ગોપાલન્, એ. કે. (જ. 1 ઑક્ટોબર 1902, માલિવયી, કેરળ; અ. 21 માર્ચ 1977, તિરુવનંથપુરમ્) : માર્કસવાદી સામ્યવાદી પક્ષના નેતા તથા અગ્રણી સાંસદ. સામંતશાહી કુટુંબમાં જન્મ. પિતા પ્રગતિશીલ વિચારસરણીના મલયાળમ સાપ્તાહિકોના તંત્રી. તેમણે એક માધ્યમિક શાળા શરૂ કરેલી. તેઓ તાલુકા બોર્ડના ચૂંટાયેલા સભ્ય પણ હતા. માતા તરફથી જાહેર પ્રવૃત્તિ માટે પ્રોત્સાહન મળતું. શિક્ષકોની તાલીમના અભ્યાસક્રમ (Teachers’ Training Course) પછીનાં સાત વર્ષ સુધી શિક્ષક તરીકેની નોકરી કરી. તે દરમિયાન જાહેર જીવનની પ્રવૃત્તિઓ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે ખાસ વર્ગો ચલાવતા. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગ્રત કરવા તેઓ પ્રયત્નશીલ રહેતા.
શરૂઆતમાં તેઓ કૉંગ્રેસમાં જોડાયા હતા અને ખાદીનો પ્રચાર તથા પ્રૌઢશિક્ષણની પ્રવૃત્તિમાં સક્રિય ભાગ લેતા. 1930માં તેઓ ગાંધીજીએ ચલાવેલા મીઠાના સત્યાગ્રહમાં જોડાયા. 1930ની અસહકાર ચળવળમાં તથા 1932માં ગુરુવાયુર મંદિરપ્રવેશ સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી તથા તેમને છ માસની સજા ફરમાવવામાં આવી હતી.
1934માં તેઓ કૉંગ્રેસ સમાજવાદી પક્ષમાં જોડાયા તથા ઈ. એમ. એસ. નમ્બૂદ્રિપાદ અને પી. કૃષ્ણપિલ્લૈ જેવા નેતાઓના સહકારથી કેરળ કૉંગ્રેસને ડાબેરી વિચારસરણી તરફ વાળવામાં તેઓ સફળ થયા. 1934–40 દરમિયાન તેઓ અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના સભ્ય હતા. તે દરમિયાન એક વર્ષ તેઓ કેરળ પ્રાંતીય કૉંગ્રેસ સમિતિના પ્રમુખ રહ્યા. 1937માં તેમણે 1,200 કિમી. લાંબી ખેડૂતોની ‘ભૂખ-કૂચ’-(Hunger March)નું નેતૃત્વ કર્યું, જેમાં લાખો ખેડૂતો જોડાયા હતા. તે માટે તેમને નવ માસની સજા થઈ હતી. 1938માં ત્રાવણકોર રિયાસતની નિરંકુશ સત્તાના વિરોધમાં તેમણે કેરળના ખૂણે ખૂણે આંદોલન જગાડ્યું હતું, જે માટે તેમને પુન: કારાવાસની સજા ફરમાવવામાં આવી હતી.
1940માં તેઓ સામ્યવાદી પક્ષમાં જોડાયા અને લોકઆંદોલન ચલાવવા ભૂગર્ભમાં જતા રહ્યા. માર્ચ 1941માં તેમની ધરપકડ થઈ અને વેલ્લોરની જેલમાં બંદીવાન હતા ત્યારે જેલવાસીઓની સ્થિતિ સુધરે તે માટે 18 દિવસની ભૂખ-હડતાળ કરી. સપ્ટેમ્બર 1941માં જેલમાંથી નાસી છૂટ્યા અને તે પછીનાં પાંચ વર્ષ સુધી ભૂગર્ભમાં રહ્યા. 1946માં ચૂંટણીસભામાં ભાષણ કરવા બહાર આવ્યા ત્યારે તેમની ધરપકડ થઈ.
આઝાદી પછી પણ તેમને ભૂગર્ભમાં રહેવું પડ્યું હતું. ડિસેમ્બર 1947માં તેમની ધરપકડ થતાં પ્રતિબંધિત અટકાયતી ધારા સામે તેમણે ચેન્નાઈ ઉચ્ચ ન્યાયાલયમાં હેબિયસ કૉર્પસ અરજી રજૂ કરી, જે મંજૂર રાખવામાં આવતાં તેઓ મુક્ત થયા.
1952–76 સુધીની લોકસભાની દરેક ચૂંટણીમાં તેઓ વિજયી થયા હતા. થોડાક સમય માટે લોકસભામાં સામ્યવાદી પક્ષના નેતાપદે કામ કર્યું. 1964માં સામ્યવાદી પક્ષમાં ભાગલા પડતાં તેઓ માર્કસવાદી સામ્યવાદી પક્ષ(CPM)ના જૂથમાં જોડાયા. તેમના અવસાન સુધી તેઓ આ પક્ષની મધ્યસ્થ સમિતિ(politburo)ના તથા લોકસભાના સભ્ય રહ્યા હતા.
તેમણે અનેક વાર વિદેશપ્રવાસ ખેડ્યો હતો. 1952માં બેજિંગ (પેકિંગ) ખાતે યોજાયેલ વિશ્વશાંતિ પરિષદમાં તથા તે જ વર્ષે મૉસ્કો ખાતે આયોજિત સોવિયેત સામ્યવાદી પક્ષના વાર્ષિક અધિવેશનમાં હાજરી આપી હતી.
તેઓ અખિલ ભારતીય કિસાનસભાના પ્રમુખ હતા.
તેમણે મલયાળમ ભાષામાં લખેલાં સાત પુસ્તકોમાં સોવિયેત સંઘના તેમના પ્રવાસનાં સંસ્મરણો, તેમનું આત્મચરિત્ર તથા કેરળના ભૂતકાળ અને વર્તમાનકાળને આવરી લેતું પુસ્તક વિશેષ ઉલ્લેખનીય છે.
દિલ્હી ખાતેના સી. જે. એમ. પક્ષના વડા મથકના મકાનનું નામ ‘એ. કે. ગોપાલન્ ભવન’ તથા તિરુઅનંતપુરમમાં ‘એ. કે. જી. સેન્ટર’ આ બે તેમની કાયમી સ્મૃતિ છે. ભારત સરકારે એમની યાદમાં એક ટપાલટિકિટ બહાર પાડી હતી.
તેમનાં બીજી વારનાં પત્ની સુશીલા ગોપાલન્ 1967–71 દરમિયાન માકર્સવાદી પક્ષ વતી લોકસભાનાં સભ્ય હતાં.
સુબોધ મહેતા
બાળકૃષ્ણ માધવરાવ મૂળે