ગોત્ર-પ્રવર : ગોત્ર એટલે પ્રાચીન ઋષિકુળ અને પ્રવર એટલે ગોત્રના પ્રાચીન ઋષિ એવો અર્થ આજે રૂઢ થયેલો છે.
મૂળમાં ગોત્ર શબ્દનો અર્થ ‘गाव: त्रायन्ते अत्र इति गोत्रम् — એ વ્યુત્પત્તિ અનુસાર ગાયની ગમાણ કે વાડો એવો થતો હતો. પ્રાચીન વૈદિક કાળમાં ઋષિઓ પોતાના આશ્રમોમાં મોટી સંખ્યામાં ગાયો પાળતા. તે ગાયોના રક્ષણ માટે અલગ વાડો બનાવી તેમાં તેમને રાખતા. આવાં ગોત્ર તે ઋષિના નામથી ઓળખાવા લાગ્યાં. દા.ત., વિશ્વામિત્રનો વાડો તે વિશ્વામિત્રનું ગોત્ર. આમ ગોત્ર શબ્દ ઋષિના નામ સાથે જોડાઈ ગયો. વખત જતાં તે તે ઋષિના કુળમાં જન્મેલા વંશજો પણ તે તે ગોત્રથી ઓળખાવા લાગ્યા; દા.ત., વિશ્વામિત્રના કુળમાં જન્મેલા બધા વંશજો વિશ્વામિત્ર ગોત્રના કહેવાયા. આમ ગોત્ર શબ્દ પ્રાચીન અથવા મૂળ ઋષિકુળનો વાચક બન્યો.
સૃષ્ટિના આરંભે બ્રહ્માએ સંકલ્પશક્તિથી સાત માનસપુત્રો ઉત્પન્ન કર્યા. તે સપ્તર્ષિ તરીકે ઓળખાયા. શતપથ બ્રાહ્મણ (14.5.2.6) ગૌતમ, ભરદ્વાજ, વિશ્વામિત્ર, જમદગ્નિ, વસિષ્ઠ, કશ્યપ અને અત્રિ એ સપ્તર્ષિઓનો ઉલ્લેખ કરે છે. મૂળ ભૃગુ, અંગિરસ, મરીચિ અને અત્રિ ગોત્રકૃત્ હતા તેમાંથી સાત થયા એવો પણ ઉલ્લેખ છે.
મહાભારત (સભાપર્વ, 11.54) જણાવે છે કે 80,000 ઋષિઓએ બ્રહ્મચર્ય ધારણ કર્યું અને 49 ઋષિઓએ ગૃહસ્થાશ્રમ સ્વીકારી પ્રજા ઉત્પન્ન કરી. વ્યાકરણ મહાભાષ્યમાં (4.1.78) પતંજલિ પણ એવો જ અભિપ્રાય નોંધી આગળ લખે છે કે ‘तत्रागस्त्याष्टमैर्ऋषिभिः प्रजनोडभ्युपगतः । तत्रभवतां यदपत्यं तानि गोत्राणि ।’ ગૌતમ વગેરે સાત ઋષિઓમાં અગસ્ત્ય ઉમેરાતાં આઠ ઋષિઓ થયા. તેમના પુત્રો તે ગોત્ર કહેવાયા. પતંજલિનો આ મત બૌધાયન શ્રૌત્ર સૂત્રના પ્રવરાધ્યાયને અનુસરે છે.
આ રીતે ગૌતમ, ભરદ્વાજ, વિશ્વામિત્ર, જમદગ્નિ, વસિષ્ઠ, કશ્યપ, અત્રિ અને અગસ્ત્ય આ આઠ ઋષિઓએ પ્રજા ઉત્પન્ન કરી. તેમના વંશજો તે તે ઋષિના ગોત્ર(=કુળ)ના કહેવાયા. આ આઠ ઋષિઓ ગોત્રકૃત્ અથવા ગોત્રકારી કે ગોત્રપ્રવર્તક વૃદ્ધ સ્થવિર કે વંશ્ય કહેવાયા.
આગળ જતાં ઉપર્યુક્ત ઋષિઓના વંશમાં ઉત્પન્ન થયેલા પુત્રોના નામથી પણ ગોત્ર શરૂ થયાં; દા. ત. વિશ્વામિત્રના ગોત્રમાં ચિકિત વગેરે 12; જમદગ્નિના ગોત્રમાં વત્સ વગેરે 7; ભરદ્વાજના ગોત્રમાં ભરદ્વાજ અગ્નિવશ્ય વગેરે 9; ગૌતમ ગોત્રમાં ગૌતમ, ઉચથ્ય વગેરે 10; અત્રિ ગોત્રમાં અત્રિ અને ગવિષ્ઠિર એમ 2; વસિષ્ઠ ગોત્રમાં વસિષ્ઠ, ઉપમન્યુ વગેરે 4; કશ્યપ ગોત્રમાં કશ્યપ, નિધ્રુવ વગેરે 4 અને અગસ્ત્યના ગોત્રમાં એકમાત્ર અગસ્તિ – 1 એમ બધા મળી કુલ 49 ગોત્રકૃત્ થયા. આમને મૂળ ગોત્રના ‘ગણ’ કહેવામાં આવતા. આમાંથી આગળ જતાં જે ગોત્રકારો થયા તે ‘પક્ષ’ કહેવાયા. આમ ગોત્રની સંખ્યા કરોડોની થઈ ગઈ. બૌધાયન પ્રવરાધ્યાયમાં ગોત્રની સંખ્યા 800 આપે છે, જ્યારે સત્તરમી સદીમાં લખાયેલ ‘સંસ્કારકૌસ્તુભ’ 1,600ની સંખ્યા દર્શાવે છે. આમ મૂળ 8 ગોત્રમાંથી 24, 32 (કુલદીપિકા), 49 (આશ્વલાયન)થી વધતાં વધતાં ગોત્રની સંખ્યા 1,600 સુધી પહોંચી ગઈ.
‘પ્રવર’ અંગે ભિન્ન ભિન્ન મતો જોવા મળે છે. ‘પ્રવર’ એટલે ગોત્રનાય પૂર્વજ ઋષિઓ. પ્રવરની સંખ્યા દરેક ગોત્રમાં સરખી હોતી નથી. કેટલાંક ગોત્રમાં એક, કેટલાંકમાં બે, કેટલાંકમાં ત્રણ તો કેટલાંક ગોત્રમાં પાંચ પ્રવર બતાવ્યા છે. ગોત્રમાં પ્રવરની સંખ્યા પાંચથી વધુ હોતી નથી. ત્રણ પ્રવરમાં ગોત્રપ્રવર્તક ઋષિના પ્રપિતામહ, પિતામહ અને પિતા એમ ત્રણને લેવામાં આવે છે. આમ પ્રવરમાં ગોત્રથી પણ પ્રાચીન ઋષિઓ – ગોત્રકૃતના પ્રાચીન ઋષિપૂર્વજો છે. તેથી પ્રવરને આષેધ્ય પણ કહેવામાં આવે છે; દા. ત., ઉપમન્યુ ગોત્રમાં વસિષ્ઠ, ભરદ્વસુ અને ઇન્દ્રપ્રમદ એ ત્રણ પ્રવરો છે. આમ પ્રવરનો અર્થ સંપ્રદાયપ્રવર્તક એવા ગોત્રના પૂર્વજો એવો થાય છે.
પરંતુ આ કલ્પનામાં કેટલાકને દોષ જણાય છે. પ્રવરમાં પ્રપિતામહ, પિતામહ અને પુત્ર લઈએ તો તે કલ્પના પ્રતીતિકર નથી; દા. ત., કુંડિન ગોત્રના પ્રવરોમાં વસિષ્ઠ, મિત્રાવરુણ વસિષ્ઠના પૂર્વકાળમાં થઈ ગયા હોવાથી વસિષ્ઠ મિત્રાવરુણના પિતા થઈ શકે નહિ. તેવી રીતે ભરદ્વાજના પ્રવરમાં ભરદ્વાજ, બૃહસ્પતિ અને અંગિરસનાં નામો છે. તે પૈકી બૃહસ્પતિ અને અંગિરસ બંને ભાઈઓ હોવાથી તેમની વચ્ચે પિતાપુત્રનો સંબંધ ઘટી શકતો નથી. તેથી આ કલ્પના સ્વીકાર્ય નથી એમ માનનારાઓ પ્રવર એટલે કુળના પૂર્વજ નહિ; પરંતુ જુદી જુદી વૈદિક શાખાના ઋત્વિજ હોવા જોઈએ એમ કહે છે.
પરંતુ આ મત સ્વીકાર્ય નથી. પ્રવરનું મૂળ વૈદિક પ્રવરણવિધિમાં રહેલું છે. વૈદિક કાળમાં દર્શપૂર્ણમાસ ઇષ્ટિ કરનાર આહિતાગ્નિ યજમાન આ પ્રવરણવિધિ કરતો હતો. પ્રવરણ શબ્દ प्र + वृ (પસંદ કરવું) એ ધાતુ પરથી નિષ્પન્ન થયો હોવાથી તેનો અર્થ પસંદ કરવાની વિધિ એવો થાય છે. પ્રવરણવિધિમાં હોતા ઇષ્ટિ માટે અગ્નિનું આવાહન કરતાં કહે છે : ‘હે અગ્નિ ! યજમાનના ગોત્રના અમુક અમુક પ્રાચીન ઋષિઓએ બોલાવતાં તું આવ્યો અને હોતા બનીને દેવતાનું આવાહન અને સ્તુતિ કરી તેમ આ યજમાનની ઇષ્ટિમાં પણ આવ અને દેવતાનું આવાહન અને સ્તુતિ કર.’
વત્સગોત્રીય યજમાનનો હોતા આ વિધિમાં અગ્નિને ભાર્ગવ, ચ્યાવન, આપ્નવાન, ઔર્વ અને જામદગ્ન્ય — એ પાંચ ઋષિઓના નામથી બોલાવતો તેથી તે પાંચ ઋષિઓ વત્સગોત્રના પ્રવર કહેવાયા. તે પ્રમાણે આર્ષ્ટિષેણીય ગોત્રના યજમાનનો હોતા અગ્નિને ભાર્ગવ, ચ્યાવન, આપ્નવાન, આર્ષ્ટિષેણ અને આનૂપ — એ પાંચ ઋષિઓના નામથી બોલાવતો તેથી તે પાંચ ઋષિઓ આર્ષ્ટિષેણ ગોત્રના પ્રવર કહેવાયા. આમ ગોત્રના પૂર્વજ ઋષિઓનું પ્રવરણ કરવામાં આવતું હોવાથી તે ઋષિઓ તે ગોત્રના પ્રવર (પસંદ કરાયેલા) કહેવાયા. આમ ઋષિપ્રવર શબ્દ ‘પ્રવર’ તરીકે પ્રચલિત થયો અને પસંદ કરાયેલા આ ઋષિઓ શ્રેષ્ઠ હોવાથી ‘પ્રવર’નો અર્થ શ્રેષ્ઠ એવો પણ થયો અને ‘ઋષિ’ શબ્દ ઉપરથી ‘આર્ષેય’ એવો પ્રવરનો પર્યાય પણ થયો. ત્રણ પ્રવરમાં ગોત્રના ત્રણ ઋષિપૂર્વજોની (પ્રપિતામહ, પિતામહ અને પિતા) કલ્પના ઘટી શકે છે. મૂળ મિત્રાવરુણના વંશમાં જન્મેલ અન્ય મિત્રાવરુણ વસિષ્ઠના ઉત્તરકાલીન હોવાથી તે વસિષ્ઠના પુત્ર હોઈ શકે છે. તે પ્રમાણે બૃહસ્પતિએ પોતાના પુત્રનું નામ પોતાના ભાઈના જેવું અંગિરસ આપ્યું હોય તો તે તેનો પુત્ર થઈ શકે છે. તેથી ગોત્રપ્રવરમાં રક્તસંબંધ માનવો તે જ ઉચિતતર છે એમ એક મત છે.
ઉપર જણાવેલા આઠ ગોત્રકારી ઋષિઓ અને તેમના વંશમાં થયેલા 49 ગણો તે જ 49 પ્રવર તરીકે ઓળખાયા. આમ પ્રવરની કુલ સંખ્યા 49 છે.
ક્ષત્રિયો અને વૈશ્યોમાં પણ પ્રવરો છે. ક્ષત્રિયના પ્રવરો — માનવ, ઔષ અને પૌરૂરવસ્ છે અને વૈશ્યોના પ્રવરો – ભાલન્દન, વાત્સપ્રિ અને માંદ્રિલ છે.
ક્ષત્રિયોના ગોત્ર માટે મેધાતિથિ (મનુસ્મૃતિ 3.194) કહે છે : ‘किमेतद् गोत्रं नाम ? आदिपुरुषः संज्ञाकारी । विद्याविते शौर्योदार्यादि गुणयोगेन ख्याततमो येन कुलं व्यपदिश्यते ।’
ક્ષત્રિયના વંશમાં જે પૂર્વજ વિદ્યા, ધન, શૌર્ય અથવા ઔદાર્ય જેવા ગુણોથી અત્યંત પ્રખ્યાત બન્યો હોય તેના નામથી તે કુળ ઓળખાતું અને તે આદિપુરુષનું નામ તે ગોત્ર સાથે જોડાતું.
જે વ્યક્તિને પોતાનું ગોત્ર કયું છે તેની ખબર હોતી નથી, તે વ્યક્તિનું ગોત્ર કશ્યપ માનવામાં આવ્યું છે; કારણ કે કશ્યપ અને અદિતિ સમગ્ર સૃર્દષ્ટિનાં આદિ માતાપિતા છે. વિકલ્પે ભારદ્વાજ ગોત્ર પણ ગણાય. તેવી રીતે જે ક્ષત્રિયને પોતાના પ્રવરની જાણ ન હોય તે ક્ષત્રિય પોતાના પુરોહિતના પ્રવરોનો ઉલ્લેખ કરે એમ વિધાન છે.
એક જ ગોત્રમાં જન્મેલ બાલક અને બાલિકા ભાઈબહેન થતાં હોવાથી સગોત્ર વિવાહ ધર્મશાસ્ત્રે નિષિદ્ધ ગણ્યો છે. તે બતાવી આપે છે કે ગોત્રમાં રક્તસંબંધ જ છે, વિદ્યાસંબંધ નહિ.
અરુણોદય જાની