ગોરે, નારાયણ ગણેશ (જ. 15 જૂન 1907, હિંદળે, જિ. રત્નાગિરિ; અ. 1 મે 1993, પુણે) : ભારતના અગ્રણી સમાજવાદી નેતા તથા સ્વાતંત્ર્યસેનાની. ગરીબ કુટુંબમાં જન્મ. પિતા સરકારી કારકુન. પ્રાથમિક શિક્ષણ પુણે અને પછી મુંબઈ વિશ્વવિદ્યાલયના બી.એ. (1929) તથા એલએલ.બી. (1935). પુણેના પર્વતી મંદિર અસ્પૃશ્યતાનિવારણ સત્યાગ્રહમાં ભાગ લઈ જાહેર જીવનની શરૂઆત કરી. 1930માં મહારાષ્ટ્ર યૂથ લીગના સેક્રેટરી, 1936–39 દરમિયાન અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના સભ્ય, 1948–53 દરમિયાન કૉંગ્રેસ સમાજવાદી પક્ષના સંયુક્ત મંત્રી, 1957–62 દરમિયાન પ્રજા સમાજવાદી પક્ષ તરફથી લોકસભાના અને તે જ અરસામાં પક્ષના સામાન્ય મંત્રી, 1964માં પક્ષના પ્રમુખ, 1967–68 દરમિયાન પુણેના નગરપતિ, 1970–77 રાજ્યસભાના સદસ્ય, 1977–79ના ગાળામાં ઇંગ્લૅન્ડમાં ભારતના હાઈ કમિશનર.

આઝાદીની લડત દરમિયાન મીઠાના સત્યાગ્રહમાં, ચંપારણ સત્યાગ્રહમાં અને ‘ભારત છોડો’ આંદોલનમાં સક્રિય ભાગ લીધો અને અનેક વાર કારાવાસ ભોગવ્યો. 1942–45 દરમિયાન ભૂગર્ભમાં રહ્યા. 1948માં હૈદરાબાદ મુક્તિસંગ્રામમાં જોડાયા. 1955ના ગોવા મુક્તિ-સંગ્રામનો પ્રારંભ કર્યો. પોર્ટુગીઝ સરકારે તેમને જન્મટીપની સજા ફરમાવી; પરંતુ 1957માં તેમને મુક્ત કરવામાં આવ્યા.

નારાયણ ગણેશ ગોરે

કૉંગ્રેસ સમાજવાદી પક્ષના તેઓ સંસ્થાપક સભ્ય હતા. વિધવા-વિવાહ (1935) દ્વારા સમાજસુધારાનો આદર્શ તેમણે સમાજ સમક્ષ રજૂ કર્યો. ‘જનવાણી’, ‘રચના’, ‘જનતા’ જેવાં ડાબેરી વિચારસરણીને વરેલાં સામયિકોનું સંપાદન કર્યું. મરાઠી, અંગ્રેજી તથા હિંદી સામયિકોમાં રાજકીય સમસ્યાઓ અંગે તેમનાં ઘણાં લખાણો પ્રસિદ્ધ થયાં છે. ઉત્તમ વક્તા તરીકે તેઓ ખ્યાતિ પામેલા. મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદના અધ્યક્ષ હતા. 1959 પછી તેમણે ઘણી વાર વિદેશ પ્રવાસ ખેડેલો.

તેમણે વિપુલ ગ્રંથરચના કરી છે, જેમાં ‘સમાજવાદાચા ઓનામા’ (1935), ‘વિશ્વકુટુંબવાદ’ (કૉમ્યુનિઝમ) (1941), જેલવાસના અનુભવો પર આધારિત દૈનંદિની ‘કારાગૃહાચ્યા ભિંતી’ (1945), કથાસંગ્રહ ‘સીતેચે પોહે’ (1953), પ્રૌઢ સાક્ષરો માટે લખેલું ‘મુરારીચે સાળગાંવ’ (1954), ‘શંખ આણિ શિંપલે’ (1957), ‘અમેરિકન સંઘરાજ્યાચા ઇતિહાસ’ (1958), ‘ગુલબશી’ (1962), લેખસંગ્રહ ‘આહવાન આણિ આવાહન’ (1963) તથા ‘એરણીવરીલ પ્રશ્ન’ (1965), મરાઠી અનુવાદોમાં કાલિદાસનું ‘મેઘદૂત’ તથા જવાહરલાલ નહેરુની આત્મકથા વિશેષ ઉલ્લેખનીય છે. બાળસાહિત્યમાં ‘બેડુકવાડી’ (1957) અને ‘ચિમુતાઈ ઘર બાંધતાત’(1970)નો સમાવેશ થાય છે.

ઑગસ્ટ ક્રાંતિની સુવર્ણજયંતી પ્રસંગે 1992માં ભારતના વડા પ્રધાનના હસ્તે તેમનું સ્વાતંત્ર્યસેનાની તરીકે જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે