ગૉફ ટાપુ : આફ્રિકા તથા દક્ષિણ અમેરિકા ભૂમિખંડો વચ્ચેના દક્ષિણ આટલાન્ટિક મહાસાગરમાં આશરે 40° 20´ દ. અ. અને 10° 00´ પ. રે. પર આવેલો બ્રિટનના તાબાનો ટાપુ. તે દક્ષિણ આટલાન્ટિક મહાસાગરમાં આવેલા ટ્રિસ્ટાન દા કુન્હા જૂથના ત્રણ નાના નાના ટાપુઓથી લગભગ 400 કિમી. દૂર દક્ષિણ-પૂર્વમાં આવેલો છે. ઈ. સ. 1938થી ગૉફ ટાપુ તથા ટ્રિસ્ટાન દા કુન્હા જૂથના ટાપુઓને સેન્ટ હેલેનાના બ્રિટિશ સંસ્થાનમાં જોડવામાં આવ્યા છે.

આશરે 13 કિમી. લંબાઈ અને 6.5 કિમી. પહોળાઈ ધરાવતો આ ટાપુ જ્વાળામુખી-પ્રક્રિયાથી બનેલો છે. તેના મધ્ય ભાગમાં આવેલા ઉચ્ચપ્રદેશનું એડિનબરો નામનું શિખર આશરે 888 મી. ઊંચું છે. આ ઉચ્ચપ્રદેશ ઊંડી ખીણો તથા ઊભી કરાડોવાળી લાંબી ટેકરીઓની લાક્ષણિકતા ધરાવે છે. ઉચ્ચપ્રદેશમાંથી વહીને આવતું ઝરણાનું પાણી આશરે 60થી 500 મી.ની ઊંચાઈ ધરાવતી દરિયાકાંઠા પરની ખડકાળ કરાડો પરથી નાના નાના જળધોધ રૂપે પડે છે ત્યારે અહીં સુંદર ર્દશ્યો રચાય છે.

ગૉફ ટાપુ નિર્જન છે, પણ અહીં એક હવામાન-મથક આવેલું છે. આ ટાપુ પર નાનાં નાનાં માછલાં પર નભતા ગ્વાનો પક્ષીઓની હગારના થર પથરાયેલા હોય છે, જેનો ઉપયોગ ખાતર બનાવવામાં થાય છે. આ ટાપુ પર ફૂલોવાળી વનસ્પતિની કેટલીક જાતો ઊગે છે. આ સિવાય અહીંનાં યાયાવર દરિયાઈ પક્ષીઓમાં ‘સીબર્ડ’ તથા પ્રાણીઓમાં સીલનો સમાવેશ થાય છે.

બીજલ પરમાર