ગોળાફેંક : પ્રાચીન ગ્રીસની જોસીલી અને ઑલિમ્પિક રમતગમત પ્રણાલીમાં ‘ઍથ્લેટિક્સ’ નામે ઓળખાતી રમતસ્પર્ધા. તે બળવાન અને વજ્રકાય ખેલાડીઓની માનીતી સ્પર્ધા હતી. વર્તમાન સમયમાં પ્રચલિત ગોળાફેંક સ્પર્ધામાં લોખંડ યા પિત્તળના ગોળાનું વજન પુરુષો માટે 7.257 કિ.ગ્રા. (16 રતલ), કુમારો માટે 5.443 કિગ્રા. (12 રતલ) અને સ્ત્રીઓ માટે 4 કિગ્રા. (8 રતલ, 13 ઔંસ) હોય છે. તેને સ્પર્ધક ખેલાડી 2.135મી. (7 ફૂટ) વ્યાસના કૂંડાળામાંથી, પ્રથમ સ્કંધ-સપાટીએ એક હાથમાં ગોળો પકડી, પછી તે હાથ વડે તેને હવામાં ઊંચે તથા આગળ જોશપૂર્વક ધક્કો આપી ફેંક-પ્રદેશમાં શક્ય તેટલે દૂર ફેંકે છે. કૂંડાળાના કેન્દ્રબિંદુમાંથી 45°ના ખૂણે બે ત્રિજ્યાઓ પરિઘની બહાર લંબાવવામાં આવે છે અને તેનાથી કૂંડાળાની બહાર આવરાતા પ્રદેશને ‘ફેંક-પ્રદેશ’ કહે છે. બંને ત્રિજ્યા પરિઘને જ્યાં છેદે છે ત્યાં તે વચ્ચેના ભાગમાં સમાઈ જાય તેમ પરિઘને સમવળાંક 10 સેમી. ઊંચાઈ અને 11 સેમી. પહોળાઈવાળું અટકણ પાટિયું સ્થિર ગોઠવવામાં આવે છે.

ગોળો ફેંક-વર્તુળમાંથી ફેંકાવો જોઈએ અને ફેંક-પ્રદેશમાં પડવો જોઈએ. ગોળાનો પ્રથમ ટપ્પો જ્યાં પડે ત્યાંથી કૂંડાળાના કેન્દ્રબિંદુ સુધી માપપટ્ટી લંબાવી અટકણ પાટિયાની અંદરની કિનારી સુધીનું માપ નોંધવામાં આવે છે. ગોળો ફેંકતી વખતે કે ફેંક્યા પછી તેના અનુસરણમાં ફેંકનારના શરીરનો કોઈ પણ ભાગ પરિઘ યા અટકણ પાટિયાની બહાર જમીનને અડકે યા તેની ઉપર અડકે તો તે ભૂલ ગણાય છે અને તે માપ નોંધાતું નથી. ફેંકેલો ગોળો ફેંક-પ્રદેશની બહાર પડે તો તે પણ ભૂલ ગણાય છે અને માપ નોંધાતું નથી.

ગોળાફેંકનું મેદાન

સ્પર્ધા શરૂ થતાં દરેક સ્પર્ધકને પ્રાથમિક પસંદગી માટે ગોળો ફેંકવાની ત્રણ તકો આપવામાં આવે છે અને તે પૈકી ઉત્તમ તકને ગણતરીમાં લેતાં શ્રેષ્ઠ આઠ સ્પર્ધકોને અંતિમ તબક્કા માટે પસંદ કરવામાં આવે છે અને તેમને ગોળો ફેંકવાની ત્રણ વધારાની તકો અપાય છે. આમ સ્પર્ધકની કુલ છ તકો પૈકી ઉત્તમ તકને ગણતરીમાં લેતાં સૌથી વધારે અંતરે ગોળો ફેંકનારને વિજેતા ગણવામાં આવે છે.

ચિનુભાઈ શાહ