ગોરખગાંજો (પ્રશ્નપર્ણી, રાનગાંજો, કપૂરી-મધુરી, ગોરખડી, સાનીબર) : દ્વિબીજદલાની શ્રેણી અદલાના કુળ Amarantha ceaeનો નાનો 20થી 30 સેમી. ઊંચાઈવાળો રુવાંટીવાળો ઊભો છોડ. તેનું લૅટિન નામ Aerva lanata (L) Juss છે. તેની અન્ય જાતોમાં બુર કે ગોરખગાંજડો તે સંખેડા-બહાદરપુર પાસે મળતો A. javanica (Burm – f) Juss, ઝીણા પાનનો બુર, એમ. એચ. પટેલે છોટાઉદેપુર અને જયકૃષ્ણ ઈ. ઠાકરે કચ્છમાંથી મેળવેલો. A. monsoniae (L.f.) Mart અને કરાડિયા કે વેલારો ક્વચિત જ વાડોમાં અને ડાંગ અને ગીરનાં જંગલોમાં મળતો A. sanguinolenta (L) Bl છે.
ગોરખગાંજામાં પુષ્પો શૂકીમાં ગોઠવાયેલાં સૂકાં અને પાતળા કાગળ જેવાં ચિરલગ્ન નિપત્રો ધરાવે છે. તેની વૃદ્ધિ બીજથી કરી શકાય છે. અસંગજનનિક (apomictic) છોડ હોવાથી બીજમાં માતૃછોડનાં જ લક્ષણો ઊતરી આવે છે. મહેસાણાથી પાલનપુર સુધીનાં ખેતરોમાં પુષ્કળ મળે છે. તે છોડને બારેમાસ ફળફૂલ બેસે છે. પરંતુ ઑગસ્ટ-નવેમ્બરમાં તેની પાંગરવાની ઋતુ છે.
જયકૃષ્ણભાઈએ (વૈદ્ય કલ્પતરુ, વર્ષ 1907, માસ અંક મેમાં) કપૂરી-મધુરી એટલે Aerua lanata ગોરખગાંજો એમ લખેલું છે. પરંતુ વૈદ્યરાજ રુઘનાથજી કપૂરી-મધુરીને ગોરખગાંજો કહેતા નથી – અર્થાત્ બન્નેને સ્વતંત્ર વનસ્પતિઓ ગણે છે. કંતો ભટ્ટજી ગોરખગાંજાને પાષાણભેદ માને છે. નિઘંટુ આદર્શ(ભાગ 1)માં અપામાર્ગાદિ વર્ગમાં પણ ગોરખગાંજાનો ઉલ્લેખ છે.
પ્રાગજી મો. રાઠોડ