ગોનિયોમીટર : સ્ફટિકોના આંતરફલક કોણ માપવાનું સાધન. આંતરફલક કોણમાપન માટે બે પ્રકારનાં સાધન ઉપયોગમાં લેવાય છે :

(1) સંપર્ક ગોનિયોમીટર (contact goniometer) : આ સાધન મહાસ્ફટિકોના આંતરફલક કોણ માપવા માટે વપરાય છે. તેની રચનામાં અર્ધગોળાકાર અંકિત કોણમાપકની નીચેની સીધી પટ્ટીના મધ્યબિંદુ સાથે અન્ય એક સીધી પટ્ટી સરળતાથી ફેરવી શકાય તે રીતે સ્ક્રૂથી જડેલી હોય છે. સ્ફટિકના નજીક નજીકના કોઈ પણ બે ફલકો પર કોણમાપક અને પટ્ટીની ધાર સંપર્કમાં રહે તે રીતે ગોઠવીને અંકિત ગોળાકાર પરથી આંતરફલક કોણ જાણી શકાય છે. આ રીતે મળતો ખરેખર કોણ બે ફલકો વચ્ચેનો હોય છે, જેને 180°માંથી બાદ કરવાથી આંતરફલક કોણ મળે છે. આ સાધન દ્વારા મેળવાતા આંતરફલક કોણ પ્રમાણમાં ઓછી ચોકસાઈવાળા ગણાય છે.

સંપર્ક ગોનિયોમીટર

(2) પરાવર્તિત અથવા પ્રકાશીય ગોનિયોમીટર (reflecting or optical goniometer) : આ સાધન લઘુ સ્ફટિકોના આંતરફલક કોણ જાણવા માટે વધુ અનુકૂળ થઈ પડે છે અને વધુ ચોકસાઈપૂર્વક ગણતરી થઈ શકે છે. સામાન્ય સ્વરૂપમાં ઉપયોગમાં લેવાતા પરાવર્તિત કોણમાપકમાં ઊભી સ્થિતિમાં ફેરવી શકાય એવું અંકિત વર્તુળ હોય છે, જેને કાટખૂણે એક ક્ષિતિજ સમાંતર પટ્ટી જડેલી હોય છે. આ ક્ષિતિજ સમાંતર ભુજ પર અરીસો જડેલો હોય છે. અંકિત વર્તુળની મધ્યમાં સ્ફટિક ફલક એવી રીતે ગોઠવવામાં આવે છે, જેથી ફલકની ધાર પટ્ટીને સમાંતર રહે. અરીસામાંથી થતા ફલકધારના પ્રતિબિંબનું નિરીક્ષણ થાય છે. ત્યારબાદ એ જ રીતે બીજી ફલકધારનું પ્રતિબિંબ જોવાય છે. આ રીતે બે સ્ફટિકફલકોના લંબ વચ્ચેનો કોણ ભ્રમણના પ્રમાણની ગણતરી દ્વારા મેળવી શકાય છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રતિબિંબ અને ગણતરી સમજી શકાય :

સ્ફટિકના AB ફલકમાંથી પરાવર્તિત પ્રકાશ ABCD સ્થિતિમાં આંખ દ્વારા દેખાય. હવે સ્ફટિકને AB અને AD ફલકો વચ્ચેની ધાર પર ફેરવવામાં આવે, જેથી AD ફલક dA સ્થિતિ પ્રાપ્ત કરે, જેમાં dA અને AB એક સીધી રેખાકીય સ્થિતિમાં આવે. આ રીતે સ્ફટિકનું ભ્રમણ dAD કોણ રચે છે, જે AB અને AD ફલકો વચ્ચેના આંતરકોણનો પૂરક બની રહે છે તેથી આંતરફલક કોણ જાણી શકાય છે.

ગિરીશભાઈ પંડ્યા