ગોમતી-1 : ઉત્તરપ્રદેશમાં આવેલી ગંગાને મળતી ઉપનદી. તેની લંબાઈ 800 કિમી. છે. તેનું સ્રાવક્ષેત્ર (catchment area) 18,750 ચોકિમી. છે. પીલીભીત જિલ્લાની પૂર્વે 32 કિમી. ઉપર તેનું ઉદગમસ્થાન છે. 56 કિમી. પછી તેને જોકનાઈ નદી મળે છે. ત્યારબાદ તે બારે માસ વહે છે. નદીના વળાંકોને કારણે તે ધીમી ધીમી વહે છે. મુહમદી, સીતાપુર, લખનૌ, બારાબંકી, સુલતાનપુર, જૌનપુર પાસે વહીને ગાઝીપુર જિલ્લાના સૈદપુર પાસે તે ગંગાને મળે છે. સાઈ નદી તેની સમાંતર 560 કિમી. સુધી વહીને જૌનપુર પાસે તેને મળે છે. લખનૌ શહેર નજીક ગોમતી ઉપર અનેક પુલો છે. તેના પૂરને કારણે આજુબાજુના પ્રદેશને ખૂબ નુકસાન થાય છે. મુહમદી સુધી ગોમતીમાં હોડીઓ ફરે છે. અનાજ, બળતણ, ઘાસ, પથ્થર વગેરે થોડા પ્રમાણમાં જળમાર્ગે લઈ જવાય છે. ગોમતીના પ્રદેશમાં ઘઉં, ડાંગર, શેરડી, કઠોળ, તેલીબિયાં વગેરેની ખેતી થાય છે.

ગોમતી-2 : ગુજરાત રાજ્યમાં દ્વારકા નજીક ગોમતી નામની નાની નદી છે. તે 10 કિમી. લાંબી છે અને ભોવડા નજીક તેનું ઉદગમસ્થાન છે. તે અરબી સમુદ્રને મળે છે. ગોમતીના મુખ નજીક રણછોડરાયનું પ્રાચીન મંદિર છે. ગોમતીમાં સ્નાન કરવાનો મહિમા છે.

ગોમતી-3 : ગુજરાત રાજ્યમાં ખેડા જિલ્લાના તીર્થસ્થળ ડાકોરમાં આવેલું તળાવ. નજીકમાં રણછોડરાયનું મંદિર છે.

શિવપ્રસાદ રાજગોર