ગોપાલ ભાંડ (સોળમી શતાબ્દી) : બંગાળી લોકકથાનું પાત્ર. અઢારમી સદીના મધ્યભાગ દરમિયાન નવદ્વીપના રાજા કૃષ્ણચન્દ્ર રાયનો તીવ્ર બુદ્ધિ ધરાવતો વિખ્યાત દરબારી. રાજાને જ્યારે જ્યારે કોઈ સમસ્યાના ઉકેલમાં મૂંઝવણ થતી, ત્યારે ગોપાલ ભાંડની સલાહ પ્રમાણે સમસ્યા ઉકેલતા. અકબરના દરબારના બીરબલ અથવા દક્ષિણના તેનાલીરામ જેવી જ એની પ્રતિભા હતી. એ પોતાની અવનવી તરકીબોથી રાજાનું મનોરંજન કરતો. એક મત અનુસાર એ જાતનો નાપિત હતો અને શાન્તિપુરનો રહેવાસી હતો, જ્યારે બીજા મત પ્રમાણે એ કાયસ્થ હતો અને ગુપ્તિપાડા ગામમાં એનું બાળપણ વીત્યું હતું. એના વિશેના લોકોમાં પ્રચલિત અનેક પ્રસંગો સંગૃહીત થયા છે. એનું હાસ્ય બૌદ્ધિક હતું, જે એની હાજરજવાબી શક્તિને કારણે સર્વ પ્રકારના લોકોને રીઝવે એવું હતું. ‘ભાંડ’નો અર્થ વિદૂષક એવો થાય છે.
ચન્દ્રકાન્ત મહેતા