ગોમ્મટસાર (ઈ. દસમી સદી) : કર્મસિદ્ધાંતનું ગાથાબદ્ધ નિરૂપણ કરતો પ્રાકૃત ગ્રંથ. રચયિતા સિદ્ધાંતચક્રવર્તી નેમિચન્દ્રાચાર્ય. ભાષા શૌરસેની પ્રાકૃત.

ગંગવંશીય રાજા રાજમલ્લના મંત્રી ચામુંડરાય, જેમનું બીજું નામ ગોમ્મટ હતું તેમની પ્રેરણાથી આ ગ્રંથ રચાયો તેથી તેનું નામ ‘ગોમ્મટસાર’ રખાયું. ગ્રંથનું અન્ય નામ ‘પંચસંગ્રહ’ પણ છે, કેમ કે તેમાં બંધ, બધ્યમાન, બંધસ્વામી, બંધનો હેતુ અને બંધભેદ  એ પાંચ વિષયોનું નિરૂપણ છે. આ ગ્રંથ ‘પ્રથમ સિદ્ધાંતસૂત્ર’ અથવા ‘પ્રથમ શ્રુતસ્કંધ’ એ નામોથી પણ પ્રસિદ્ધ છે.

આ ગ્રંથના બે વિભાગ છે : (1) જીવકાંડ અને (2) કર્મકાંડ. જીવકાંડમાં 20 અધિકાર અને 735 ગાથાઓ છે અને કર્મકાંડમાં 8 અધિકાર અને 972 ગાથાઓ છે.

જીવકાંડમાં મહાકર્મપ્રાભૃતના સિદ્ધાંત સંબંધી જીવસ્થાન, ક્ષુદ્રબંધ, બંધસ્વામી, વેદનાખંડ અને વર્ગણાખંડ – એમ 5 વિષયોનું નિરૂપણ છે. તેમાં ગુણસ્થાન, જીવસમાસ, પર્યાપ્તિ, પ્રાણ, સંજ્ઞા, 14 માર્ગણાઓ અને ઉપયોગ – એ 20 અધિકારોમાં જીવની વિવિધ અવસ્થાઓનું નિરૂપણ છે. કર્મકાંડમાં કર્મસંબંધી નીચે પ્રમાણેનાં 9 પ્રકરણ છે : (1) પ્રકૃતિ સમુત્કીર્તન, (2) બંધોદય સત્વ, (3) સત્વસ્થાન ભંગ, (4) ત્રિચૂલિકા, (5) સ્થાન સમુત્કીર્તન, (6) પ્રત્યય, (7) ભાવચૂલિકા, (8) ત્રિકરણચૂલિકા અને (9) કર્મસ્થિતિરચના.

ગ્રંથના અંતે પ્રશસ્તિપરક 8 ગાથાઓ છે, જેમાં ગ્રંથરચનાનું પ્રયોજન બતાવતાં મુનિ અજિતસેનનું સાદર સ્મરણ કરાયું છે. ગોમ્મટરાય(ચામુંડરાય)ને આશીર્વાદ આપેલો છે અને ગોમ્મટરાયકૃત ગોમ્મટસારની દેશી અર્થાત્ કર્ણાટકી (ભાષામાં) વૃત્તિનો ઉલ્લેખ કરાયો છે.

ગોમ્મટસાર પર સંસ્કૃત, પ્રાકૃત અને ભાષાવૃત્તિ ટીકાઓ છે. તેમાં કેટલીક ઉલ્લેખનીય ટીકાઓમાં આચાર્ય અભિનંદનકૃત ટીકા, ગોમ્મટરાયકૃત ‘કન્નડ ભાષાવૃત્તિ’, આચાર્ય અભયચંદ્રકૃત સંસ્કૃત ટીકા, બ્રહ્મચારી કેશવવર્ણીકૃત સંસ્કૃત ટીકા, આચાર્ય નેમિચંદ્રકૃત ‘જીવતત્ત્વપ્રબોધિની’ સંસ્કૃત ટીકા, પંડિત હેમચંદ્ર (ઈ. 1643–70) કૃત ‘ભાષાવાચનિકા’, પં. ટોડરમલકૃત ‘ભાષાવાચનિકા’, પં. મનોહરલાલકૃત ‘સંસ્કૃત છાયા’ અને સંક્ષિપ્ત ભાષાટીકા વગેરે છે.

રૂપેન્દ્રકુમાર પગારિયા