ગોખલે, ડી. એન. (જ. 20 સપ્ટેમ્બર 1922, સાતારા; અ. 27 જૂન 2000) : મરાઠી લેખક. ડૉ. કેતકરના જીવનચરિત્ર માટે 1961માં સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત કર્યું હતું. એમણે ઉચ્ચ શિક્ષણ પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં લીધું હતું. તેમણે મરાઠીમાં પ્રથમ વિશ્વકોશ તૈયાર કરનાર ડૉક્ટર કેતકરના જીવનનાં તથા સાહિત્યનાં અનેક પાસાંનું ગાઢ અધ્યયન કરીને તેમનું વ્યક્તિત્વ સુચારુ રીતે પ્રસ્તુત કર્યું છે. એમનું આ જીવનચરિત્ર માત્ર પ્રશંસાત્મક નથી. એમના દોષો પણ તેમણે તારવી બતાવ્યા છે અને એમના માનસનું વિશ્લેષણ પણ કર્યું છે. આ ઉપરાંત એમણે નવલિકા તથા નિબંધોના પ્રકારમાં પણ સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેઓ મરાઠી દૈનિક તથા સામયિકોમાં સતત લખતા રહે છે.

ચન્દ્રકાન્ત મહેતા