ગોધરા : પંચમહાલ જિલ્લાનું જિલ્લામથક તથા તાલુકામથક તરીકેની કક્ષાવાળું શહેર. ભૌગોલિક સ્થાન : આ શહેર 22° 47´ ઉ. અ. અને 73° 37´ પૂ.રે.ની આજુબાજુનો 1019.2 ચોકિમી. તાલુકા વિસ્તાર ધરાવે છે. આ તાલુકામાં ગોધરા શહેર ઉપરાંત 162 ગામો આવેલાં છે. આ તાલુકાના સબડિવિઝનમાં ગોધરા, કાલોલ, હાલોલ, જાંબુઘોડા, લુણાવાડા અને શહેરા તાલુકાઓનો સમાવેશ થાય છે.
ગોધરા તાલુકો અને શહેર સમુદ્રથી દૂર હોઈને તેની આબોહવા ગરમ અને વિષમ રહે છે. જાન્યુઆરી અને જુલાઈ માસનાં સરેરાશ તાપમાન અનુક્રમે 27° સે. અને 30.4° સે. રહે છે. સૌથી વધુ તાપમાન મે માસમાં સરેરાશ 39.4° સે. રહે છે. અહીં સરેરાશ વરસાદ 1025 મિમી. જેટલો પડે છે.
આ તાલુકાનો જંગલવિસ્તાર 21,745 હેક્ટર છે. અહીંની જંગલ-પેદાશોમાં ઇમારતી લાકડાં, ગુંદર, ઘાસ, વાંસ, મહુડાનાં ફૂલ, આમળાં, અરીઠાં, ટીમરુનાં પાન વગેરેનો સમાવેશ થાય છે.
આ તાલુકામાં મગફળી, બાજરી, જુવાર, મકાઈ અને કપાસ મુખ્ય પાક છે. ગોધરામાં મકાઈ અને એરંડા પીલવાની, ડાંગર ભરડવાની અને લાકડાં વહેરવાની મિલો; હાડકાં પીસવાનું, રસ્તા અને બાંધકામ માટેના મેટલનું તથા સાબુનું કારખાનું વગેરે છે.
ગોધરા અમદાવાદ-ઇંદોર ધોરી માર્ગ પર આવેલું છે. તે મુંબઈ-વડોદરા-દિલ્હી બ્રૉડ ગેજ રેલવે તથા ગોધરા-લુણાવાડા નૅરો ગેજ રેલવેનું મુખ્ય જંક્શન છે. અન્ય તાલુકા મથકો સાથે તથા નજીકનાં મોટાં શહેરો સાથે તે રાજ્ય-પરિવહનની બસસેવા દ્વારા જોડાયેલું છે. આમ, તેના મધ્યસ્થ સ્થાનને કારણે તે વેપારી કેન્દ્ર બની રહ્યું છે.
આ શહેરમાં રાષ્ટ્રીય બૅંકો, વિવિધ સહકારી બૅંકો ઉપરાંત જમીનવિકાસ બૅંકની શાખાઓ પણ છે. અહીં વીજળી, પાણી, રસ્તા તથા આરોગ્યવિષયક સુવિધાઓ પણ છે. આ ઉપરાંત શહેરમાં પ્રાથમિક શાળાથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીની શૈક્ષણિક સગવડો ઉપલબ્ધ છે.
આ તાલુકાની વસ્તી 4,08,156 (2022) છે. તાલુકામાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ 84.73 ટકા છે. દર હજારે સ્ત્રીઓનું પ્રમાણ 930 છે. અહીં વહોરા, ઘાંચી તથા શાહુકારોનાં ભવ્ય મકાનો આવેલાં છે. આ શહેરમાં અવારનવાર કોમી રમખાણો થયેલાં નોંધાયેલાં છે. અહીં અનેક સરકારી કચેરીઓ આવેલી છે.
ગોધરાનું પ્રાચીન નામ ‘ગોદ્રહક’ હતું જેનું અપભ્રંશ થઈને ‘ગોધરા’ થયેલું છે. વલભીના મૈત્રક રાજા શીલાદિત્ય છઠ્ઠાની ઈ. સ. 758માં અહીં છાવણી હતી. દાહોદના ઈ. સ. 1155–56ના અભિલેખમાં ગોધરાનો ઉલ્લેખ મળે છે. તે મહામંડલેશ્વરનું અધિષ્ઠાન અને મંડળનું વડું મથક હતું. સોમેશ્વરદેવે ‘કીર્તિકૌમુદી’માં (13મી સદી) વીરધવલ વાઘેલાના સમયમાં એને દગો દઈને ગોદ્રહક અને લાટના ગુજરાતી શાસકો મેરુદેશના રાજાઓ સાથે ભળી ગયા હતા એમ જણાવ્યું છે. ‘પુરાતન પ્રબંધસંગ્રહ’ અને ‘પ્રબંધકોશ’ પ્રમાણે તેજપાળ ગોધરાના રાજા ઘૂઘુલને કેદ કરી ધોળકા લઈ ગયો હતો. ત્યાં તેનું અપમાન થતાં તે જીભ કરડીને મરી ગયો હતો. ‘વિવિધતીર્થ કલ્પ’ પ્રમાણે ઋષભદેવને અનેગ મંડળોનાં ગામો અર્પણ કરાયાં હતાં, તેમાં ગોદ્રહકનો પણ સમાવેશ થયેલો. ‘ધર્મારણ્યખંડ’માં રામે મોઢ બ્રાહ્મણોને જે ગામો દાન આપ્યાં હતાં તેમાં ‘ગોધરી’નો ઉલ્લેખ છે, જે કદાચ આ નગર પણ હોય.
શિવપ્રસાદ રાજગોર
નીતિન કોઠારી