ગોપનું મંદિર : ગુજરાતનું સૌથી જૂનું બાંધેલું મંદિર. જામનગર જિલ્લામાં ભાણવડ પાસે જૂના કે ઝીણાવાટી ગોપમાં આ મંદિર આવેલું છે. તેના અવશિષ્ટ ભાગોમાં નીચે ખાંચાઓવાળો પડથાર, તેની પર જગતી જેવી જુદા જુદા થરોવાળી રચનાની ઉપર આશરે 3.22 મીટર ચોરસનું ગર્ભગૃહ છે.
આ ગર્ભગૃહની ભીંતો નીચેથી સીધી છે. તેમાં આશરે 3.31 મીટર પર ભારપટ્ટો અને છત માટેની રચનાને માટે બનાવેલા ખાંચા છે. તેની ઉપરના કેટલાક થરોવાળા સુશોભિત ભાગો પર ગવાક્ષની બે શ્રેણીની રચનાવાળું શિખર છે. આ શ્રેણીમાં નીચે બે ગવાક્ષો અને ઉપર એક ગવાક્ષ છે. શુકનાસિકા જેવા ગવાક્ષોમાં કેટલાંક શિલ્પો છે અને તેની ઉપર ઘંટાકૃતિ આવરણ છે. શિખર પર અન્ય સુશોભનો છે.
સમગ્ર મંદિર આશરે 6.9 મીટર ઊંચું છે. તેની રચનામાં ભીંતો ધીમે ધીમે અંદર તરફ ઢળતી જઈ શિખર બનાવે છે.
ગુજરાતનું આ સૌથી જૂનું બાંધેલું મંદિર ઈ. સ.ના છઠ્ઠા સૈકા પહેલાંનું હોવાનો મત છે. વિવિધ મત અનુસાર તેનો સમય ચોથીથી છઠ્ઠી સદીનો ગણાય છે.
ર. ના. મહેતા