ગોપુરમ્ – મદુરાઈ : તમિલનાડુના વૈગઈ નદીના જમણા કાંઠા પર વસેલા સાંસ્કૃતિક નગર મદુરાઈના મીનાક્ષી સુંદરેશ્વરનાં જોડિયાં મંદિરનાં દ્વાર. સુંદરેશ્વર એટલે શિવ અને મીનાક્ષી એ તેમની અર્ધાંગિની. આ બંનેનાં મંદિરો અહીં સાથે બંધાયેલાં છે. જૂના મદુરાઈ શહેરની મધ્યમાં આ મંદિરો આવેલાં છે. પાંડ્ય રાજાએ તેમના શાસનકાળ દરમિયાન બંધાવેલી મૂળ વસ્તુ (મલેક કાફૂરના આક્રમણ દરમિયાન) નષ્ટ થઈ હતી છતાં સુંદરેશ્વર અને મીનાક્ષીની મૂર્તિઓ સુરક્ષિત રહી હતી. નાયક રાજાઓના શાસનકાળ દરમિયાન આ મંદિરોની પુનર્રચના કરવામાં આવી હતી.

આ મંદિરનું કુલ ક્ષેત્રફળ 5.6 હેક્ટર જેટલું છે. તેની આજુબાજુમાં ફરતો તટ છે અને તેની ચારે દિશાઓમાં દ્વાર છે. તટની અંદરના ભાગમાં નાનાંમોટાં કુલ 27 ગોપુરમ્ છે. આ ગોપુરમમાંથી પ્રવેશતી વખતે ભાવિકોનું ધ્યાન ગર્ભગૃહ પર શ્રદ્ધાથી કેન્દ્રિત થતું રહે તેવી તેની રચના કરવામાં આવી છે. પૂર્વ તરફના ગોપુરમમાંથી અંદર દાખલ થતાં ‘પુદુ મંડપ’ (નવો મંડપ) આવે છે જે તિરુમલ રાજાએ બંધાવેલો છે. તેના પરનું નકશીકામ આકર્ષક છે. દક્ષિણ તરફના ગોપુરમનાં શિખરો પરનું નકશીકામ પણ તેના સૌંદર્ય માટે વિખ્યાત છે.

આ નગરનાં મંદિરોની ભવ્યતા અને સૌંદર્યને લીધે મદુરાઈ દક્ષિણ ભારતનું ઍથેન્સ કહેવાય છે.

મન્વિતા બારાડી