ગોમટેશ્વર : પહેલા તીર્થંકર ઋષભદેવના પુત્ર બાહુબલિ.

ઋષભદેવને બે પુત્રો, ભરત અને બાહુબલિ. ઋષભદેવે પોતાનું રાજ્ય પુત્રોને વહેંચી આપીને સંન્યસ્ત લીધું. વખત જતાં ભરતે દિગ્વિજય માટે નીકળવા તૈયારી કરી. બાહુબલિએ તેથી અનેક જીવોની હિંસા થવાની હોવાથી વિરોધ કર્યો. વાદવિવાદ થતાં બંને ભાઈઓએ યુદ્ધ કર્યું. જીત્યા છતાં ભરતને રાજ્ય સોંપી બાહુબલિ તપ કરવા ચાલી નીકળ્યા. તપ કરવા છતાં મુક્તિ મળી નહિ એટલે ભરતે પિતા ઋષભદેવને તેનું કારણ પૂછ્યું. તેમણે જવાબ આપ્યો કે બાહુબલિ તારા રાજ્યમાં તપ કરે છે માટે તેને ફળ મળતું નથી. બાહુબલિએ આ વાત સ્વીકારી અને તેને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.

બાહુબલિની અનેક મૂર્તિઓ ગોમટેશ્વર તરીકે ભારતમાં છૂટીછવાઈ મળે છે. સૌથી પ્રાચીન મૂર્તિ કાંસાની, છઠ્ઠી સદીની છે. બીજી સાતમી સદીની મૂર્તિ બદામીની ગુફામાં છે. વેરૂળની ઇન્દ્રસભાની ગુફાની દક્ષિણ બાજુએ આવેલી ગોમટેશ્વરની મૂર્તિ આઠમી સદીની છે. તેથી થોડી જુદી મૂર્તિ મહારાષ્ટ્રના દેવગઢમાં શાંતિનાથના મંદિરમાં છે.

કર્ણાટકના શ્રવણ બેલગોડાની બાહુબલિની મૂર્તિ ઈ. સ. 983ની છે. તે 18 મી. ઊંચી છે. ઉત્કૃષ્ટ શિલ્પના નમૂનારૂપ છે. આ પ્રાચીન મૂર્તિ ઘાટીલી અને કલાત્મક છે. આ મૂર્તિ પૂર્વના ગંગ વંશના રાજા રાયમલ્લના શાસન દરમિયાન તેના પ્રધાન ચામુંડરાયે તેની પત્નીના આગ્રહથી કરાવી હતી.

ગોમટેશ્વરનું સ્થળ જમીનની સપાટીથી 143 મી. ઊંચા ડુંગર પર છે. આ આખી મૂર્તિ એક ખડકમાંથી કોતરવામાં આવી છે. આ મૂર્તિ ભૂખરા રંગના પથ્થરમાંથી બનાવેલી છે. ગોમટેશ્વરની નગ્ન મૂર્તિ સૌમ્ય અને ભવ્ય છે. તેની દાઢી સહેજ ઊંચી, છાતી વિશાળ, પહોળા ખભા અને ઢીંચણ સુધી લંબાયેલા હાથ છે. સમગ્ર મૂર્તિ તપશ્ચર્યાની કઠિનતા, મનોનિગ્રહ અને એકાગ્ર ચિત્તની પ્રતીતિ કરાવે છે. તપ કરતા ઊભા રહેલા બાહુબલિના શરીરે વેલીઓ ચઢી ગઈ હતી તેને પણ તાર્દશ્ય કરવામાં આવ્યું છે.

ગોમટેશ્વર

મહામસ્તકાભિષેકનો પ્રથમ ઉલ્લેખ ઈ. સ. 1398નો છે. 1981માં, 1993ના ડિસેમ્બરમાં અને 2006ના અરસામાં આવો મહામસ્તકાભિષેક-સમારોહ યોજાયો હતો.

શિવપ્રસાદ રાજગોર