ગોદામ : વેચાણપાત્ર માલને સંઘરવાનું અને જાળવવાનું સ્થળ. વર્તમાન યુગમાં ઉપભોક્તાઓની માંગની અપેક્ષાએ મોટા પાયા પર ઉત્પાદન થતું હોવાથી, વસ્તુના ઉત્પાદન અને ઉપભોગ વચ્ચેના સમયગાળામાં માલના સંગ્રહ અને જાળવણીના હેતુસર ગોદામો ઉપયોગી બને છે. કેટલીક વાર અમુક વસ્તુઓનું ઉત્પાદન મોસમી હોય પણ ઉપયોગ સતત હોય, તો કેટલીક વસ્તુઓનું ઉત્પાદન સતત હોય પણ ઉપયોગ મોસમી હોય; આ પ્રકારની વસ્તુઓને સાચવવામાં અને તેમાં બગાડ થતો રોકવામાં ગોદામો ચોક્કસપણે સફળ બને છે.

આમ યોગ્ય સંગ્રહ, જાળવણી અને સુરક્ષિતતાની સાથે સાધન અને શક્તિના દુર્વ્યયને રોકવાનો હેતુ પણ ગોદામોની સેવા મારફતે પાર પાડી શકાય છે. ગોદામોને લોકભાષામાં ‘વખાર’ કે ‘કોઠાર’ તરીકે પણ ઓળખાવવામાં આવે છે.

ગોદામોના પ્રકાર : માલિકીના આધારે ગોદામોના (1) ખાનગી ગોદામ અને (2) જાહેર ગોદામ એમ બે પ્રકારો પાડવામાં આવે છે.

(1) ખાનગી ગોદામ : મોટા વેપારીઓ અને ઉત્પાદકો માલસંગ્રહ અને સુરક્ષા માટે પોતાની જ માલિકીનું ગોદામ રાખે તેને ખાનગી ગોદામ કહેવાય છે.

(2) જાહેર ગોદામ : ઔદ્યોગિક વિકાસની સાથે વેપાર-વાણિજ્યનો વિકાસ ઝડપથી થવાના કારણે સંગ્રહ-પ્રવૃત્તિ હવે સ્વતંત્ર વ્યવસાયનું સ્થાન મેળવી ચૂકી છે. વિવિધ કંપનીઓ તથા પેઢીઓ માતબર મૂડીરોકાણ દ્વારા વૈજ્ઞાનિક ઢબનાં આધુનિક સાધનસામગ્રી ધરાવતાં ગોદામો ઊભાં કરીને પોતાનાં ગોદામોમાં અન્ય ઉત્પાદકો-વેપારીઓના માલસામાનના સંગ્રહ અર્થે નિયત સમયના ભાડાથી જગ્યા આપે છે. આવાં ગોદામો ઘણું કરીને વ્યાપારી, ઔદ્યોગિક કે બંદરના વિસ્તારોમાં સ્થપાયેલાં હોય છે.

આ પ્રકારનાં જાહેર ગોદામોમાં માલસંગ્રહ અને તેને આનુષંગિક પ્રવૃત્તિઓના નિયમન–નિયંત્રણ માટે વિવિધ દેશોમાં આવશ્યક ધારાધોરણો હેઠળ ગોદામમાલિકોને પરવાના અપાય છે. વળી તેમાં ઉત્પાદકો–વેપારીઓના માલની સાચવણી, જાળવણી અને વિગતપૂર્ણ નોંધને લગતા નિયમો પણ ઘડવામાં આવેલા હોય છે.

જાહેર ગોદામો પૈકી બંદરવિસ્તારનાં ગોદામોના જે બે પ્રકારો પાડવામાં આવે છે તે મુજબ : (1) જકાત ભરેલ માલના સંગ્રહનાં ખાસ ગોદામો અને (2) જકાત ભર્યા વિનાના માલના સંગ્રહનાં બૉન્ડેડ ગોદામોનો સમાવેશ થાય છે.

(1) ખાસ પ્રકારનાં ગોદામો પૉર્ટ ટ્રસ્ટ, ડૉક કંપની, વેપારી પેઢી કે જહાજી કંપનીની માલિકીનાં હોય છે. તેથી કેટલીક વાર આવાં ગોદામો ડૉક કે વૉર્ફ તરીકે પણ ઓળખાય છે. આયાતકાર વેપારી કે પેઢી આયાતી માલ પર આવશ્યક જકાત ભરવા છતાં માલની તત્કાળ ડિલિવરી લેવાને બદલે આ પ્રકારનાં ગોદામોમાં ગોદી અધિકારીની દેખરેખ હેઠળ માલ મૂકવાનું પસંદ કરે છે. આ ગોદામો પાસે માલવાહક જહાજોમાં માલ ચડાવવા-ઉતારવા માટે આધુનિક યાંત્રિક સાધનોની વ્યવસ્થા પણ હોય છે. તે ઉપરાંત માલની સલામતી – સુરક્ષા માટેનાં સાધનો પણ હોય છે.

(2) બૉન્ડેડ ગોદામો ડૉક કંપનીઓ કે પૉર્ટ ટ્રસ્ટની માલિકીનાં હોય છે. આયાતકાર આ ગોદામોમાં જે માલ રાખે તે માલ પર આયાતજકાત ભર્યા બાદ જ માલનો કબજો મેળવી શકે છે. પુનર્નિકાસ માટેનો માલ આ ગોદામોમાં રાખવામાં આવતો હોય છે; એટલું જ નહિ. પણ જ્યારે માલ છોડાવવો હોય ત્યારે જરૂરી જકાત ભરીને જોઈતા જથ્થામાં છોડાવી શકાય અથવા તેની જકાત ભર્યા વિના બારોબાર પુનર્નિકાસ પણ કરી શકાય છે.

ભારતમાં આ પ્રકારનાં ગોદામોની કાર્યવહી કેન્દ્ર સરકારના જકાત ખાતાના અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ થાય છે. ગોદામમાં માલ મૂકવા અને બહાર કાઢવાની વિધિ આ અધિકારીઓની પરવાનગીથી જ થાય છે. બૉન્ડેડ ગોદામોમાં માલનું વેચાણ, પૅકિંગ, કે મિશ્રણની સગવડો હોય છે. આવી કામગીરી પણ જકાત ખાતાના અધિકારીઓની પરવાનગી અને દેખરેખ હેઠળ જ થાય છે.

પરવાનાવાળાં ગોદામોમાં ગોદામ-સેવાની કામગીરી ગોદામમાલિક તરફથી તેને લગતાં પ્રવર્તમાન ધારાધોરણો અને કાયદાકાનૂનો હેઠળ પરવાનો મેળવીને કરવામાં આવે છે.

આવાં ગોદામોની રચના, બાંધકામ અને વહીવટ સરકારી નિયમો-નિયંત્રણો હેઠળ થાય છે. અન્ય ગોદામોની સરખામણીમાં આ પ્રકારનાં ગોદામો વધુ પ્રતિષ્ઠિત ગણાય છે.

જાહેર ગોદામોમાં માલસંગ્રહને લગતા દસ્તાવેજોનો ખ્યાલ : ડૉક વૉરન્ટ અથવા વેરહાઉસ વૉરન્ટ એટલે ડૉક કંપની કે વેરહાઉસ કંપની તરફથી સંગ્રહ માટે સ્વીકારેલ માલ અંગેની વિવિધ માહિતી દર્શાવતો માલના માલિકને આપવામાં આવેલો લિખિત દસ્તાવેજ. આ દસ્તાવેજમાં માલનું વર્ણન, જથ્થો, વજન, નિશાની, સંગ્રહની તારીખ તથા ડૉક-ગોદામ ભાડાનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ રીતે તે ગોદામમાલિકે સંગ્રહ માટે સ્વીકારેલ માલની પહોંચ કે રસીદ રૂપે હોય છે.

બીજી રીતે આવી રસીદને ડૉકમાલિક અને માલના માલિક વચ્ચેની પારસ્પરિક જવાબદારીઓ અને ફરજો દર્શાવતા કરાર તરીકે પણ ગણાવી શકાય. ડૉક વૉરન્ટમાં એવો પણ નિર્દેશ કરવામાં આવ્યો હોય છે કે સંગ્રહ માટે રખાયેલો માલ, તેના માલિકને કે માલિકની સૂચના મુજબ અન્ય કોઈ વ્યક્તિને સોંપવામાં આવશે.

ડૉક વૉરન્ટ કે વેરહાઉસ રસીદમાં સંગ્રહ માટે આપેલ નિર્દેશિત માલ પરત મેળવતી વખતે માલિકે વૉરન્ટના પૃષ્ઠભાગમાં વૉરન્ટમાં દર્શાવેલ માલસામાનનો કબજો – હવાલો પરત મળ્યો છે તે મતલબનું લખાણ કરીને નીચે પોતાની સહી કર્યા બાદ તે વૉરન્ટ/રસીદ ડૉકમાલિકને પરત કરવી પડતી હોય છે. જોકે આ વિધિના વિકલ્પે ડિલિવરી ઑર્ડર નામનો દસ્તાવેજ તૈયાર કરીને માલ પરત મેળવી શકાય છે.

રોહિત ગાંધી