ગોળાશ્મ ખવાણ : ખડકોમાં થતા રાસાયણિક ખવાણ(વિઘટન)નો પ્રકાર. પૃથ્વીની સપાટી પર વિવૃત બનેલા ખડકજથ્થાની ઉપરની સપાટી વરસાદના પાણીથી ભીની થાય છે અને સૂર્યના તાપને કારણે ગરમ બને છે. પરિણામે વિવૃત ખડકજથ્થાની ઉપરની સપાટીમાં રહેલાં ખનિજોમાં રાસાયણિક ફેરફાર થાય છે અને બાહ્ય પડ મુખ્ય ખડકજથ્થાથી છૂટું પડી જાય છે અને અંદરની નવી ખડક-સપાટી ખુલ્લી બને છે. પડખવાણ(exfoliation)ની જેમ આ ક્રિયામાં પણ એક પડ પછી બીજું પડ એ પ્રમાણે બને છે. આ પ્રકારની ખવાણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર વિવૃત થયેલા ખડકજથ્થા ગોળાકાર સ્વરૂપમાં ફેરવાય છે તેથી આ ખવાણક્રિયા ગોળાશ્મ ખવાણ તરીકે ઓળખાય છે. ગોળાશ્મ ખવાણની અસરવાળા ખડકજથ્થામાં અંદરનો ભાગ ખવાણની અસરવાળા બહારના પડથી વીંટળાયેલો જોવા મળે છે. ગોળાશ્મ ખવાણ મુખ્યત્વે બેસાલ્ટ અને ગ્રૅનાઇટ ખડકોમાં જોવા મળે છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે