ગોબેલ્સ, પૉલ જૉસેફ (જ. 29 ઑક્ટોબર 1897, રીટદ રાઇનલૅન્ડ; અ. 1 મે 1945, બર્લિન) : હિટલરના અગ્રણી સાથીદાર તથા નાઝી શાસનકાળ દરમિયાન જર્મનીના પ્રચારમંત્રી (1933–45). પિતા કૅથલિક ધર્મના અનુયાયી અને કારખાનામાં મુકાદમ. શિક્ષણ બૉન, બર્લિન તથા હેડેનબર્ગ યુનિવર્સિટીઓમાં. 1921માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. અપંગ હોવાથી ફરજિયાત ભરતીમાંથી મુક્તિ મેળવી.

પૉલ જૉસેફ ગોબેલ્સ

પહેલા વિશ્વયુદ્ધ(1914–18)માં જર્મનીના પરાજય પછી 1924માં હિટલરના નેતૃત્વ હેઠળની નાઝી નૅશનલ સોશિયાલિસ્ટ જર્મન વર્કર્સ પાર્ટીમાં જોડાયા. નવેમ્બર, 1926માં પક્ષના સમાચારપત્રના તંત્રી તથા બર્લિન ખાતેના પક્ષના નેતા બન્યા. 1929માં તેમની પક્ષના પ્રચારનિયામકપદે વરણી થઈ. 1933માં તેઓ દેશની સંસદમાં ચૂંટાયા અને હિટલર સત્તા પર આવતાં દેશના સાંસ્કૃતિક તથા પ્રચારમંત્રી બન્યા અને આ પદ હિટલરના પતન (1945) સુધી ભોગવ્યું. હિટલરની નેતાગીરી તથા પક્ષની પ્રતિષ્ઠા પ્રસ્થાપિત કરવાનું કાર્ય તેમણે છેલ્લી પળ સુધી નિષ્ઠાથી કર્યું. સમગ્ર વૃત્તપત્ર-વ્યવસાય, શિક્ષણ, નાટ્ય અને ચલચિત્ર જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમના સંપૂર્ણ કાબૂ તળે હોવાથી તેમણે પક્ષના હિતમાં લોકમત કેળવવામાં તથા તેને વળાંક આપવામાં પોતાના સ્થાનનો પૂરેપૂરો ઉપયોગ કર્યો. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન હિટલરની વિજયયાત્રાની સાથે ગોબેલ્સનો પ્રભાવ સર્વત્ર છવાઈ ગયો. જર્મનીનો પરાજય નિશ્ચિત બન્યા પછી પણ છેલ્લી ઘડી સુધી તેઓ હિટલરના પડખે રહ્યા હતા. 1 મે, 1945ના રોજ હિટલરે આપઘાત કર્યો તે સમયે તેઓ હાજર હતા અને તે પછી પોતાનાં પત્ની અને છ બાળકોને ગોળીથી ઠાર કર્યાં બાદ પોતે આત્મહત્યા કરી.

હિટલરના નિકટના સાથીદારોમાં તેઓ સૌથી વધુ ભણેલા હતા. કુશળ વહીવટકર્તા, ખૂબ સાહસિક નેતા અને પ્રભાવશાળી વક્તા તરીકે તેમની છાપ હતી. તેઓ યહૂદીઓના કટ્ટર વિરોધી હતા.

ટાઇપ કરેલાં આશરે 7000 પાનાંની તેમની રોજનીશી 1948માં પ્રકાશિત કરવામાં આવી, જેમાં હિટલરનું વ્યક્તિત્વ ઉપસાવવામાં તથા યહૂદીઓના નરસંહારમાં તેમણે ભજવેલ ભાગનો ગોબેલ્સે એકરાર કરેલો છે.

1 મે, 1945ની પૂર્વસંધ્યાએ હિટલરે પોતાના વસિયતનામામાં ગોબેલ્સને પોતાના રાજકીય ઉત્તરાધિકારી એટલે કે ‘ચાન્સેલર ઑવ્ ધ રીશ’ નીમ્યા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે