ગોનોકૉકસ : માનવોના જાતીય ચેપી રોગ પરમિયા માટે જવાબદાર બૅક્ટેરિયા. સંભોગ દરમિયાન આ બૅક્ટેરિયા શરીરમાં મુખ્યત્વે ગ્રીવા અને મૂત્રમાર્ગમાં પ્રસરેલા જોવા મળે છે. સમલિંગકામી (homosexual) વ્યક્તિઓમાં, ખાસ કરીને પુરુષોમાં, બૅક્ટેરિયા મળમાર્ગને ચેપ લગાડે છે. સ્ત્રીઓમાં તે ફૅલોપિયન નલિકા સુધી પ્રસરતા હોય છે. પરિણામે સ્ત્રીના નિતંબ પ્રદેશમાં સોજો આવે છે અને વંધ્યત્વ પ્રાપ્ત થાય છે. પરમિયાનો દર્દી સાંધાનો દુખાવો અને હૃદયપટલની ખરાબી જેવાં માઠાં પરિણામોનો ભોગ બને છે. ચેપી માતાને યોગ્ય સારવાર ન મળી હોય તો બાળકોમાં કાયમી અંધાપો આવે છે.
ગોનોકૉકસ બૅક્ટેરિયા ગ્રામઋણી, વાયુજીવી (areobic), બીજાણુ(spore)રહિત અને અચલિત (immobile) હોય છે. ઑક્સિડેઝ અને કેટેલેઝ કસોટી દ્વારા તેને પારખી શકાય. તેના કોષો લંબગોળ હોય છે. તેમનો પરિઘ 0.6થી 1.0 m જેટલો હોય છે. સામાન્યપણે તે જોડકા રૂપે જોવા મળે છે. જોડકાની અંદરની સપાટી અંતર્ગોળ કે ચપટી હોય છે. ચેપી ત્વચામાંથી બૅક્ટેરિયાને અલગ કરીને ચૉકલેટ-અગાર કે થેયર માર્ટિન માધ્યમમાં તેનું સંવર્ધન કરી શકાય. માધ્યમનું pH 7.2 થી 7.5 અને તાપમાન 35° સે. થી 38° સે. તેને માફક આવે છે.
સારવાર માટે દર્દીઓને પેનિસિલીન અપાય છે. જોકે કેટલાક દર્દીઓને પેનિસિલીન પ્રત્યે અતિસંવેદનશીલતા (allergy) હોય છે, જ્યારે કેટલાક ગોનોકોકાઈ પેનિસિલીન નિષ્ક્રિયક ઉત્સેચકોનું ઉત્પાદન કરતા હોય છે. તેથી દર્દીઓના ઉપચાર માટે ટેટ્રાસાઇક્લિન અને સ્પૅક્ટિનો-માઇસીન સામાન્યપણે વપરાય છે.
સુરેશભાઈ ઘેલાભાઈ દેસાઈ
બી. વી. પટેલ