ગોબર-ગૅસ : વાયુની અનુપસ્થિતિમાં અવાતજીવી (anaerobic) બૅક્ટેરિયા દ્વારા ગોબર પર આથવણ (fermentative) પ્રક્રિયા થતાં મુક્ત થતો બળતણ માટેનો ગૅસ. ગોબર-ગૅસ મેળવવા મુખ્યત્વે કાચા માલ તરીકે છાણ વાપરવામાં આવે છે અને તેમાં ઘાસ, પાંદડાં, ઝાડની ડાળી, સડેલાં શાકભાજી, ફળ વગેરે પણ ભેળવવામાં આવે છે. ગૅસમાં આશરે 50 % મિથેન અને 45 % કાર્બન-ડાયૉક્સાઇડ ઉપરાંત હાઇડ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુઓ હોય છે. ગોબર-ગૅસ મેળવ્યા પછી શેષ રહેલ સેન્દ્રિય ઘટકોનો ઉપયોગ ઉચ્ચ કોટિના ખાતર તરીકે થાય છે.

ગોબર-ગૅસ ઉત્પાદનનું યંત્ર : (1) છાણ ભેળવેલું પાણી અંદર નાખવાનો માર્ગ, (2) મુખ્ય ટાંકી, (3) વાયુ કાઢવાની નળી, (4) ખાતરયુક્ત પાણીનો બહાર જવાનો માર્ગ, (5) સિમેન્ટનો નળ.

આમ તો માનવી સેંકડો વર્ષોથી સેન્દ્રિય કાર્બનિક દ્રવ્યોમાંથી મિથેન વાયુ મેળવે છે. શહેરમાં એકઠાં થતાં મળજલ(drainage)નો ઉપયોગ બળતણ ગૅસ માટે કરવો તે એક નવીન બાબત છે. ગામડામાં છાણ, લાદ, લીંડી, માનવમળમૂત્ર, ઘાસ-કચરો (ખેત-કચરો) જેવાનો ઉપયોગ ગૅસના ઉત્પાદન માટે કરવાથી ગામડું સ્વચ્છ રહે છે અને રોગચાળાનો ફેલાવો થતો નથી. પરિણામે માનવ અને પાળેલાં જાનવરો સ્વાસ્થ્યમય જીવન ગુજારી શકે છે. મોટે ભાગે શહેરના ગંદા પાણીને એકઠું કરીને તેને દરિયા કે નદી જેવાં જળાશયોમાં ઠાલવવામાં આવે છે. પરિણામે આવાં જળાશયો દૂષિત બનતાં તેમાં વસતા જીવજંતુ-જલજીવો નાશ પામે છે. મીઠાં જળાશયોના આવા પાણીના ઉપયોગથી ખાસ કરીને ઢોર પર તેની વિપરીત અસર થાય છે. ક્વચિત્ તે મૃત્યુ પામે છે; પરંતુ યોગ્ય ઉપચાર દ્વારા સેન્દ્રિય ઘન પદાર્થોને એકત્ર કરવાથી તેમાંથી ગૅસનું ઉત્પાદન સરળ બને છે અને શેષભાગને ખાતર તરીકે વાપરી શકાય છે. પાણીનો ઉપયોગ ખેતરો તેમજ બાગબગીચામાં પિયત તરીકે થાય છે.

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગે ભારતમાં ગોબર-ગૅસનું ઉત્પાદન વધારવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. 1960ના અરસામાં તેણે ગૅસ પ્રાપ્ત કરવા માટે એક પ્રમાણિત યંત્રસાધન(mechanism)ની રચના કરી. આ સાધનમાં સિમેન્ટની બનેલી કૂવા જેવી એક ટાંકી હોય છે. એક સાદી દીવાલ દ્વારા તેને બે સરખા વિભાગોમાં વહેંચવામાં આવે છે. આ ટાંકીની પાસે એક નાની ટાંકી બાંધવામાં આવે છે. તે એક સિમેન્ટ નળી દ્વારા મુખ્ય ટાંકીના નીચેના ભાગ સાથે જોડાયેલી હોય છે. આ ટાંકીમાં છાણમિશ્રિત પાણી (છાણ 4 : પાણી 5 ભાગ) બનાવવામાં આવે છે. આ મિશ્રણને મુખ્ય ટાંકીની નીચેના ભાગમાં છોડવામાં આવે છે. ટાંકીના ઉપલા ભાગમાં વાયુસંગ્રાહક વાસણ આવેલું હોય છે. તે ટોપીની જેમ ટાંકી પર બંધ બેસે છે. વાયુનું ઉત્પાદન થતાં તે એક નળી દ્વારા સંગ્રાહકમાં એકઠો થાય છે. આ સંગ્રાહકમાં ગૅસનું દબાણ 7.5 સેમી.થી 15.0 સેમી. જલદાબસ્તંભ(hydraulic pressure column) જેટલું હોય છે. ગોબર-ગૅસને બહાર કાઢવા લોખંડની નળી ગોઠવવામાં આવે છે. આ નળીમાંથી જરૂરી પ્રમાણમાં ગૅસને બહાર કાઢવામાં આવે છે.

મુખ્ય કૂવામાં અસંખ્ય અવાતજીવી બૅક્ટેરિયા વાસ કરતા હોય છે. તે ઑક્સિજનવિહોણા પર્યાવરણમાં ક્રિયાશીલ બને છે અને આથવણની પ્રક્રિયા દ્વારા છાણમિશ્રણનું વિઘટન કરે છે. આ એક અપૂર્ણ પ્રક્રિયા છે કારણ કે આથવણમાં બધા જ કાચા માલનો ઉપયોગ ગૅસ બનાવવામાં થતો નથી. બૅક્ટેરિયા આ મિશ્રણમાંથી પોષક તત્ત્વો મેળવવા ઉપરાંત ATP રૂપે કાર્યશક્તિને સંઘરે છે. પ્રક્રિયા દરમિયાન મિથેન અને કાર્બન-ડાયૉક્સાઇડ વાયુઓ પેદા થાય છે. શેષ ઘન પદાર્થ ખાતર તરીકે વપરાય છે. ખાતરને કૂવામાંથી બહાર કાઢવા અલગ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે.

ગોબર-ગૅસની પેદાશમાં જે તે સ્થળનું હવામાન, પ્રચલિત ખેતી-પદ્ધતિ, પશુઓને આપવામાં આવતો આહાર અને ગોબર એકત્ર કરવાની પદ્ધતિ જેવી બાબતો અગત્યનો ભાગ ભજવે છે. આ બધાં પરિબળોની અસર ગૅસની ગુણવત્તા અને તેના ઉત્પાદન પર થાય છે.

ગોબર-ગૅસની સાધનસામગ્રીમાં સમયે સમયે સુધારાવધારા કરવામાં આવે છે. કૂવા વિવિધ કદ અને આકારના હોઈ શકે. 3થી 4 જાનવર ધરાવતા 4થી 5 વ્યક્તિના કુટુંબ માટે વપરાતી વૈયક્તિક ટાંકી નાની હોય. તેમાંથી દરરોજ 2 ઘ.મી. જેટલું ઇંધન મેળવી શકાય. ઘરમાં પાળેલાં જાનવરોની સંખ્યા વધારે હોય તો તેને અનુલક્ષીને મોટો કૂવો બનાવવામાં આવે છે. ગામડાનાં બધાં રહેઠાણોમાંથી ગોબર અને સેન્દ્રિય દ્રવ્યોને એકઠાં કરી એક મોટા સામૂહિક કૂવાની રચના પણ કરી શકાય. તે જ પ્રમાણે માનવમળમૂત્રને તેમાં ઠાલવી શકાય અથવા તો તે માટે સ્વતંત્ર કૂવો બનાવી શકાય.

સંગ્રહ કરેલા ગૅસનો ઉપયોગ જરૂર હોય ત્યારે જોઈતા પ્રમાણમાં કરી શકાય છે. ગૅસના ચૂલામાં પણ ગૅસના પ્રમાણમાં વધઘટ કરવાની સુવિધા હોય છે. ગૅસમાંથી પ્રકાશ પણ મેળવી શકાય છે. વળી ગોબર-ગૅસનો ઉપયોગ કરીને એન્જિન ચલાવવામાં આવે છે. આમ ગોબર-ગૅસ માનવને અનેક રીતે ઉપયોગી નીવડે છે.

જંગલોનો વિનાશ થતો અટકાવવા બળતણ માટે લાકડાનો ઉપયોગ ઘટાડવો તે અનિવાર્ય બન્યું છે. વળી લાકડાં બાળવાથી ધુમાડો અને મેશ નીકળ્યાં કરે છે. તે સ્વાસ્થ્યની ર્દષ્ટિએ હાનિકારક છે. તે પર્યાવરણને દૂષિત બનાવવા ઉપરાંત આંખ અને શ્વસનતંત્ર પર માઠી અસર કરે છે. મેશને લીધે રસોઈમાં વપરાતાં વાસણ કાળાં પડે છે. ગોબર-ગૅસ માટે સેન્દ્રિય કચરો વપરાતો હોવાથી ગામડું સ્વચ્છ રહે છે અને સ્વાસ્થ્ય જળવાય છે. ધુમાડો, કાર્બન-મૉનોક્સાઇડ વગેરેના અભાવે વાતાવરણ સ્વચ્છ રહે છે. વળી ગોબર-ગૅસનું ઉત્પાદન આર્થિક ર્દષ્ટિએ પણ અત્યંત લાભદાયક નીવડે છે.

સુરેશભાઈ ઘેલાભાઈ દેસાઈ

બી. વી. પટેલ