ગોપાલક ઉપગ્રહ (shephard satellite)

February, 2011

ગોપાલક ઉપગ્રહ (shephard satellite) : Sheepdog તરીકે ઓળખાતો ઉપગ્રહ. શનિનાં વલયોની પાસે પાસે ઘૂમતા ત્રણ નાના ઉપગ્રહો વિશેની માહિતી આપણને 1980–81માં વૉયેજર–1 અને વૉયેજર–2 અંતરીક્ષયાનોએ આપી છે.

શનિના A–વલયની બહારની કિનારીથી લગભગ 4000 કિમી.ને અંતરે એક અતિશય પાતળું F–વલય આવેલું છે. તેની કેટલીક ‘સેર’ એકબીજી સાથે અંદરોઅંદર ગૂંથાયેલી જણાઈ છે. આવી લાક્ષણિક ગૂંથણી થવાના કારણરૂપ લગભગ 200–300 કિમી. વ્યાપના બે નાના ઉપગ્રહો મનાયા છે. તે પૈકીનો એક ઉપગ્રહ આ વલયની બહાર અને બીજો તેની અંદર પણ તેની ખૂબ નજદીક રહીને, શનિની પ્રદક્ષિણા કરે છે. એટલે એવું ર્દશ્ય રચાય છે કે જાણે ભરવાડ અને તેનો કૂતરો અથવા તો બે ભરવાડ પોતાની વચ્ચે ઢોરનું ધણ હાંકીને ચાલ્યા જાય છે.

વૉયેજર–1 દ્વારા 1980માં A–વલયની બહારની કિનારી પાસે રહીને પરિભ્રમણ કરતા 300 કિમી. વ્યાપના એક નાના ઉપગ્રહની શોધ પણ થઈ છે.

પ્ર. દી. અંગ્રેજી