ગોબેલ, કાર્લ (ઇમેન્યુઅલ એબેરહાર્ડ) (જ. 8 માર્ચ 1855, બીલીઘેઇમ, બાડેન; અ. 9 ઑક્ટોબર 1932, મ્યૂનિક) : ઓગણીસમી સદીના જર્મનીના અગ્રણ્ય વનસ્પતિવિદ. વિલ્હેલ્મ હૉફમેસ્ટિર, હેઇનરીચએન્ટોન-ડી-બેરી અને જુલિયસ વૉન સેરસ તેમના ગુરુ હતા. તેમની પાસે અભ્યાસ કરીને ગોબેલ કાર્લે 1877માં ડૉક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી. ઘણીબધી જગ્યાએ શિક્ષક તરીકેની સેવા આપ્યા બાદ 1891માં મ્યૂનિકમાં પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા. તેમણે 1909–14 દરમિયાન નિમ્ફેનબર્ગમાં વનસ્પતિ-ઉદ્યાન અને વનસ્પતિસંસ્થાન સ્થાપ્યાં. તર્કવિતર્ક કરવાને બદલે નક્કર સંશોધનો માટે તેઓ સમર્પિત થયેલા હતા. તેમને જુદી જુદી વનસ્પતિઓને તેમના કુદરતી સ્વરૂપમાં જ નીરખવાનો શોખ હતો. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન ઇન્ડીઝના દેશો, દક્ષિણ અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં અનેક વૈજ્ઞાનિક યાત્રાઓ કરી હતી. 1898–1901ના ગાળા દરમિયાન ‘ઑર્ગેનોગ્રાફી ઑવ્ પ્લાન્ટ્સ’ નામનું અભૂતપૂર્વ પુસ્તક લખ્યું. આ પુસ્તકની ત્રણ આવૃત્તિઓ જર્મનમાં અને અનેક આવૃત્તિઓ અંગ્રેજીમાં પણ છપાઈ છે; જેમાં તેમણે વનસ્પતિના આકારવિજ્ઞાન(plant morphology)ના સિદ્ધાંતોનું સ્વરૂપ અને રચનાના સંબંધે સ્પષ્ટીકરણ કર્યું છે.
ધવલ સુધન્વા વ્યાસ