ગોખરુ : ચોમાસા દરમિયાન જમીનમાં ઊગી નીકળતો એક છોડ. સં. गोक्षुरम् (લૅ. Tribulus Terrestris). ગોખરુના બે જાતના છોડ છે પરંતુ બંનેના ગુણો સરખા જ છે.

ગોખરુ કાંટી જમીન ઉપર સાદડીની જેમ પથરાય છે. ચોમાસામાં ઊગી નીકળતો વાર્ષિક છોડ છે. તેની બે જાતો ગુજરાતમાં મળે છે : ઑક્ટોબર—ડિસેમ્બર માસમાં ફળફૂલ ધરાવતો ફાધર બ્લેટરે કચ્છમાંથી નોંધેલો, પાંચ ફલશાંક (Cocci) ધરાવતો Tribulus alatus Del નામનો છોડ અને બીજો તે સર્વત્ર મળતો બોડું ગોખરુ કે મીઠું ગોખરુ કે અકાન્તિ તરીકે બારે માસ મળતો તે T. terrestris L નામનો છોડ છે. તે દ્વિબીજદલાના કુળ Zygophyllaceaeનો છોડ છે.

તેને પીળા રંગનાં ફૂલ આવે છે. ફળ પાકે ત્યારે તેને ત્રણ કઠણ બુઠ્ઠા (blunt) કાંટા હોય છે. તેને લીધે વગડામાં કે કેડી ઉપર રબરવાળા તળિયામાં બૂટ-ચંપલમાં ઘૂસી જાય છે. ખુલ્લા પગે ચાલનારને તે વાગે છે. તેનાં સંયુક્ત પર્ણોનું શાક થાય છે. તેના ફળને ત્રણ ખૂણા હોય છે. તેમાં બે ઉપર એકેક કાંટો હોય છે; ત્રીજા પર નહિ જેવો જ હોવાથી ફક્ત બે કાંટા જ લાગે છે. તે જમીનની સપાટી ઉપર બધી જ બાજુએ ફેલાઈ એક ઘટ્ટ સાદડી રૂપે પથરાય છે. તેનાં પ્રથમ બે બીજપત્રો (coty ledons) સાદાં, જ્યારે પુખ્ત પર્ણ સંયુક્ત હોવાથી તરત જ જુદું પારખી શકાય છે.

આયુર્વેદ અનુસાર તેનો સૌથી વિશેષ ઉપયોગ પથરી, પ્રમેહ, પેશાબની બળતરા, અટકાયત કે શૂળ નિવારવા થાય છે. તેનો ઉકાળો પીવાથી મૂત્ર છૂટથી આવે છે અને સંગ્રહાયેલાં દોષદ્રવ્યો પળમાં દૂર થાય છે. તે શીતવીર્ય, વૃષ્ય, બલ્ય અને વાજીકરણ બળ આપતું, યુવાનોની જાતીય મંદતા, વીર્યદોષ કે ક્ષયમાં પ્રમાણભૂત ઔષધ નીવડ્યું છે. તેનો કવાથ પીવાથી વાતજ, સંધિગત રોગોમાં મૂત્રામ્લ વધતું અટકાવી અકસીર અસર કરે છે. તે મૂત્રપ્રમાણ વધારી પિત્તજ દાહની ગરમીને દૂર કરે છે. મૂત્રપિંડ(kidney)ના રોગોની એ ઉત્તમ નિર્દોષ ઔષધિ છે. તેથી જ તેને સંસ્કૃતમાં વનશૃંગારક કહે છે. તેનાં પર્ણો યુગ્મપક્ષાકાર, પર્ણિકાઓ જોડીમાં હોય છે અને ટોચની પર્ણિકા ગેરહાજર હોય છે. પર્ણિકાઓ ભાલાદાર-અંડાકાર, ચળકતી પર્ણકિનારી ધરાવે છે.

ગોખરુ બોડું : લૅટિન શાસ્ત્રીય નામ Pedalium murex L ધરાવે છે. તે દ્વિદળીના કુળ Pedaliaceaeનો 12થી 40 સેમી. ઊંચો, શાખિત, પથરાતો, આછી રુવાંટીવાળો છોડ છે. તેનાં પાન સાદાં હોય છે. ફળ-ફૂલ જુલાઈથી જાન્યુઆરી માસ સુધી રહે છે. તેનાં ફૂલ એકાકી હોય છે અને ચણીબોર જેવું પિરામિડ આકારનું ચતુષ્કોણીય ફળ હોય છે. તે દ્વારિકા-ઓખા-વેરાવળના દરિયાકિનારે વધુ મળે છે. એને ઊભું ગોખરુ પણ કહે છે. તેનાં પાંદડાં તલના જેવાં હોય છે. તેને ફળ ઉપર ચારે બાજુએ ચાર કાંટા હોય છે. ગળો, ગોખરુ અને આંબળાના ચૂર્ણમાં ગોખરુ અગત્યનું ઘટક છે. આ કુળનાં સહસભ્યોમાં તલ (Sesamum) અને વીંછુડો (Martynia) ઘણી જ ઉપયોગી વનસ્પતિઓ છે.

આયુર્વેદ અનુસાર, ગોખરુ શીતળ, બલકારક, મધુર, બૃંહણ, બસ્તિશુદ્ધિકારક, વૃષ્ય, પૌષ્ટિક, રસાયન, અગ્નિદીપક અને સ્વાદુ હોય છે. તે મૂત્રકૃચ્છ્ર, અશ્મરી, દાહ, મોહ, દમ, ઉધરસ, હૃદરોગ, અર્શ, બસ્તિવાલ, ત્રિદોષ, કોઢ, શૂળ અને વાયુનો નાશ કરે છે. ઔષધોમાં તેનાં પંચાંગ અને ફળોનો સમાવેશ થાય છે.

મૃગેન્દ્ર વૈષ્ણવ

પ્રાગજી મો. રાઠોડ