ગોવાનું સ્થાપત્ય : પોર્ટુગીઝ શાસકોની ભારતમાંની ત્રણ વસાહતોમાંથી મુખ્ય વસાહતનું સ્થાપત્ય. સોળમી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝ લોકોએ મલબાર કાંઠા પર વર્ચસ મેળવ્યા બાદ અસ્તિત્વમાં આવેલું ગોવા ભારતમાં પોર્ટુગીઝ સંસ્કૃતિનું કેન્દ્ર બન્યું અને તે દ્વારા આ સંસ્કૃતિ ભારતમાં પોર્ટુગીઝ અને કોંકણ-મરાઠીની મિશ્રિત અસર દ્વારા પ્રચલિત થઈ. સ્થાપત્યની ર્દષ્ટિએ ગોવાની ઇમારતો સોળમી સદી અને ત્યારબાદની શૈલીઓની ઝાંખી કરાવે છે. આ ઇમારતોમાં જૂના ગોવામાં સેન્ટ કેજેટન (1656–61), સેન્ટ કૅથરિન  (1562), સેન્ટ ફ્રાન્સિસ ઑવ્ એસીસી (1510,-પુનર્નિમાણ 1661), બૉમ જિસસ (સોળમી સદીનો પ્રારંભ) નોંધપાત્ર છે. આ ઉપરાંત જૂના ગોવાની સંખ્યાબંધ ખંડિત ઇમારતો પરથી તેની ભવ્યતાનો ખ્યાલ આવે છે. લગભગ 150 વર્ષના સમય પછી પંજીમ મુખ્ય મથક થતાં ત્યાંની ઇમારતો પણ ઓગણીસમી સદીની યુરોપીય શૈલીની ઝાંખી કરાવે છે. તેમાંનાં દેવળો અને શ્રીમંતોનાં રહેઠાણોની શહેરી જીવનની આગવી શૈલીની પ્રતીતિ થાય છે.

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ગોવા

ગોવાનાં – ખાસ કરીને જૂના ગોવાનાં દેવળોનું યુરોપીય સ્થાપત્ય મુખ્યત્વે આઇબેરિયન શૈલીને અનુરૂપ સોળમી સદીની શૈલીને અનુસરે છે. ખાસ તો સ્તંભો અને દીવાલોની જોડાયેલી બાંધકામ-શૈલી, આગવું પ્લાસ્ટરકામ અને ઇમારતોની ભવ્યતા તેની વિશિષ્ટતા છે.

રહેણાકોમાં નાનાં નાનાં જૂથમાં બંધાયેલાં ઘરોમાં રસ્તાને અડીને પરસાળ નાજુક સ્તંભો દ્વારા રચાઈ હોય છે. ઘણાં ઘરોમાં, ખાસ કરીને ગામડાંનાં ઘરોમાં પ્રવેશના ભાગમાં બે સ્તંભવાળી ઓસરી અને બંને બાજુએ બેસવા માટેના ઓટલાની રચના કરવામાં આવતી. આ બધા આયોજનમાં દેવળનું સ્થાન તથા ખ્રિસ્તીઓમાં રહેલ સામાજિક એકતા અને હળવા-મળવાના પ્રાધાન્યની અસર દેખાય છે.

ગોવામાં રચાયેલ સ્થાપત્યની અસર પશ્ચિમ કાંઠાની બીજી બે વસાહતો દીવ અને દમણમાં પણ વર્તાય છે. પોર્ટુગીઝ શૈલીના કોંકણ-મરાઠી શૈલી સાથેના મિશ્રણથી ઉપસ્થિત ગોવાની શૈલીનું સ્થાપત્ય તત્કાલીન બીજી શૈલીઓથી તદ્દન અલગ અને નવીનતમ રહેલ. સોળમી સદી દરમિયાન ભારતમાં પ્રવર્તમાન પાશ્ચાત્ય વહેણનો એમાંથી સારો ખ્યાલ આવે છે.

રવીન્દ્ર વસાવડા