ગોબીનું રણ : મધ્ય એશિયાના મૉંગોલિયામાં આવેલ રણ અને અર્ધરણનો સૂકો વિસ્તાર. મૉંગોલિયન ભાષામાં ‘ગોબી’નો અર્થ ‘જળવિહીન સ્થળ’ થાય છે. પ્રદેશ સાવ સૂકો અને વરસાદનું પ્રમાણ નહિવત્ હોવાથી આ નામ મળ્યું હશે.

આ રણ 1,600 કિમી. લાંબું અને સ્થાનભેદે 480–965 કિમી. પહોળું છે. તેનો કુલ વિસ્તાર 13,00,000 ચોકિમી. છે. તેનો મોટા ભાગનો વિસ્તાર 40°થી 49° ઉ. અ. અને 95°થી 114° પૂ. રે. વચ્ચે આવેલો છે. તેની સરેરાશ ઊંચાઈ 1,220થી 1,370 મી. છે.

ગોબીનું રણ

ગોબીના રણના વાયવ્ય ખૂણે અલતાઈ ગિરિમાળા, ઉત્તર તરફ હેન્ટીન નુરૂ ગિરિમાળા, પૂર્વ બાજુએ શિંગાન પર્વતમાળા છે, જ્યારે તેના નૈર્ઋત્ય ખૂણે નાનશાન ગિરિમાળા અને તિબેટનો ઉચ્ચપ્રદેશ છે. તેની ત્રણે બાજુએ ચીનની સરહદ છે, જ્યારે ઉત્તર તરફ રશિયાનો સાઇબીરિયાનો પ્રદેશ છે.

આ વિસ્તાર મોટાં થાળાં (basins) અંતર્ગત નાની ખીણો અને ફરતા ઉચ્ચપ્રદેશનો છે. આ ખીણો મોટે ભાગે અસમતળ સપાટી ધરાવે છે. ગ્રૅનાઇટ અને વિકૃત ખડકોના ઉપરના ભાગે નાની કાંકરીઓનું પડ હોય છે. ઉપરની માટી અને ઝીણી રેતી પવનથી ઊડી ગઈ છે. તેમ છતાં વિશાળ વિસ્તારમાં જળકૃત (sedimentary) ખડકો અને ક્યાંક લાવાનાં પડો છે.

ગોબીનું રણ ખંડસ્થ આબોહવા ધરાવે છે. તે દરિયાથી દૂર, ઉચ્ચ-પ્રદેશથી ઘેરાયેલું હોઈ, ભેજવાળા પવનો અંદરના ભાગ સુધી પહોંચી શકતા નથી. શિયાળામાં સખત ઠંડી પડે છે. જાન્યુઆરી માસમાં તાપમાન –40° સે. જેટલું નીચું જાય છે અને ક્યાંક હિમવર્ષા થાય છે. ઉનાળો સખત હોય છે અને જુલાઈમાં તાપમાન 40° સે.થી  45° સે. રહે છે. વરસાદ ઉનાળામાં પડે છે. ગોબીના પશ્ચિમ ભાગમાં 69 મિમી. વરસાદ પડે છે, જ્યારે ઈશાન ખૂણે આવેલા પ્રદેશમાં 200–250 મિમી. વરસાદ પડે છે. કેટલાક વિસ્તારમાં પૂરતું ભૂગર્ભજળ સંગ્રહાયેલું હોય છે.

આ વરસાદ ઘાસ માટે પૂરતો છે. ઉચ્ચપ્રદેશમાં જ્યાં વધારે વરસાદ પડે છે ત્યાં સીડાર જેવાં વૃક્ષો છે. ઉચ્ચપ્રદેશ અને તેની તળેટીના મેદાનમાં નાના છોડ ઊગે છે. નીચાણવાળી ક્ષારયુક્ત કળણધારક જમીનમાં ક્ષારનો પ્રતિકાર કરી શકે તેવાં છોડ અને ઘાસ થાય છે. દક્ષિણ અને પૂર્વ તરફના છેડાના ભાગમાં ઘાસનાં મેદાનો છે. આ ઘાસ ઊંચા પ્રકારનું અને પૌષ્ટિક હોય છે.

આ પ્રદેશમાં જંગલી ઊંટ, જંગલી ગધેડા અને ઘોડા, સાબર, હરણ અને સાપ જેવાં પ્રાણીઓ તેમજ ઘેટાં, બકરાં તથા અન્ય ઢોર જોવા મળે છે.

આ પ્રદેશમાંથી કોલસો, મીઠું, સોનું, ટંગ્સ્ટન, પેટ્રોલિયમ વગેરે ખનિજો ખોદી કાઢવામાં આવે છે. તેથી ઉલાન બટોર, હૂહેહોટ, વુચુઆન અને જિનિંગ શહેરોમાં ખાણ અને કાપડ વગેરે ઉદ્યોગોનો વિકાસ થયો છે. લોકોનો મુખ્ય ધંધો પશુપાલન છે.

દર ચોકિમી.દીઠ એક માણસની વસ્તી છે. મોટા ભાગના લોકો ભટકતું જીવન ગાળે છે. ક્યારેક ઘાસચારાની શોધમાં સ્થળો બદલવાં પડે છે. 1949 પછી કૂવા ખોદી ઉપલબ્ધ ભૂગર્ભજળનો ખેતી માટે ઉપયોગ થાય છે. આ કારણે લોકો સ્થાયી જીવન ગાળતા થયા છે. સારી ઓલાદનાં પશુઓને લીધે માંસ અને ડેરીના ઉદ્યોગનો વિકાસ થયો છે.

આ પ્રદેશમાં ઉત્તરથી દક્ષિણ તરફ જતાં વણજાર-માર્ગો છે. ઉલાન બટોર સાઇબીરિયા સાથે રેલ સડક તથા માર્ગ દ્વારા જોડાયેલું છે. તે પ્રમાણે જિનિંગ શહેર ઉત્તર તરફની ચીનની પૂર્વ-પશ્ચિમ જતી રેલવે સાથે જોડાયેલું છે.

આ રણને સર્વપ્રથમ વાર ઓળંગનાર તેરમી સદીનો ઇટાલિયન પ્રવાસી માર્કો પોલો હતો. સ્વેન હેડીન તથા ફ્રાન્સિસ યંગહસબંડ તથા રૉય ચૅપમૅન ઍન્ડ્રૂઝે વીસમી સદી દરમિયાન વિસ્તૃત પ્રવાસ ખેડીને નવ પાષાણયુગના માનવીના તથા કાંસ્યયુગના અવશેષો શોધી કાઢ્યા હતા. મધ્યજીવયુગના 23થી 6.5 કરોડ વર્ષ પૂર્વેના ડાયનોસૉરનાં અશ્મીભૂત ઈંડાં પણ અહીંથી તેમને મળ્યાં છે.

શિવપ્રસાદ રાજગોર