ગોખલે, ચંદ્રકાંત (જ. 7 જાન્યુઆરી 1921, મિરજ, મહારાષ્ટ્ર; અ. 20 જૂન 2008, પુણે) : મરાઠી રંગભૂમિ અને ચલચિત્રના પીઢ અને ચરિત્ર અભિનેતા. તેમણે તેમની અભિનેતા તરીકેની સિત્તેર વર્ષની કારકિર્દી(1938–2008)માં 80 મરાઠી ચલચિત્રો, 16 હિંદી ચલચિત્રો અને 64 મરાઠી નાટકોમાં અભિનય કર્યો હતો. તેમનું ‘લક્ષ્મીચે ખેળ’ (1938) એ પ્રથમ ચલચિત્ર અને ‘વળૂ’ (2008) એ છેલ્લું ચલચિત્ર હતું. મરાઠી સંગીત-રંગભૂમિના કાળમાં તેમણે સંગીત-નાટકોમાં પણ ભૂમિકા ભજવી હતી. તેમની જે ભૂમિકાઓ ખૂબ લોકપ્રિય બની હતી તેમાં રાજેમાસ્તરની ભૂમિકા, જ્ઞાનપીઠ ઍવૉર્ડ વિજેતા વિ. વા. શિરવાડકર ઉર્ફે ‘કુસુમાગ્રજ’ દ્વારા લિખિત ‘નટસમ્રાટ’ નાટકમાંની બેલવલકરના પાત્રની ભૂમિકા, વિજયા મહેતા દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત ‘બૅરિસ્ટર’ નાટકમાંની તાત્યાની ખલનાયકની ભૂમિકા તથા મનોહર સ્ત્રી નાટક કંપની દ્વારા પ્રસ્તુત ‘પુન્હા હિંદુ’ નાટકમાંની મહાદજીની ભૂમિકા વિશેષ ઉલ્લેખનીય છે. જે મરાઠી ચલચિત્રોમાં તેમની ભૂમિકાઓ યાદગાર બની હતી તેમાં ‘સુવાસિની’, ‘માનિની’ અને ‘ધર્મકન્યા’ તથા હિંદી ચલચિત્રોમાં ‘વિશ્વાસઘાત’ અને ‘ઈર્ષા’ આ બે ચલચિત્રોની ભૂમિકાઓ ઉલ્લેખનીય છે. ‘માનિની’ ચલચિત્રના અભિનય માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર ઉપરાંત મહારાષ્ટ્ર સરકાર દ્વારા દર વર્ષે અપાતા આઠ પુરસ્કારોમાંનો એક તેમને એનાયત થયો હતો.

ભારતીય લશ્કરના અપંગ અને નિવૃત્ત જવાનોના કલ્યાણનિધિમાં તેઓ દર વર્ષે એક લાખ રૂપિયાનું દાન કરતા હતા.

વર્ષ 2001માં તેમને જીવનગૌરવ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

મરાઠી રંગભૂમિ અને ચલચિત્રોના વિખ્યાત અભિનેતા વિક્રમ ગોખલેના તેઓ પિતા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે