ગોએન્કા પુરસ્કાર : ભારતીય પત્રકારત્વમાં ઉત્કૃષ્ટ સિદ્ધિની કદર રૂપે અપાતો પુરસ્કાર. ભારતીય અખબારી આલમના પ્રમુખ આગેવાન અને એક્સપ્રેસ ગ્રૂપ ઑવ્ ન્યૂસપેપર્સના વડા ભગવાનદાસ ગોએન્કાના અકાળ અવસાન પછી એમના પિતા રામનાથ ગોએન્કાએ અને ભગવાનદાસનાં પત્ની શ્રીમતી સરોજ ગોએન્કાએ એમની સ્મૃતિમાં એક્સપ્રેસ જૂથનાં અખબારોની સુવર્ણજયંતી નિમિત્તે બી. ડી. ગોએન્કા પ્રતિષ્ઠાનની 1983માં સ્થાપના કરી હતી.
પ્રતિષ્ઠાન તરફથી આ પારિતોષિક દર વરસે અંગ્રેજી ભાષાના એક અને ભારતીય ભાષાના એક એમ બે પત્રકારોને અપાય છે. પુરસ્કાર માટે વ્યંગ્ય ચિત્રકાર(cartoonist)ની કે તસવીરકારની પણ પસંદગી થઈ શકે છે. સમાજની સન્માનનીય પ્રતિભાઓની બનેલી નિર્ણાયક સમિતિ દ્વારા વિજેતાઓની પસંદગી કરવામાં આવે છે. પુરસ્કારની પાત્રતા માટે સાહસ, હિંમત, પહેલવૃત્તિ, આલોચનાનાં વ્યાપ તથા ઊંડાણ, પારદર્શકતા, કલ્પનાશક્તિ, શૈલીનું સૌંદર્ય, પ્રામાણિકતા અને સામાજિક સંદર્ભ વગેરે માનદંડો સ્વીકારવામાં આવ્યા છે. પત્રકારની ભૂતકાળની વિલક્ષણ સિદ્ધિઓને પણ લક્ષમાં લેવામાં આવે છે.
પારિતોષિક રૂપે પ્રશસ્તિપત્ર, એક લાખ રૂપિયાની રોકડ રકમ તથા ટ્રૉફી આપવામાં આવે છે. કોણાર્કના ઐતિહાસિક મંદિરમાંના સૂર્યના રથની પંચધાતુની બનેલી કલાત્મક પ્રતિકૃતિ ટ્રૉફી તરીકે આપવામાં આવે છે. વિખ્યાત શિલ્પકાર એન. સોનાવડેકરે આ ટ્રૉફી કંડારી છે.
પ્રકાશના અને શક્તિના મૂળ સ્રોતસમા સૂર્યનારાયણનો સાત અશ્વ જોડેલો રથ પૃથ્વીના અંધારાને વિદારીને એને સદાય જાગૃતિ ભણી દોરી જાય છે. સાચા અખબારે પણ માનવસમાજમાં આ જ કર્તવ્ય બજાવવાનું છે.
સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને કવિ તથા ‘જન્મભૂમિ’ અને ‘જન્મભૂમિ-પ્રવાસી’ના તંત્રી હરીન્દ્ર દવેને 1990નો પુરસ્કાર મળ્યો હતો.
1983થી આજ સુધીના વિજેતાઓની યાદી આ પ્રમાણે છે : 1983 – વી. કે. નરસિંહન્; 1984 – પ્રેમ ભાટિયા અને રાજકુમાર કેસવાણી; 1985 – કે. એન. હઝારિકા અને આર. કે. લક્ષ્મણ; 1986 – એસ. સહાય અને એ. એન. શિવરામન્; 1987 – રોમેશ થાપર (મરણોત્તર) અને કર્પૂરચન્દ કુલીશ; 1988 – અરુણ પુરી અને અનંત ભાલેરાવ; 1989 ચિત્રા સુબ્રહ્મણ્યમ્ અને એન. રામ (સંયુકત) તથા એમ. કૃષ્ણન્ નાયર; 1990 – નિખિલ ચક્રવર્તી અને હરીન્દ્ર દવે; 1991 – ટી. એન. નિનન અને પી. વી. આચાર્ય; 1992 – ગોવિંદ તલવલકર, વી. એન. નારાયણન્ અને અમિતા મલિક. પ્રવીણ સ્વામી, વર્ગીસ કે. જ્યૉર્જ, બરખા દત્ત (2005–2006), રીતુ સરીન, રાજદીપ સરદેસાઈ (2005–2006) અને પી. સાઇનાથ, કરણ થાપર (2007 –2008).
પ્રદીપ તન્ના