ગોપુરમ્ : નગરદ્વાર કે મંદિરનું પ્રવેશદ્વાર. ‘પુર’ના પ્રવેશદ્વાર તરીકે રામાયણમાં ‘ગોપુરમ્’ શબ્દ પ્રયોજાયો છે. જે દ્વારેથી ગાયો ચરવા નીકળતી હોય તેને આર્યો પોતાની વસાહતમાં ગોપુરમ્ તરીકે ઓળખાવતા હોવા જોઈએ. સમય જતાં ગ્રામ અને નગરોનાં નિશ્ચિત પ્રવેશદ્વારોનું એવું નામાભિધાન થવા માંડ્યું હશે, પણ પછી દક્ષિણ ભારતનાં મંદિરોનાં પ્રવેશદ્વારો એ રીતે ઓળખાવા માંડ્યાં. મંદિરમાં પ્રવેશ માટે ચારે દિશાઓમાં ગોપુરમ્ બાંધવામાં આવતાં. ધર્મ અને મંદિરોની સત્તા વધતી ગઈ તેમ તેમ પ્રતીક તરીકે આ પ્રવેશદ્વારોનાં કદ અને ઊંચાઈ મોટાં થતાં ગયાં.

‘ગોપુરવિધાન’ ગ્રંથમાં મંદિરના ગર્ભગૃહ સુધીમાં બંધાયેલાં પ્રવેશદ્વારોનાં આવાં નામ છે : મંદિરના પ્રથમ આંગણ –અંતરમંડપના ગોપુરમને દ્વારશોભા, અંતરદ્વારને દ્વારશાલા, મધ્યદ્વારને દ્વારપ્રાસાદ, પ્રાકારને દ્વારહાર્ય.

જોકે પલ્લવશૈલીના ઉદભવ પહેલાં સમુદ્રકાંઠાનાં મહાબલિપુરમ્ મંદિરોની આજુબાજુની દીવાલોમાં પૂર્વ અને પશ્ચિમે જ પ્રવેશદ્વારો હતાં; ગોપુરના પ્રવેશપથ પર એકી સંખ્યાના માળ હતા. અને જેટલા માળ હોય તેટલા સ્તૂપી ટોચ ઉપર હોય. પ્રવેશની બંને બાજુએ એકસરખા ખંડો હોય. આ આખાય બાંધકામ પર ધર્મનાં પ્રતીકો, દેવો, રાક્ષસો, યક્ષો વગેરેનું રમણીય કોતરકામ હોય.

ગોપુરમ્

મન્વિતા બારાડી