ગોકાક, વિનાયક કૃષ્ણ (જ. 9 ઑગસ્ટ 1909, સાવનૂર, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 28 એપ્રિલ 1992, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ સાહિત્યકાર તથા 1991ના જ્ઞાનપીઠ ઍવૉર્ડવિજેતા લેખક. માધ્યમિક શિક્ષણ ધારવાડમાં તથા ઉચ્ચ શિક્ષણ પુણે અને ઇંગ્લૅન્ડમાં લીધું. 1931માં મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.ની પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં સુવર્ણ-ચંદ્રક મેળવ્યો. ત્યારપછી 1938માં ઑક્સફર્ડ યુનિવર્સિટીની બી.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં અને 1938માં એમ.એ.ની પદવી અંગ્રેજી વિષયમાં મેળવી. તેમનામાં આયોજિત અધ્યયનશીલ રુચિ પેદા કરવામાં તેમના પિતામહ પાંડુરંગ જોશીનો મહત્વનો ફાળો હતો. 1930માં શ્રીમતી શારદાબાઈ સાથે લગ્ન કર્યાં હતાં. તે પણ કવયિત્રી હતાં. 1931–36 દરમિયાન પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં અધ્યાપક, 1938–44માં સાંગલી(મહારાષ્ટ્ર)ની વિલિંગ્ડન કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક તથા આચાર્ય (1940–44), 1945–46 ઓસ્માનિયા યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક, 1946–49 વિસનગરની એમ. એન. કૉલેજમાં આચાર્ય, 1949–52 કોલ્હાપુરની રાજારામ કૉલેજમાં આચાર્ય, 1952–59 કર્ણાટક કૉલેજ, ધારવાડના આચાર્ય, 1959–66 દરમિયાન હૈદરાબાદ ખાતેની ‘સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇંગ્લિશ’ના નિયામક, 1966–69 બૅંગલોર યુનિવર્સિટીના કુલપતિ, 1970–71માં સિમલા ખાતેની ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઍડવાન્સ્ડ સ્ટડી’ના નિયામક, 1976–77 દરમિયાન બેંગલોર યુનિવર્સિટીમાં યુ. જી. સી. નિયુક્ત પ્રોફેસર તથા 1981થી અવસાન સુધી ‘શ્રી સત્ય સાંઇ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હાયર લર્નિગ’ના કુલપતિ – આમ વિવિધ હોદ્દાઓ ઉપર તેમણે કામ કર્યું હતું. આ ઉપરાંત તેમણે નવી દિલ્હી ખાતેની સાહિત્ય અકાદમીના ઉપપ્રમુખ અને પ્રમુખ, ભારતીય જ્ઞાનપીઠ સમિતિના સભ્ય અને પ્રમુખ, બૉર્ડ ઑવ્ ગવર્નર્સ ઑવ્ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇંગ્લિશના સભ્ય, ઇન્ડિયન કમિશન ઑવ્ યુનેસ્કોના સભ્ય (1967–73), વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ(U.G.C.)ના સભ્ય (1968–69), ઍસોસિયેશન ઑવ્ વર્લ્ડ ફેડરેલિસ્ટના સભ્ય જેવાં પદો પણ શોભાવ્યાં છે. 1978–81 તેઓ જ્ઞાનપીઠ ઍવૉર્ડ સિલેક્શન કમિટીના અધ્યક્ષ રહ્યા હતા.
1958માં બેલ્લારી ખાતે ભરાયેલા કન્નડ સાહિત્ય સંમેલનના પ્રમુખપદે, 1960માં ઑલ ઇન્ડિયા ઇંગ્લિશ ટીચર્સ કૉન્ફરન્સના અધ્યક્ષપદે અને 1960માં યુગાંડા ખાતે ભરાયેલા કૉમનવેલ્થ કૉન્ફરન્સ ઑન ટીચિંગ ઑવ્ ઇંગ્લિશના ઉપપ્રમુખપદે તેઓ ચૂંટાયેલા. 1956માં ટોકિયો ખાતે ભરાયેલ વિશ્વ પી. ઈ. એન. સંમેલનમાં, 1960માં બેલ્જિયમમાં આયોજિત આંતરરાષ્ટ્રીય કવિસંમેલનમાં ભારતના પ્રતિનિધિ તથા 1966માં કૅમ્બ્રિજ કૉન્ફરન્સ ઑન ટીચિંગ ઑવ્ ઇંગ્લિશ લિટરેચરમાં ભારતના પ્રતિનિધિ તરીકે તેમની વરણી થઈ હતી.
તેમનાં પિસ્તાળીસ ઉપરાંત પ્રકાશનોમાં અંગ્રેજીમાં લખેલાં, ‘ધ ગોલ્ડન ટ્રેઝરી ઑવ્ ઇન્ડો-ઍંગ્લિકન પોએટ્રી’ : 1828–1965 (1970), ‘નરહરિ, પ્રૉફેટ ઑવ્ ન્યૂ ઇન્ડિયા’ (1972), ‘ઇન્ડિયા ઍન્ડ વર્લ્ડ કલ્ચર’ (1972), ‘શ્રી ઑરોબિંદો, સીઅર ઍન્ડ પોએટ’ (1973), ‘ભગવાન સત્ય સાંઈ બાબા, ઍન ઇન્ટરપ્રિટેશન’ (1975) તથા 35,000 લીટીવાળું કન્નડમાં લખેલું ‘ભરત સિંધુ રશ્મિ’ (1982) નામક મહાકાવ્ય વિશેષ ઉલ્લેખનીય છે.
ક્ન્નડના પ્રતિભાસંપન્ન નવકવિઓમાં તેમનું સ્થાન મોખરાનું ગણવામાં આવે છે. તેઓ ‘વિનાયક’ તખલ્લુસથી કાવ્યરચના કરતા. ‘કલોપાસક’ (1934) તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ. તે પછી ‘પયણ’ (1937), ‘સમુદ્રગીતગળુ’ (1940), ‘ત્રિવિક્રમર આકાશગંગે’ (1945), ‘નવ્યકવિનેગળુ’ (1950), ‘દ્યાવાપૃથિવી’ (1957), ‘ઇન્દિલ્લનોળ’ (1965) વગેરે કુલ અઢાર કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે.
તેમણે લખેલાં ‘જનનાયક’ (1939), ‘યુગાંતર’ (1947) તથા ‘વિમશૈક વૈદ્ય’ (1947) નાટકો પ્રકાશિત થયાં છે.
‘સમરસવે જીવન’ કન્નડ (1967) તથા ‘નરહરિ’ અંગ્રેજી ભાષામાં લખેલી તેમની નવલકથાઓ છે.
તેમના વિવેચનગ્રંથોમાં ‘કવિ કાવ્ય મહોન્નતિ’ (1935), ‘ઇન્દિન કન્નડ કાવ્યદ ગોત્તુ ગુરી’ (1946), ‘નવ્યતે, હાગુ કાવ્યજીવન’ (1955) ઉલ્લેખનીય છે. ‘સમુદ્રદાચે યિંદ’ (1938) એ પ્રવાસવર્ણનમાં તેમણે પશ્ચિમની સંસ્કૃતિ તથા રીતિરિવાજો પર વિસ્તારથી પ્રકાશ પાડ્યો છે.
અંગ્રેજી ભાષામાં તેમણે લખેલા ગ્રંથોમાં ‘ધ સૉંગ ઑવ્ લાઇફ’ (1942), ‘ધ પોએટિક ઍપ્રોચ ટુ લૅન્ગ્વેજ’ (1942), ‘ઇંગ્લિશ ઇન ઇન્ડિયા – ઇટ્સ પ્રેઝેન્ટ ઍન્ડ ફ્યૂચર’ (1964),’ ઇન લાઇફ્સ ટેમ્પલ’ (1965), ‘ડી. આર. બેંદ્રે –પોએટ ઍન્ડ સીઅર’ (1970) વિશેષ ઉલ્લેખનીય છે.
તેમના ‘દ્યાવાપૃથિવી’ (1957) કાવ્યસંગ્રહને 1961માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક એનાયત થયું હતું. 1961માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’થી અને તે પછી 1988માં ‘પદ્મભૂષણ’થી નવાજ્યા હતા. 1965માં સાઉથ ઇન્ડિયન હિંદી લિટરરી અકાદમી દ્વારા તેમને ‘સાહિત્યાચાર્ય’ના ખિતાબથી સન્માનવામાં આવ્યા હતા. કર્ણાટક યુનિવર્સિટી (1967) અને કૅલિફૉર્નિયાની પૅસિફિક યુનિવર્સિટી (1969)એ તેમને ડી.લિટ્.ની માનદ ઉપાધિથી સન્માન્યા હતા.
1969માં તેમના વિશે ‘વિનાયક’, ‘વિનાયક વાઙમય’ તથા ‘સિદ્ધિવિનાયક મોદક’ એવા ગૌરવગ્રંથો પ્રકાશિત થયા છે.
ચન્દ્રકાન્ત મહેતા