ગૉમ્બર્ગ, મોઝીઝ (Gomberg, Moseis)

February, 2011

ગૉમ્બર્ગ, મોઝીઝ (Gomberg, Moseis) (જ. 8 ફેબ્રુઆરી 1866, ઇલિઝાવેટગ્રાટ, રશિયા; અ. 12 ફેબ્રુઆરી 1947, ઍન આર્બર, મિશિગન, યુ.એસ.) : રસાયણશાસ્ત્રમાં મુક્ત મૂલકો(free radicals)ના આદ્ય સંશોધક અને જન્મે રશિયન પણ અમેરિકન રસાયણવિદ. તેમણે મુક્ત મૂલકોના અભ્યાસનો પ્રારંભ કર્યો અને 1900માં સૌપ્રથમ પ્રમાણભૂત મુક્ત મૂલક ટ્રાઇફિનાઇલ મેળવ્યો.

મોઝીઝ ગૉમ્બર્ગ

તેમના પિતાની ઝારવિરોધી ચળવળના કારણે કુટુંબને રશિયા છોડવું પડ્યું હોવાથી 18 વર્ષની ઉંમરે તેઓ અમેરિકામાં વસાહતી તરીકે આવ્યા. ગરીબી અને ભાષાની મુશ્કેલીઓ પાર કરીને તેમણે 1890માં પૂર્વસ્નાતક (undergraduate) અને 1894માં મિશિગન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી.

એક વર્ષ પરદેશમાં અભ્યાસાર્થે જવાના અપવાદ સિવાય તેમણે તેમનું આખું જીવન યુનિવર્સિટીમાં શિક્ષણ અને સંશોધનાર્થે ગાળ્યું હતું. 1827થી નિવૃત્તિ (1836) સુધી તેઓ રસાયણવિભાગના અધ્યક્ષ રહ્યા હતા.

મુક્ત મૂલકોના આદ્યસંશોધક તરીકે આજે પણ તેઓ સ્મરણીય રહ્યા છે.

જ. પો. ત્રિવેદી