ગોદાન (1936) : મુનશી પ્રેમચંદની હિંદી નવલકથા. હિંદીની તે સર્વાધિક લોકપ્રિય નવલકથા છે. એમાં મુખ્ય કથાનક હોરીના મુખ્ય પાત્ર દ્વારા નિરૂપાયેલું ગ્રામીણ ખેડૂતનું છે. ગ્રામજીવનની પડખે એમણે પ્રોફેસર મહેતા, મહિલા ડૉક્ટર માલતી, મિલમાલિક ખન્ના તથા એની પત્ની ગોવિંદી દ્વારા શહેરી જીવનની ઉપકથા પણ સાંકળી છે, જેથી સાંપ્રતકાલીન બંને પ્રકારના વિરોધની ઘેરી છાપ પડે.
મુખ્ય કથાનક ગાયની આસપાસ ગૂંથાયેલું છે. અવધના બેલારી ગામમાં ખેડૂત હોરી, તેની પત્ની ધનિયા, પુત્ર ગોબર તથા સોના તથા રૂપા પુત્રીઓ એમ પાંચ જણનું કુટુંબ છે. જમીનદાર હોરીનું શોષણ કરે છે. એક વાર જમીનદારને ત્યાં જતાં ભોલા નામના બીજા ખેડૂતની ગાયને જોઈ હોરીને ગાય ખરીદવાની તીવ્ર ઇચ્છા થાય છે. ભોલાને બીજાં લગ્ન કરાવવાની લાલચ આપીને તથા ગાયને મફત ભૂસું ખવડાવવાનો લોભ દર્શાવીને તે ગાય લઈ આવે છે. આમ બને છે તેવામાં ભોલાની વિધવા પુત્રી ઝૂનિયા અને હોરીનો ભાઈ હીરો એકબીજાના પ્રેમમાં પડે છે. ગાયને કારણે હીરા તથા ઝૂનિયાને પ્રેમ થયો હોવાથી, હીરાની પત્ની પુનિયા હીરાને ઉશ્કેરી ગાયને ઝેર ખવડાવે છે ને હીરો ઘેરથી ભાગી જાય છે. આમ છતાં હોરીનો વાત્સલ્યપ્રેમ અતૂટ રહે છે અને હીરાના ઘરની તપાસ કરતાં પોલીસને રોકે છે. હીરા–ઝૂનિયાના પ્રેમસંબંધને લીધે ગામમાં એની પર ફિટકાર વરસે છે. તેમ છતાં એ અડગ રહે છે. ખેતીમાં ખૂબ મહેનત કરતાં કશું વળતું નથી. તેથી ઘર ગીરવે મૂકે છે અને હીરાની પત્ની આ આપત્તિનું મૂળ કારણ હોવા છતાં, અને પોતાને આર્થિક ભીંસ હોવા છતાં એને તે મદદ કરે છે. એને એની જ જમીનમાં મજૂરી કરવી પડે છે. એક વાર લૂ લાગતાં એ મરી જાય છે. આમ એની ગાય માટેની ઇચ્છા ફળતી નથી. એની પત્ની ધનિયા ગોરને એના પતિના ઠંડા હાથમાં દિવસભરની કમાણી સવા રૂપિયો છે તે આપતાં કહે છે : ‘મહારાજ, ઘરમાં ગાય નથી, કે નથી પૈસા. આ પૈસા છે. આ જ એનું ગોદાન છે.’
ઉપકથામાં શહેરના રાયસાહેબ, પત્રકાર ઓમકારનાથ, પ્રોફેસર, ડૉક્ટર વગેરે વર્ગપ્રતિનિધિ પાત્રો દ્વારા સામાજિક તથા રાજકીય સમસ્યાઓ દર્શાવાઈ છે. માલતી અને મહેતા પોતાનાં અંગત હિતો છોડીને સમાજસેવામાં લાગી જાય છે.
નવલકથાનો અંત અત્યંત કરુણ છે. એમણે ચારેબાજુથી જીર્ણશીર્ણ થતા સમાજનું સજીવ ચિત્ર આલેખ્યું છે. હોરી દ્વારા પ્રેમચંદની ઉપર સમાજવાદનો પ્રભાવ સ્પષ્ટપણે વરતાય છે. ‘ગોદાન’ એ તત્કાલીન ભારતીય ગ્રામજીવનનું વિશિષ્ટ ચિત્ર છે. ભારતની અનેક ભાષામાં અને અંગ્રેજીમાં એના અનુવાદો થયા છે. રશિયાએ આ નવલકથા માટે એમને પુરસ્કૃત કર્યા હતા. આ કથા પરથી હિંદી ચલચિત્ર પણ તૈયાર થયું છે.
ગીતા જૈન