ગોપાલપુર : ઓડિસાના ગંજામ જિલ્લામાં ઈશાન ખૂણે બંગાળની ખાડી ઉપર આવેલું પરાદીપ પછીનું રાજ્યનું એકમાત્ર ખુલ્લું બંદર. ચોમાસામાં 15મી મેથી 15મી સપ્ટેમ્બર દરમિયાન બંદર વાહનવ્યવહાર માટે બંધ રહે છે. કાંઠાથી 0.8 કિમી. દૂર 9.15 મી. જેટલું ઊંડું પાણી રહે છે. કાંઠાથી 1.2 કિમી. દૂર લંગરસ્થાન છે. અહીં પાણીની ઊંડાઈ 13.6 મી. રહે છે. 16 કિમી.ની ત્રિજ્યામાં આવેલો તેનો પીઠપ્રદેશ છે. આ બંદર બેરહામપુરના અગ્નિખૂણે 14.5 કિમી. દૂર આવેલું છે. બસમાર્ગ દ્વારા બેરહામપુર સાથે જોડાયું છે. ડાંગર, તેલીબિયાં, અડદ મુખ્ય પાક છે. અહીં તેલ-મિલો અને ડાંગર છડવાની મિલો આવેલી છે. નજીકના આસ્કામાં ખાંડનું કારખાનું છે, જ્યારે રસેલકોંડામાં શણની ગાંસડી બાંધવાનું કારખાનું છે. ખેતી ઉપરાંત મચ્છીમારીનો ગૌણ ઉદ્યોગ મહત્વનો છે. મીઠું, ખાતર અને કેરોસીનની આયાત અને શણ ને ડાંગરની નિકાસ મુખ્ય છે. કૉલકાતા સાથે તેનો દરિયાઈ વેપાર છે. ઓરિસા સરકારે આ બંદરને મધ્યમ કક્ષાના બંદર તરીકે ખીલવવા નિર્ણય કરતાં તેની આયાત-નિકાસ વધી છે. વસ્તી આશરે 408 (2011) છે.

શિવપ્રસાદ રાજગોર