ગોધૂલિ : ભારતીય સંસ્કૃતિમાં મહત્વ પામેલ ગાયના મહિમા વિશેની ફિલ્મ. ગ્રામજીવનની સંસ્કૃતિ અને શહેરની ‘સભ્યતા’ વચ્ચેનું અંતર પણ આમાં જોવા મળે છે. હેતુપુર:સર નિર્માણ થયેલી આ ફિલ્મ સાથે બુદ્ધિજીવીઓનો એક મોટો વર્ગ સંકળાયેલો છે.

ફિલ્મનિર્માણને લગતી વિગતો આ પ્રમાણે છે : નિર્માણસંસ્થા : મહારાજા મૂવીઝ; નિર્માણવર્ષ : 1977; પટકથા-દિગ્દર્શન : ગિરીશ કર્નાડ, બી.વી. કારંત; સંગીત : ભાસ્કર ચંદાવરકર; છબીકલા : એ.કે. બીર તથા પ્રમુખ કલાકારો : નસિરુદ્દીન શાહ, કુલભૂષણ ખરબંદા, લક્ષ્મી કૃષ્ણમૂર્તિ અને પૌલા લિન્ડસે.

હિંદુ ધર્મમાં પુણ્યકોટી ગાય પૂજનીય ગણાય છે. આ પુણ્યકોટી ગાયની એક દંતકથા છે : એક દિવસ જંગલનું ઘાસ ચરીને આ ગાય પાછી ફરતી હતી ત્યારે એક વાઘે તેના ઉપર હુમલો કર્યો. ગાયે વાઘ પાસે થોડી ક્ષણો માટે જીવતદાન માગ્યું, જેથી તે ઘેર જઈને ભૂખ્યાં વાછરડાંને સંતોષી તેમને આખરી વિદાય આપી શકે. વાઘે આ વિનંતી માન્ય રાખી અને વાઘના આશ્ચર્ય વચ્ચે થોડી મિનિટોમાં ગાય ત્યાં પાછી આવી. આવી પુણ્યાત્મા ગાયનું ભક્ષણ કરીને પેટ ભરવા કરતાં વાઘે ભૂખ્યા રહીને મૃત્યુ પસંદ કર્યું.

કાલેનહલ્લી ગામના મુખિયા ગૌદજ્જા પાસે આ પુણ્યકોટી ગાયના વંશની ગાયો છે એમ કહેવાતું. વાઘના પંજામાંથી આવી ગાયને ઉગારવા તેનો પુત્ર મૃત્યુને ભેટ્યો હતો. ગામમાં દંતકથાની પુણ્યકોટી ગાયનું અને બીજું ગૌદજ્જાના પુત્રનું – એમ બે સ્મૃતિસ્થાનો સાથે સાથે હતાં.

ફિલ્મની શરૂઆત ગૌદજ્જાની આવી પડેલી સમસ્યાથી થાય છે. આ સ્મૃતિસ્થાન અને તેની આસપાસની વિશાળ જગ્યા જ્યાં ગાયો ચારો ચરતી હતી, તે ભાગ રસ્તો તૈયાર કરવા માટે સરકારે કબજે કર્યો હતો. ગૌદજ્જા અને વિધવા પુત્રવધૂ તાયબા માટે આ સ્મૃતિસ્થાનનો નાશ અસહ્ય હતો; પરંતુ તેઓ પરિસ્થિતિ સામે લાચાર હતાં. વૃદ્ધ ગૌદજ્જા મૃત્યુ પામ્યો; પરંતુ તેને આશા હતી કે વિદેશમાં અભ્યાસ કરી રહેલો તેનો પૌત્ર જ્યારે ગામમાં પાછો ફરશે ત્યારે તે આ સમસ્યાનો જરૂર ઉકેલ લાવશે.

નંદન અમેરિકાથી પાછો આવે છે ત્યારે તે સાથે તેની અમેરિકન પરણેતરને પણ લઈ આવે છે; પરંતુ સમસ્યા તો ગૂંચવાતી જાય છે. સરકાર રસ્તો બદલવાના પ્રૉજેક્ટમાં કોઈ પણ ફેરફાર કરવા તૈયાર ન હતી. વળતર રૂપે નંદનને થોડી જમીન આપવામાં આવી. નંદને આ જમીન ઉપર ખેતીની આધુનિક પદ્ધતિનો અમલ શરૂ કર્યો. નંદને જ્યારે મંદિરના તળાવમાં પંપસેટ લગાવ્યો ત્યારે મંદિરના પૂજારી વ્યંકટેશે તેનો વિરોધ કર્યો. વ્યંકટેશ નંદનનો બાળપણનો મિત્ર હતો. આ વાતાવરણને વધુ ડહોળું બનાવ્યું નંદનની અમેરિકન પત્ની લિડિયાએ. તાયબા અને લિડિયા વચ્ચે સારા સંબંધો બંધાતા હતા; પરંતુ સંસ્કૃતિનો એક મોટો તફાવત બંને વચ્ચે હતો. ગામમાં વાત ફેલાઈ કે લિડિયા ભોજનમાં ગાયનું માંસ લે છે. આ ચકચાર ગંભીર બનતાં નંદને જે પંપસેટ લગાવ્યો હતો તે દૂર કર્યો; પરંતુ આધુનિક પુત્ર અને જુનવાણી માતા વચ્ચે અંતર પડતું ગયું. માતાએ ખેતરની તમામ પુણ્યકોટી ગાયો વ્યંકટેશને ભેટમાં આપી દીધી. માતાના અવસાનના દિવસે જ લિડિયાએ બાળકનો જન્મ આપ્યો.

કથા અહીં બીજો વળાંક લે છે. બાળક માતાનું દૂધ લઈ શકશે નહિ એવો અભિપ્રાય વ્યક્ત થતાં એક આયા રાખવામાં આવી. એક દિવસ આયા બીમાર પડતાં બાળક ભૂખથી રડવા લાગ્યું. ગામવાસીઓએ સલાહ આપી કે પુણ્યકોટીના આંચળનું દૂધ બાળકને બચાવી લેશે. વ્યંકટેશે આ માટે પુણ્યકોટી આપવાનો ઇન્કાર કર્યો. આખરે ગ્રામવાસીઓની વિનંતીને વશ થઈ વ્યંકટેશ કબૂલ થયો. આ ઘટનાએ નંદનનું હૃદયપરિવર્તન કરાવ્યું. તેનો ગાય માટેનો પૂજ્યભાવ વધી ગયો. વ્યંકટેશે પુણ્યકોટી ગાયો તેને પાછી સોંપી અને વિનંતી કરી કે ઘરડી ગાયોને તેણે કતલખાને વેચી છે તે પાછી લઈ આવે. નંદન દોડતો ત્યાં ગયો. ઘણી બૂમો પાડી પરંતુ ન તો નંદન ગાયોને ઓળખી શક્યો કે ગાયો નંદનને.

ફિલ્મનાં અંતિમ દ્રશ્યો પ્રેક્ષકોની આંખ ભીની થઈ જાય તેટલાં હૃદયદ્રાવક છે.

પીયૂષ વ્યાસ