ગોલાઘાટ (Golaghat) : અસમ રાજ્યના મધ્ય-પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 31´ ઉ. અ. અને 93° 58´ પૂ. રે.ની આજુબાજુનો 3,502 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે શોણિતપુર અને જોરહટ, પૂર્વ તરફ જોરહટ અને નાગાલૅન્ડ રાજ્યની સીમા, દક્ષિણ તરફ નાગાલૅન્ડ તથા પશ્ચિમ તરફ કર્બી એંગલૉંગ અને નાગાંવ જિલ્લા આવેલા છે. જિલ્લામથક ગોલાઘાટ જિલ્લાના મધ્ય ભાગમાં આવેલું છે.

ગોલાઘાટ

ભૂપૃષ્ઠ-જળપરિવાહ : જિલ્લાનો વિસ્તાર જંગલ-આચ્છાદિત છે. જંગલોની વચ્ચે વચ્ચે કળણભૂમિ તેમજ ઘાસભૂમિ છવાયેલી છે. ઉનાળા દરમિયાન થતી ડાંગર સિવાય અહીં કોઈ કૃષિપાકો લેવાતા નથી. જંગલોમાં હાથીઓનાં રહેઠાણ આવેલાં છે. આ જ ભાગોમાં ચારથી પાંચ મીટર ઊંચા ઘાસની ભૂમિમાં આવેલા પંકથાળામાં ગેંડા વસે છે. અહીંના ગેંડા દુનિયાભરમાં જાણીતા છે. વૃક્ષોવાળાં જંગલોમાં હરણનાં ટોળાં વસે છે.

બ્રહ્મપુત્ર અને તેની કેટલીક સહાયક નદીઓ આ જિલ્લામાંથી પસાર થાય છે.

ખેતીપશુપાલન : જિલ્લાનો મુખ્ય પાક ડાંગર છે, જે મુખ્યત્વે ઉનાળામાં લેવાય છે, આ ઉપરાંત કેટલાંક સ્થળોએ શિયાળામાં અને શરદઋતુમાં પણ ડાંગરનું વાવેતર થાય છે. ડાંગર સિવાય ક્યાંક ક્યાંક મકાઈ, ઘઉં, ઝીણી બાજરી, કઠોળ અને તેલીબિયાં પણ થોડા પ્રમાણમાં થાય છે.

જિલ્લામાં કૃષિપાકોનું પ્રમાણ ઓછું રહેતું હોવાથી લોકો પશુપાલન કરે છે. ગાયો, બળદ, ભેંસો, ઘેટાં-બકરાં, ઘોડા અને ટટ્ટુ, ડુક્કર અહીંનાં પાલતુ પશુઓ છે. મરઘાં-બતકાંનો પણ ઉછેર થાય છે. મત્સ્ય અને રેશમના કીડા પણ ઉછેરાય છે.

ઉદ્યોગોવેપાર : ગોલાઘાટ અને જોરહટ જિલ્લા સંયુક્ત રીતે હાથસાળના એકમો ચલાવે છે. અહીં હાથસાળ તાલીમકેન્દ્રો, વણાટ વિસ્તરણસેવા એકમો અને હાથસાળ ઉત્પાદનકેન્દ્ર ઊભાં કરાયાં છે. જિલ્લામાં હાથસાળના કાપડમાંથી જુદી જુદી વસ્તુઓ તૈયાર કરાય છે. અહીંથી ચાની નિકાસ તથા ખાંડ, કઠોળ અને મીઠાની આયાત થાય છે.

પરિવહન : ગુઆહાટી અને જોરહટથી રેલમાર્ગે તેમજ સડકમાર્ગે ગોલાઘાટ પહોંચી શકાય છે. જિલ્લામાં સડકમાર્ગોની કુલ લંબાઈ 1378 કિમી. જેટલી છે; આ પૈકી 126 કિમી.ના રાષ્ટ્રીય ધોરીમાર્ગો, 96 કિમી.ના રાજ્ય ધોરીમાર્ગો અને 1156 કિમી.ના PWD માર્ગો આવેલા છે. અહીં જાહેર અને ખાનગી બસસેવા ચાલે છે. અસમ રાજ્ય પરિવહન સેવા દ્વારા મુસાફરોની અવરજવર અને માલની હેરફેર થાય છે.

કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન

પ્રવાસન : અસમ રાજ્યમાં આવેલો, 430 ચોકિમી. વિસ્તાર ધરાવતો કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અહીં આવેલો છે. એકશૃંગી ભારતીય ગેંડાનું આ નિવાસસ્થાન છે. આ વિસ્તાર જંગલોથી છવાયેલો, ઊંચા ઘાસવાળો, ઝાડવાં-ઝાંખરાંવાળો પંકભૂમિ અને કળણભૂમિવાળો છે.

ગુઆહાટી હવાઈ મથકથી તે 275 કિમી. અને જોરહટ હવાઈ મથકથી 96 કિમી. દૂર છે. ફરકેટિંગ રેલજંક્શનથી નૅશનલ પાર્ક 75 કિમી. જેટલા અંતરે આવેલો છે. આ ઉદ્યાનમાં હાથી પર સવારી કરીને, જીપ દ્વારા કે ખાનગી વાહન મારફતે જઈ શકાય છે. આ ઉપરાંત રાજ્યપરિવહનની બસો, ટ્રાવેલ એજન્સીઓ, પ્રવાસી ટૅક્સીઓ અહીં જવા-આવવા માટે મળી રહે છે.

આ ઉદ્યાનમાં એકશૃંગી ગેંડો, હાથી, હરણ, સાબર, ગૌર, રીંછ, વાઘ, દીપડા, વન્ય બિલાડી, શાહુડીઓ, લંગૂર, ગિબન, ડુક્કર, શિયાળ, અજગર, શેળો, હંસ, બગલા, હૉર્નબિબ તેમજ અન્ય પ્રાણીઓ મુક્ત રીતે વિહાર કરે છે.

આ ઉપરાંત આ જિલ્લામાં ગરમ પાણીનો ઝરો, ચાના બગીચા, ખ્રિસ્તી દેવળ વગેરે જેવાં સ્થાનો જોવાલાયક છે. આ જિલ્લામાં વર્ષમાં ત્રણ પ્રસંગો પર બિહુ ઉત્સવ ઊજવાય છે. જુદા જુદા તહેવારો પર મેળા ભરાય છે અને ઉત્સવોનું આયોજન થાય છે.

વસ્તીલોકો : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 10,58,674 જેટલી છે, તે પૈકી 51% પુરુષો અને 49% સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અંદાજે અનુક્રમે 95% અને 5% જેટલું છે. જિલ્લામાં આસામી ભાષા બોલાય છે. અહીં હિન્દુઓ અને મુસ્લિમોની વસ્તી વિશેષ છે જ્યારે ખ્રિસ્તી, બૌદ્ધ, શીખ અને જૈનોની વસ્તી ઓછી છે. જિલ્લામાં શિક્ષિતોનું સરેરાશ પ્રમાણ 60% જેટલું છે. જિલ્લામાં પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓનું પ્રમાણ સારું છે. અહીં હૉસ્પિટલો, પ્રાથમિક સ્વાસ્થ્યકેન્દ્રો, ચિકિત્સાલયો, ગ્રામીણ કુટુંબ-કલ્યાણ કેન્દ્રો આવેલાં છે. વહીવટી સરળતા માટે જિલ્લાને ઉપવિભાગો, મંડળો, સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 3 નગરો અને 1081 ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : થોડાં વર્ષ અગાઉ ગોલાઘાટ શિવસાગર જિલ્લાનો એક ભાગ હતો. તેથી તેનો ઇતિહાસ શિવસાગર જિલ્લાને મળતો આવે છે. પ્રથમ ઍંગ્લો-બર્મીઝ યુદ્ધના પરિણામે 1826માં ઈસ્ટ ઇંડિયા કંપનીએ આસામ ઉપર સત્તા મેળવી અને 1833માં પુરન્દર સિંહને અપર આસામનો વહીવટ સોંપવામાં આવ્યો. 1833માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સમગ્ર વિસ્તાર ખાલસા કરીને બ્રિટિશ વિસ્તારમાં જોડી દીધો. કર્નલ એડમ વ્હાઇટને તેનો પોલિટિકલ એજન્ટ નીમવામાં આવ્યો. તે પછી વહીવટની જરૂરિયાત મુજબ જિલ્લાનાં ગામોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. છેલ્લે શિવસાગર જિલ્લાનું વિભાજન કરીને શિવસાગર, જોરહાટ અને ગોલાઘાટ જિલ્લાની રચના કરવામાં આવી.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ