ગોવા મહોત્સવ’ પણ યોજાય છે. ત્રણ દિવસના આ કલા અને સાંસ્કૃતિક ઉજવણીના મહોત્સવને માણવા દેશપરદેશથી પ્રવાસીઓ ઊમટી પડે છે. ગોવાનું પાટનગર પણજી છે.

શ્રી શાન્તાદુર્ગામાતાનું મંદિર, ગોવા

ગોવામાં ખ્રિસ્તી દેવળો તથા મંગેશ, શાંતાદુર્ગામાતા વગેરેનાં મંદિરો જોવાલાયક છે. ગોવામાં દર વરસે દસ લાખ પ્રવાસીઓ આવે છે. તે પૈકી 1.25 લાખ પરદેશી પ્રવાસીઓ હોય છે. સંત ફ્રાન્સિસ ઝેવિયરના અવશેષો સાચવતું દેવળ રોમન કૅથલિકોને આકર્ષે છે. હરવળે અને દૂધસાગર ધોધ, અગ્વાદા વગેરે કિલ્લા, બોંડલા, કોટગાંવ અને મોલેનાં અભયારણ્યો સહેલાણીઓને આકર્ષે છે. ચોરાવનું સલીમઅલી અભયારણ્ય પક્ષીઓ માટેનું છે. અભયારણ્યોનું ક્ષેત્રફળ 354 ચોકિમી. છે.

ગોવા ઈ. પૂ. ત્રીજી અને બીજી શતાબ્દી દરમિયાન મૌર્યશાસન નીચે હતું. ત્યાર બાદ તે આંધ્રપ્રદેશના સાતવાહન વંશના શાસન તળે હતું અને ઈ. સ. 150 આસપાસ અહીં ક્ષત્રપ વંશનું શાસન હતું. અર્બેલીની ગુફામાંથી મળેલા લેખ પ્રમાણે અહીં એક મોટું શહેર હતું, જેનું વેપારી કેન્દ્ર તરીકે ઘણું મહત્વ હતું. પોન્ડા મહાલના અંત્રુજામાંથી મળેલ બે તામ્રપત્રો પ્રમાણે ચંદ્રપુરમાં ચોથા શતક દરમિયાન દેવરાજનું શાસન હતું. તે કયા વંશનો હતો તે નક્કી નથી. પાંચમી સદીથી અહીં કદંબ વંશનું રાજ્ય શરૂ થયું. તે બદામીના ચાલુક્યોના માંડલિક હતા. ચાલુક્ય વંશના શાસન પછી રાષ્ટ્રકૂટોએ 753થી 973 સુધી રાજ્ય કર્યું. ફરી 1008થી 1300 સુધી કદંબ વંશનું રાજ્ય હતું. બારમી સદી દરમિયાન કદંબ રાજ્યને હોયસલ વંશના રાજ્ય સાથે ઘર્ષણ થયું હતું. આ સમયે તે દરિયાઈ વેપારનું મહત્વનું કેન્દ્ર હતું. ચૌદમી સદી દરમિયાન અલ્લાઉદ્દીન ખલજીના સેનાપતિ મલેક કાફૂરે દેવગિરિના યાદવ રાજ્ય ઉપર ચડાઈ કરી ગોવાનાં પ્રાચીન મંદિરોનો નાશ કર્યો હતો. 1325માં મહંમદ તઘલખે ગોવા લૂંટ્યું હતું. હોનાવરના નવાબ જમાલુદ્દીને થોડો વખત ગોવાનું શાસન કર્યું હતું (1356–1378). નવાબ પાસેથી વિજયનગર રાજ્યે ગોવા જીતી લીધું હતું. તેમનું શાસન 1378–1570 સુધી ટકી રહ્યું હતું. ત્યારબાદ દક્ષિણના બહમની સુલતાનના મુખ્ય પ્રધાન મહમૂદ ગવાને ગોવા વિજયનગર રાજ્ય પાસેથી જીતી લીધું હતું. બહમની રાજ્યના ભાગલા પડતાં ગોવા બિજાપુરના આદિલશાહના કબજા નીચે આવ્યું. 1510માં પોર્ટુગીઝ ગવર્નર આલ્ફાન્ઝો આલ્બુકર્કે વિજયનગરની મદદથી ગોવા જીતી લીધું હતું અને ત્યારથી 18–12–1961 સુધી તે પોર્ટુગીઝ શાસન નીચે હતું. વેલ્હા ગોવા એ જૂનું ગોવા છે, જે પોર્ટુગીઝ ગોવાની રાજધાની હતું. ભારતે તેની ઉપર ચડાઈ કરી, 19–12–1961ના રોજ તે જીતી લીધું હતું. 1966માં મહારાષ્ટ્રમાં જોડાવું કે સ્વતંત્ર રહેવું તે મુદ્દા ઉપર જનમત લેવાતાં, મહારાષ્ટ્ર સાથેનું જોડાણ ન સ્વીકારતાં તેનું અલગ અસ્તિત્વ ટકી રહ્યું હતું.

અગ્વાદા કિલ્લો, ગોવા

1961માં ભારતે ગોવા પર આક્રમણ કરી તે જીતી લીધું. ત્યારપછી તેને ભારતીય સંઘમાં જોડી દેશનું એક અંગ બનાવ્યું. 1961–87 સુધી 25 વર્ષ ગોવા કેન્દ્રશાસિત પ્રદેશ રહ્યો હતો; પરંતુ 30 મે 1987થી કેન્દ્ર સરકારના કાયદા દ્વારા તેને ભારતીય સંઘમાંના સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો ત્યારે તે ભારતનું 25મું રાજ્ય બન્યું હતું. વિસ્તારની ર્દષ્ટિએ તે ભારતનું નાનામાં નાનું રાજ્ય છે. પણજી આ રાજ્યનું પાટનગર છે. દીવ અને દમણ તેનાથી અલગ થયાં.

તેની વિધાનસભા એકગૃહી છે જે 40 બેઠકો ધરાવે છે. ભારતીય સંસદની લોકસભા ગૃહ માટે તે 2 પ્રતિનિધિઓ ચૂંટે છે અને રાજ્યસભા ગૃહ માટે એક પ્રતિનિધિને તેની વિધાનસભા ચૂંટે છે. મુંબઈ ખાતેની વડી અદાલતની એક ખંડપીઠ પણજી ખાતે કામ કરે છે. આ ખંડપીઠના કાર્યક્ષેત્ર હેઠળ સમગ્ર ગોવાના અદાલતી કાર્યક્ષેત્રને આવરી લેવામાં આવ્યું છે; જ્યારે દક્ષિણ ગોવામાં જિલ્લા અદાલત છે. ગોવાના રાજ્યપાલ ભારત સરકાર દ્વારા નિમાય છે અને સમયાનુસાર યોજાતી ચૂંટણી મુજબ રાજ્યના મુખ્યમંત્રી વરણી પામે છે. જૂન, 2007થી દિગંબર કામત ગોવાના મુખ્યમંત્રી છે.

ભારતીય જનતા પક્ષ, કૉંગ્રેસ, યુનાઇટેડ ગોમાંતકવાદી ડેમોક્રૅટિક પક્ષ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ, મહારાષ્ટ્રવાદી ગોમાંતક પક્ષ–આ પક્ષો રાજકીય રીતે ગોવામાં સક્રિય છે.

શિવપ્રસાદ રાજગોર

રક્ષા મ. વ્યાસ